
અમદાવાદના એ 10 સ્થળ જેની અવશ્ય મુલાકાત લેવી જોઈએ
સાબરમતી નદીના કિનારે વસેલુ, એક સમયનુ ઔદ્યોગિક પાટનગર ગણાતુ અને ગુજરાતના ધબકાર સમુ અમદાવાદ શહેર આજે વિશ્વપટલ પર પોતાનુ આગવુ મહત્વ ધરાવે છે. ભાગીગળ સંસ્કૃતિઓનો સુંદર સમન્વય ધરાવતુ આ શહેર અનેરા પ્રવાસી સ્થળો માટે અનેરુ મહત્વ ધરાવે છે. આમ જોવા જઈએ તો અમદાવાદમાં ઘણા બધા જાણીતા જોવાલાયક સ્થળો છે પરંતુ આજે તમને એવા સ્થળો વિશે માહિતી મેળવીએ જે તમારે અમદાવાદમાં અચૂકપણે જોવા જોઈએ.

ગાંધી આશ્રમ
સમગ્ર વિશ્વને સત્ય અને અહિંસાનો સંદેશ આપનાર આપણા ગાંધી બાપુએ અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે ગાંધી આશ્રમ બનાવ્યો હતો જે હરિજન આશ્રમ કે સત્યાગ્રહ આશ્રમ તરીકે પ્રખ્યાત છે. ગાંધીજી 1915માં દક્ષિણ આફ્રિકાથી પરત ફર્યા બાદ આ આશ્રમ બનાવવામાં આવ્યો હતો. સાબરમતી આશ્રમ એ અમદાવાદનુ સૌથી મહત્વનુ પર્યટન સ્થળ છે. ગાંધીજીવન, તેમની કૃતિઓ તેમની સફળતા-નિષ્ફળતાની યાદ તાજી કરવા માટે અસંખ્ય ભારતીય તેમજ વિદેશી પ્રવાસીઓ અહીં આવે છે. અહીં ઉપાસના મંદિર, મગન નિવાસ, હ્રદય કુંજ, આશ્રમ મ્યુઝિયમ, આર્ટ ગેલેરી, પુસ્તકાલય આર્કાઈવ્ઝમાં તમને ગાંધીજી, તેમના પરિવાર, તેમની જીવન જીવવાની રીત વિશે ઘણુ બધુ જાણવા મળે છે.

સાબરમતી રિવરફ્રન્ટ
અમદાવાદના જોવાલાયક સ્થળોમાં અત્યારે સૌથી વધુ આકર્ષણ લોકોમાં સાબરમતી નદીને કિનારે બનાવેલ રિવરફ્રન્ટનો છે જેનુ નિર્માણ વર્ષ 2005થી 2012 દરમિયાન કરવામાં આવેલુ. રિવરફ્રન્ટ 11.3 કિમી લાંબા વિસ્તારમાં ફેલાયેલુ છે. રિવરફ્રન્ટ પાસે સુંદર ઉદ્યાનો અને પ્લાઝા છે. અહીં પર્યટકો માટે બોટિંગ પણ વિકસાવવામાં આવ્યુ છે. અહીં વિવિધ ઈવેન્ટ તેમજ પ્રદર્શનો પણ યોજવામાં આવે છે.

સરખેજ રોજા
સરખેજ રોજા એ અમદાવાદના મકરબામાં આવેલી એક સુંદર અને પૌરાણિક મસ્જિદ અને મઝાર છે. જેની રચના વીસમી સદીના આર્કિટેક્ટ લા કાર્બુઝિયરની રચના એથેન્સના એક્રોપોલિસ સાથે સરખાવવામાં આવી હતી. સરખેજમાં રહેતા એક સૂફી સંત શેખ અહમદ ગંજબક્ષની સૂચનાથી જ સુલતાન અહમદ શાહે સાબરમતી નદીના કિનારે અમદાવાદનુ નિર્માણ કરાવ્યુ હતુ. અહીં અહમદ ખટ્ટ ગંજબક્ષ, મસ્જિદ, મહેમૂદ શાહ બેગડા અને તેની રાણીની કબરો, મહેલ અને ગુંબજો નોંધપાત્ર છે.

