Donald Trump Tariff : ટ્રમ્પ સરકાર સેમિકન્ડક્ટર્સ અને દવાઓ પર લગાવી શકે છે ટેરિફ
Donald Trump Tariff : અમેરિકા અને ચીન વચ્ચે ટેરિફને લઈને ફરીથી તણાવનો માહોલ છે. સ્માર્ટફોન, કમ્પ્યુટર અને અન્ય ઈલેક્ટ્રોનિક સાધનો પર લાગનારા નવા ટેરિફને લઈને નવો વિવાદ ઊભો થયો છે.
અમેરિકાના વાણિજ્ય સચિવ હાવર્ડ લુટનિકે જણાવ્યું છે કે સરકાર આગામી સમયમાં આવી ટેક પ્રોડક્ટ પર વિશેષ ટેરિફ લાદવાની તૈયારીમાં છે.

લુટનિકે સ્પષ્ટ કર્યુ કે, આ નિર્ણયનો હેતુ માત્ર ચીનથી આયાત ઘટાડવાનો નથી પણ અમેરિકા માટે ટેકનોલોજીકલ આત્મનિર્ભરતા તરફ એક મોટો પગથિયું છે. અમે ઇચ્છીએ છીએ કે આવાં મહત્વના સાધનો જેમ કે ચિપ્સ, ફ્લેટ પેનલ્સ અને સેમિકન્ડક્ટર પ્રોડક્ટ્સ હવે અમેરિકા જ બનાવે.
ટ્રમ્પ સરકારે થોડા સમય પહેલા Apple જેવી મોટી ટેક કંપનીઓને આ પ્રકારના ટેરિફમાંથી થોડી રાહત આપી હતી. પરંતુ હવે સરકાર ફરીથી આ ઉત્પાદનોને સેમિકન્ડક્ટર ટેરિફની કેટેગરીમાં સામેલ કરવા જઈ રહી છે. આ નિર્ણયનું મુખ્ય ઉદ્દેશ અમેરિકામાં ઉત્પાદન વધારવા અને ચીન જેવી દેશો પરની નિર્ભરતા ઘટાડવાનો છે.
લુટનિકે વધુમાં કહ્યું કે, આવનારા એક-બે મહિનામાં દવાઓની આયાત પર પણ ટેરિફ લાગુ કરવામાં આવશે. વાસ્તવમાં ટ્રમ્પ પ્રશાસન એક એવું નીતિ માળખું તૈયાર કરી રહ્યું છે જેના દ્વારા અમેરિકામાં સેમિકન્ડક્ટર અને ફાર્માસ્યુટિકલ ઉદ્યોગને પુનઃજીવંત બનાવી શકાય.
લુટનિકે વધુમાં કહ્યું કે, આ નિર્ણય માત્ર એક અર્થતંત્ર પર આધારિત નથી પણ આ દેશની રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલો છે. આ પ્રકારની છૂટ કાયમી નથી અને કોઈપણ આંતરરાષ્ટ્રીય સંધિથી આ ફાયદા રૂંધાઈ શકે નહીં. આવા મહત્વના ઉત્પાદનો હવે અમેરિકામાં જ બનાવવામાં આવાં જોઈએ.
2 એપ્રિલે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વેપારના અસંતુલનને કારણે ઘણા દેશો પર ભારે ટેરિફ લાગુ કરવાની જાહેરાત કરી હતી. જો કે, 9 એપ્રિલે તેમણે ચીન સિવાયના મોટા ભાગના દેશો માટે આ ટેરિફને 90 દિવસ માટે સ્થગિત કરી દીધા હતા. ચીનથી આવતાં માલ પર હવે 145% જેટલો ઊંચો ટેરિફ લાગુ કરાયો છે, જ્યારે અન્ય દેશો માટે 10% નો બેઝલાઇન ટેક્સ છે.
આ નવા ટેરિફના પગલે વૈશ્વિક શેર બજારમાં ચિંતાજનક મંદી જોવાઈ રહી છે. છેલ્લા ચાર દિવસથી વૈશ્વિક બજારમાં સતત ઘટાડો જોવા મળ્યો છે. વેપારમાં આવેલી અસ્થિરતા અને અનિશ્ચિતતાને કારણે વૈશ્વિક મંદીનો ખતરો પણ સર્જાઈ રહ્યો છે.
અમેરિકાની નવી વેપાર નીતિ અને ટેરિફ આધારિત નિર્ણયો સાથે ટ્રમ્પ સરકાર ટેકનોલોજી અને દવા ઉદ્યોગમાં આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહી છે. ચીન પર આકરા પગલા લઈ તે દેશની નિર્ભરતા ઘટાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આનો પ્રભાવ વિશ્વવ્યાપી વેપાર અને અર્થતંત્ર પર પણ સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યો છે.












Click it and Unblock the Notifications
