સુરત એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી, બેંગકોકની ફ્લાઇટમાંથી 1.5 કરોડનો ગાંજો ઝડપાયો
સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગના એર ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા ડ્રગ્સ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. બેંગકોકથી સુરત આવેલી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટમાંથી અંદાજે 1.5 કરોડનું પ્રીમિયમ હાઇડ્રોપોનિક ગાંજો ઝડપી પાડવામાં આવ્યો છે.

ગુપ્ત માહિતીના આધારે હાથ ધરાયેલા સર્ચ ઓપરેશન દરમિયાન ફ્લાઇટ IX-263 માંથી 1,656 ગ્રામ જેટલો માદક પદાર્થ મળી આવ્યો હતો. આ ડ્રગ્સ ફ્લાઇટની સીટ નંબર 12E અને 12F નીચે રાખવામાં આવેલા લાઇફ-જેકેટ પાઉચમાં અત્યંત ચતુરાઈથી છુપાવવામાં આવ્યું હતું.
તસ્કરોએ ડ્રગ્સની ગંધ ન આવે તે માટે તેને વેક્યૂમ-પેક કરીને સેલોફેન પેપરમાં લપેટ્યું હતું જેથી તપાસ દરમિયાન સુરક્ષા એજન્સીઓને તે મળી ન શકે. ફિલ્ડ ટેસ્ટ કિટ દ્વારા તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ પદાર્થ ઉચ્ચ ગુણવત્તાનો હાઇડ્રોપોનિક કેનાબીસ (ગાંજો) છે.
કસ્ટમ્સ વિભાગે હાલમાં આ બિનવારસી જથ્થાને કબજે કરીને NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને ડ્રગ માફિયાઓ વિરુદ્ધ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ ડ્રગ્સ કોણ લાવ્યું હતું તે જાણવા માટે સીટ પર બેસનાર પેસેન્જર અને સીસીટીવી ફૂટેજની ઝીણવટભરી તપાસ ચાલુ છે.












Click it and Unblock the Notifications