કાંકરિયા લેક
કાંકરિયા એ અમદાવાદ શહેરનુ સૌથી મોટુ તળાવ છે. આ તળાવ શહેરના મણિનગર વિસ્તારમાં આવેલ આ તળાવ 2.5 કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલુ છે. જેની મધ્યમાં એક બગીચો છે જે નગીનાવાડી તરીકે ઓળખાય છે. કાંકરિયા તળાવના પ્રાંગણમાં વ્યાયામશાળા, માછલીઘર, પ્રાણી સંગ્રહાલય અને બાલવાટિકા આવેલા છે. દર વર્ષે અહીં 25થી 31 ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલની ઉજવણી કરવામાં આવે છે જેમાં સાંસ્કૃતિક અને સામાજિક કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવે છે. અહીંના મુખ્ય આકર્ષણોમાં પ્રાણી સંગ્રહાલય, બાલવાટિકા, કિડ્ઝ સિટી, અટલ એક્સપ્રેસ આને અમદાવાદ આઈ છે.

અડાલજની વાવ
અમદાવાદ હાઈવે પર આવેલી અડાલજની વાવ રૂડાબાઈની વાવ તરીકે પણ જાણીતી છે. વીરસંઘ વાઘેલાએ પોતાની રાણી રૂડીબાઈ માટે વાવનુ બાંધકામ કરાવ્યુ હતુ. ચૂના પત્થરથી નિર્મિત હિંદુ-મુસ્લિમ સ્થાપત્યકળાનો આ ઉત્તમ નમૂનો છે. પાંચસો વર્ષ પહેલા બંધાયેલી આ વાવા ભૂકંપ, પૂર જેવી કુદરતી હોનારતો સામે હજુ પણ અડીખમ ઉભી છે. શિલ્પ અને સ્થાપત્યની દ્રષ્ટિએ તેનુ અનેરુ મહત્વ છે. અમુક કુટુંબોમાં નવ દંપત્તિને ફળદ્રુપતાના આશીર્વાદ આપવા માટે વાવામાં દર્શન કરવા લાવવામાં આવે છે.

સરદાર પટેલ સ્ટેડિયમ
મોટેરા સ્ટેડિયમ તરીકે ઓળખાતા સરદાર પટેલ સ્ટેડિયમ દિવસ અને રાતની રમતો માટે ફ્લડલાઈડથી સજ્જ છે. જ્યાં ટેસ્ટ અને વન ડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચો રમવામાં આવે છે. પુનઃનિર્માણ બાદ તે વિશ્વનુ સૌથી મોટુ ક્રિકેટ સ્ટેડિયમ હશે જેમાં 1,10,000 દર્શકોની બેઠક ક્ષમતા હશે અને તે ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડને પણ પાછળ છોડી દેશે. સ્ટેડિયમ 63 એકરમાં ફેલાયેલુ છે. અહીં ઓલિમ્પિક કદના સ્વિમિંગ પૂલ અને 4 ડ્રેસિંગ રૂમ, ઈન્ડોર પ્રેકટીસ પિચ, બેડમિન્ટન અને ટેનિસ કોર્ટ, સ્કવૉશ એરેના, 3ડી પ્રોજેક્ટર થિયેટર અને 55 રૂમવાળુ ક્લબહાઉસ હશે.

માણેકચોક
માણેકચોક એ અમદાવાદનો એ જૂનો શહેરી વિસ્તાર છે જે ઐતિહાસિક ઈમારતોથી ઘેરાયેલો છે સવારમાં તે શાકભાજી બજાર, બપોરે નાણાં બજાર અને રાત્રે ખાણીપીણી બજાર બની જાય છે. અહીંનુ નાણાં બજાર દેશનુ બીજા ક્રમનુ સૌથી મોટુ બજાર છે જ્યાં રોજનો 30 લાખ રૂપિયાનો વેપાર થાય છે. અહીં નજીકના ઘણા સ્થાપત્યો આવેલા છે જેમાં બાબા માણેકનાથ મંદિર, બાદશાહનો હજીરો, રાણીનો હજીરો આવેલા છે જે સ્ત્રીઓના પરંપરાગત ઘરેણા, પોષાક માટે જાણીતુ છે. ગરબાના પરંપરાગત વસ્ત્રો અહીં મળે છે.

