પીએમ કિસાન યોજના હેઠળ 1 કરોડથી વધુ ખેડૂતોને પ્રથમ હપતો ટ્રાન્સફર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 24 મી ફેબ્રુઆરીએ ઉત્તરપ્રદેશના ગોરખપુરથી પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાની શરૂઆત કરી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 24 મી ફેબ્રુઆરીએ ઉત્તરપ્રદેશના ગોરખપુરથી પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાની શરૂઆત કરી હતી. આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દર વર્ષે નાના ખેડૂતોના બેંક ખાતામાં રૂ. 6,000 ટ્રાન્સફર કરશે. આ રકમ 3 હપતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. યોજનાનો પ્રથમ હપતો 31 માર્ચ, 2019 સુધીમાં તમામ પાત્ર ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થઇ જશે.

તમને જણાવી દઈએ કે 31 માર્ચ સુધી કેન્દ્ર સરકાર પાસે તમામ લાયક ખેડૂતોનો ડેટા પહોંચી જશે. ખેડૂતોનો ડેટા પ્રાપ્ત કર્યા પછી, બીજો હપતો પણ એપ્રિલના પહેલા સપ્તાહમાં જ ટ્રાન્સફર કરવાની યોજના સરકારે બનાવી છે. એકવાર સંપૂર્ણ ડેટા પ્રાપ્ત થઈ જાય પછી સરળતાથી તમામ ખેડૂતોના ખાતામાં આ રકમ તરત જ ટ્રાન્સફર કરવામાં આવશે. આ રીતે નાના ખેડૂતોને 4 હજાર રૂપિયાની મદદ મળશે.
ચોમાસાની પહેલાં આ 4 હજાર રૂપિયાની મદદ ઘણા નાના ખેડૂતોને સહાયરૂપ થશે. સામાન્ય રીતે ચોમાસા પહેલા ખેડૂતોને વધુ પૈસાની જરૂર પડે છે. તે આ સમયગાળા દરમિયાન ખાતર, બીજ અને પાક રોપવાની તૈયારી કરે છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ભૂમિ-અધિગ્રહણ થયું તો ખેડૂતો દરિયામાં ખેતી કરવા લાગ્યા
1 કરોડ કરતા વધુ ખેડૂતોને નાણાં ટ્રાન્સફર
પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ પ્રથમ દિવસે જ 1 કરોડથી વધુ ખેડૂતોને આ નાણાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. પશ્ચિમ બંગાળ અને કેટલાક કોંગ્રેસ શાસિત રાજ્યો કેન્દ્ર સરકારને નાના ખેડૂતોની માહિતી આપતા નથી. આના કારણે આ રાજ્યોના ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો લાભ મેળવવામાં મુશ્કેલી પડી શકે છે.
આ યોજનાના દાયરામાં, ભારતના કુલ 12 કરોડ ખેડૂતો આવશે. મોટા ભાગના ભાજપ શાસિત રાજ્યોએ તેમના ખેડૂતોની માહિતી મોકલી આપી છે. આ યોજના હેઠળ, કેન્દ્ર સરકાર પર વાર્ષિક રૂ. 75 હજાર કરોડનો ખર્ચ આવશે. આ સમગ્ર ખર્ચ કેન્દ્ર સરકાર દ્વારા ઉઠાવવામાં આવશે.
આ પણ વાંચો: ગુજરાતમાં દેવામાફી નથી, જાણો ખેડૂતો પર કેટલું છે દેવું?
2 હેકટર સુધી જમીન ધરાવતા ખેડૂતોને લાભ
આ યોજનાનો ફાયદોએ ખેડૂતોને થશે જે 2 હેકટર સુધી જમીન ધરાવે છે. તેની બજેટમાં જાહેરાત કરાઈ હતી. આ યોજના હેઠળ સરકારી કર્મચારીઓ અને આવકવેરા ચુકવનારા પાત્ર રહેશે નહીં. આના માટે સરકારે https://pmkisan.nic.in વેબસાઇટ પણ શરૂ કરી છે. સરકારી ઓળખપત્ર, આધાર કાર્ડ, બેંક ખાતું અને જમીનની માહિતી પીએમ કિસાન યોજના માટે આવશ્યક છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ માત્ર શરૂઆત છે. આ યોજના હેઠળ, દર વર્ષે આશરે 75 હજાર કરોડ રૂપિયા ખેડૂતોના ખાતાઓમાં સીધા પહોંચવાના છે. દેશના તે 12 કરોડ નાના ખેડૂતો, જેમની પાસે 5 એકર અથવા તેથી ઓછી જમીન છે, તેઓને આ યોજનાનો લાભ મળશે.
તેઓએ એમ પણ કહ્યું કે આજનો દિવસ ઇતિહાસમાં નોંધવામાં આવશે. લાલ બહાદુર શાસ્ત્રીજીએ જય જવાન, જય કિસાનનું સૂત્ર આપ્યું હતું. એ જ મંત્રને આટલા વર્ષ પછી ખેડૂતના ઘર સુધી, ખેડૂતના ખેતર સુધી, ખેડૂતના ખિસ્સા સુધી પહોંચાડવાનું કામ થઇ રહ્યું છે. સ્વતંત્રતા પછી, ખેડૂતો સાથે સંકળાયેલી આ સૌથી મોટી યોજના ઉત્તર પ્રદેશની પવિત્ર ભૂમિથી મારા દેશના લાખો ખેડૂતોના આશીર્વાદ સાથે શરૂ થઈ રહી છે.












Click it and Unblock the Notifications
