તહેવારોમાં સોનાના આભૂષણોની ખરીદીમાં છેતરાવાથી બચવાની 8 ટિપ્સ
તહેવારોની મોસમ આવી ચૂકી છે. આપણામાંથી ઘણા લોકોએ આ સીઝનમાં ગોલ્ડ જ્વેલરી ખરીદવાનું પ્લાનિંગ કરી રાખ્યું હશે. ખાસ કરીને ધનતેરસ અને પુષ્ય નક્ષત્રમાં કે તહેવારોમાં વહેલા મોડા જ્વેલરી શોપમાં જશે અને સોનાના આભૂષણોની ખરીદી કરશે. ભારતમાં સોનાના આભૂષણો ખરીદતા સમયે ગમ્યાં અને આંખ મીંચીને ખરીદી લીધા એવી વિશ્વાસપાત્રતા નથી. ભારતમાં સોનાના આભૂષણોની ખરીદી કરતા સમયે અનેક સાવચેતી રાખવી જરૂરી છે નહીંતર છેતરપિંડી થવાની પૂરી શક્યતા છે.
અહીં અમે આપને એવા 8 પગલાં જણાવીએ છીએ જે આપને સોનાના આભૂષણોની ખરીદીમાં ઠગાઇ જવાથી કે છેતરાવાથી બતાવશે...

હોલમાર્ક ચેક કરો
જ્વેલરી ખરીદતા પહેલા તેના પર હોલમાર્ક છે કે નહીં તે ખાસ ચેક કરો. હોલમાર્કવાળા આભૂષણો માપદંડોનું પાલન કરીને બનાવાયા છે તેની ખાતરી આપે છે. હોલમાર્કિંગમાં આભૂષણોની ગુણવત્તા, માર્કિંગનું વર્ષ, જ્વેલર્સનું માર્ક, બીઆઇએસ લોગો, હોલમાર્કિંગ સેન્ટર માર્ક અને કોડ લેટરનો સમાવેશ થાય છે.

જૂના ઘરેણા ઓગાળીને નવા બનાવવાનું મોંધુ પડી શકે
જો આપ પોતાની જૂની જ્વેલરી ઓગાળીને તેમાંથી નવા ઘરેણા બનાવવાનું વિચારતા હોવ તો બે ઘડી વિચારજો. જો આપની જૂની જ્વેલરી પર હોલમાર્ક નહીં હોય તો જ્વેલર 10 ગ્રામ સોનાને માત્ર 7 ગ્રામ ગણાવી દેશે, જેથી આપને ત્રણ ગ્રામનું વજન અને તેના પૈસાનું નુકસાન જશે. આ માટે કોઇ પણ કાર્યવાહી કરતા પહેલા ચોખ્ખી વાત કરવી જોઇએ.

સોનાનું કેરેટ ખાસ ચેક કરો
સોનુ એક ધાતુ તરીકે ખુબજ નરમ હોય છે. આ કારણે તેમાંથી આભૂષણો તૈયાર કરતા સમયે તેમાં ચાંદી અને ઝિંક જેવી ધાતુની મેળવણી કરવામાં આવે છે. આ કારણે આભૂષણોના કેરેટ આપને સોનાની શુદ્ધતાનો ખ્યાલ આપે છે. આ કારણે કેરેટ ચેક કર્યા વિના સોનાની ખરીદી કરવી નહીં. વર્તમાન સમયમાં 18k, 22k, 24k ઉપલબ્ધ છે. જેટલું કેરેટ વધારે તેટલી શુદ્ધતા વધારે. શુદ્ધ સોનું 24 કેરેટ કહેવાય છે, તેમાં 999 ફાઇનનેસ અને 99.9 ટકા શુદ્ધતા હોય છે.

હોલમાર્કિંગ
ઘરેણા પર બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ (BIS) હોલમાર્કિંગ કરે છે. ભારત સરકારે હોલમાર્કિંગ કરવા માટે તેને માન્ય રાખી છે. આ કારણે બીઆઇએસ હોલમાર્કિંગવાળા ઘરેણા ખરીદવાનો આગ્રહ રાખો.

સફેદ સોનાથી એલર્જી થઇ શકે
જો આપ વધુ પડતા ટ્રેન્ડી ઘરેણા ખરીદવા જતા હોવ તો પણ ચેતજો. માર્કેટમાં યલો ગોલ્ડની સાથે વ્હાઇટ ગોલ્ડના ઘરેણા પણ મળે છે. આ ઘરેણા એલર્જી કરી શકે છે. જો કે બધાને એલર્જી થાય તેવું પણ નથી. સફેદ સોનામાં નિકલ ધાતુ ઉમેરવામાં આવે છે. જેના કારણે તેનાથી એલર્જી થઇ શકે છે.

જ્વેલર્સની રિસિપ્ટમાં શું અનિવાર્ય હોવું જોઇએ?
આપ સોનાની ખરીદી કરો ત્યારે જ્વેલર્સ પાસેથી રિસિપ્ટ લેવાનો આગ્રહ રાખો. આ રિસિપ્ટમાં વિવિધ વિગતો જેમ કે સોનાના કેરેટ, ડાયમન્ડના કેરેટ, જેમસ્ટોનના કેરેટની વિગતો હોવી જોઇએ. ઇમર્જન્સીના સમયે જ્યારે આપ સોનુ વેચવા જશો ત્યારે અન્ય જ્વેલર્સ રિસિપ્ટ માંગશે.

અગાઉથી નક્કી કરી રાખો
આપ જ્વેલરી શોપમાં જાવ ત્યારે અગાઉતી નક્કી કરી રાખો કે આપે કેવા પ્રકારની જ્વેલરી ખરીદવી છે. જેના કારણે આપ બિનજરૂરી કે બિનજોઇતી વસ્તુ ખરીદતા અટકશો.

પસંદગી કરવામાં પૂરતો સમય આપો
સોનુ મોંઘુ હોય છે. જ્યારે પણ તેની ખરીદી કરો ત્યારે તેની પસંદગી કરવામાં પૂરતો સમય આપો. સેલ્સમેન તમારા પર કોઇ પ્રકારનું દબાણ કરતો નથી.