લાલભાઈ દલપતભાઈ મ્યુઝિયમ
ભારતીય કલા અને પુરાતત્વનુ આ એક અમૂલ્ય સંગ્રહાલય છે. દૂર્લભ અને અનન્ય ભારતીય શિલ્પો માટે આ મ્યુઝિયમ ખાસ મહત્વ ધરાવે છે. ભારતીય કલા અને પુરાતત્ત્વનું આ એક અમૂલ્ય સંગ્રહાલય છે. આ સંગ્રહાલય લાલભાઈ દલપતભાઈ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી જોડે સંકળાયેલું છે. દુર્લભ અને અનન્ય ભારતીય શિલ્પો માટે આ મ્યુઝિયમ ખાસ મહત્ત્વ ધરાવે છે. અહીં 75000 હસ્તપ્રતોનો અમૂલ્ય સંગ્રહ છે ઉપરાંત 4000 જેટલી પ્રાચીન વસ્તુઓ પણ સંગ્રહિત છે. ગુજરાતના પરંપરાગત અને કલાત્મક કાષ્ઠકામના નમૂનાઓ અને પુરત્વીય શિલ્પોનુ અનેરુ સંગ્રહાલય છે. અહીં અવારનવાર વિવિધ કાર્યક્રમો, કાર્યશાળાઓ, વાર્તાલાપો, સ્લાઈડ શો તેમજ ફિલ્મો યોજવામાં આવે છે.

સાયન્સ સિટી
સાયન્સ સિટી સરખેજ-ગાંધીનગર હાઈવેની પાછળ હેબતપુરમાં આવેલુ છે. મનોરંજન અને અનુભવના જ્ઞાનના ઉપયોગ સાથે સામાન્ય નાગરિકના મનમાં વિજ્ઞાન અંગેની જિજ્ઞાસા ઉભી થાય તે માટેનો સરકારનો મહત્વાકાંક્ષી પ્રયાસ છે. તે 107થી પણ હેક્ટરમાં ફેલાયેલુ છે. સાયન્સ સિટીનો વિચાર કાલ્પનિક પ્રદર્શનો, વ્યવહારુ વાસ્તવિક પ્રવૃત્તિની જગ્યા અને સહેલાઈથી સમજી શકાય એવી જીવંત નિદર્શનનુ સર્જન કરવાનો છે. અહીં ભારતની સૌથી મોટી આઈમેક્સ સ્ક્રીન છે. સાંજે અદભૂત મ્યૂઝિકલ ફૂવારાઓ મૂકવામાં આવ્યા છે. હૉલ ઑફ સ્પેસ, લાઈફ સાયન્સ પાર્ક, હૉલ ઞફ સાયન્સ જેવા આકર્ષણો છે. સ્ટીમ્યુલેશન રાઈડ, એમ્ફી થિયેટર, અવરોધનો વૈજ્ઞાનિક પ્રયોગ જોવા જેવા છે. તે બપોરે 12 વાગ્યાથી રાતે 9 વાગ્યા સુદી ખુલ્લુ રહે છે.

અમદાવાદની પોળો
મદાવાદનુ હાર્દ એટલે તેની પોળો. અમદાવાદની સાચી ઓળખ અને સંસ્કૃતિ આ પોળોમાં ઝલકે છે. બળબળતી ગરમીમાં પણ ટાઢકનો અનુભવ કરાવે તેવુ સ્થળ એટલે અમદાવાદની પોળો. યુનોએ અમદાવાદની પોળોને લિવિંગ હેરિટેજનુ ઉપનામ આપી તેનુ મહત્વ વધારી દીધુ છે. પોળ એટલે એવા મકાનોનો સમૂહ કે જ્યાં એક જ જ્ઞાતિ, વ્યવસાય કે ધર્મમાં રહેતા લોકોનો સમૂહ જ્યાં રહે તે સ્થળ. અમદાવાદની અમુક પોળો તો પાંચસો વર્ષ જૂની છે. ગમે તેટલી કુદરતી હોનારતો પણ તેને હલાવી શકી નથી.