
Astro : ગુજરાતમાં કોણ જીતશે, જાણો જ્યોતિષ શું કહે છે?
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો હવે બસ થોડા કલાકમાં જ આવશે. પણ ગુજરાતની 22 વર્ષની સત્તા ભાજપના હાથમાં જશે કે પરિવર્તન આવશે તે મામલે કુંડળી અને જ્યોતિષ શું કહે છે. નોંધનીય છે કે આ વખતે પીએમ મોદીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કરીને 30થી વધુ રેલીઓ ગુજરાતમાં કરી. તો કોંગ્રેસના રાહુલ ગાંધીએ પણ 27 જેટલા મંદિરોના દર્શન કર્યા અને 3 મહિના સુધી ગુજરાતમાં મોટા ભાગે રહીને જનસભાઓ કરી. આમ જોવા જઇએ તો ચૂંટણી પહેલા ભાજપ અને કોંગ્રેસ બંન્ને પક્ષોએ પોતાની રીતે ભરપૂર મહેનત કરી. પણ જ્યોતિષની રીતે જોવા જઇએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીની કુંડળીમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે જીત કોને માથે લખી છે તે જાણો અહીં....
પીએમ મોદી અને ભાજપ
ગુજરાત વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલનું માનીએ તો ભાજપની જીત પાક્કી છે. વળી ગુજરાતની જીત અને હાર સાથે પીએમ મોદીનો સીધો સંબંધ છે. તે જોતા જો નરેન્દ્ર મોદીની કુંડળી જોઇએ તો મોદીનો જન્મ 17 સપ્ટેમ્બર 1950માં સવારે 11 વાગે ગુજરાતમાં થયો હતો. હાલમાં તેમની કુંડળી મુજબ તેમના પર ચંદ્રની મહાદશા અને બુધનું અંતર અને બુધનું જ પ્રત્યન્તર ચાલી રહ્યું છે. આ કુંડળી મુજબ બુધ અષ્ઠમેશ અને લાભેશમાં લાભ ભાવમાં બેઠો છે. આમ બુધની આ સ્થિતિ શુભ માનવામાં આવી રહી છે. પણ બુધની વક્રી છે તો અસ્ત પણ સંભવ છે. આમ તે જોતા આ વખતે મોદી અને ભાજપ સરકારને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 80 થી 85 જેટલી સીટો મેળવીને જ સંતોષ મેળવવો પડશે તેમ લાગે છે.
રાહુલ અને કોંગ્રેસ
તો બીજી તરફ રાહુલનો જન્મ 18 જૂન, 1970માં રાતે 9 વાગે અને 52 મિનિટે દિલ્હીમાં થયો હતો. આ કુંડળમાં પણ ચંદ્રમાંની મહાદશા અને શનિનું અંતર ચાલી રહ્યું છે. જ્યોતિષ મુજબ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને 90 થી 100 સીટો પર જીત મળવાની અને મોટી સફળતા મળવાની સંભાવનાઓ વધુ છે. સાથે જ આવનારા સમયમાં રાહુલ ગાંધીનું રાજનૈતિક કદ પણ ઊંચે આવશે.