કાળા નાણા પરત આવતા ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં 30 અબજ ડોલર વધશે
મુંબઇ, 30 ઓક્ટોબર : સ્વાત્ઝરલેન્ડની બેંકોમાં જમા ભારતના લોકોના કાળા નાણા ભારત પરત આવશે ત્યારે ભારતના ફોરેક્સ રિઝર્વ એટલે કે વિદેશી મુદ્રા ભંડારમાં 30 અબજ ડોલરનો વધારો થવાનો અંદાજ છે. આ અંદાજ બેંક ઓફ અમેરિકા મેરિલ લિંચ(BOFA-ML)ના રિપોર્ટમાં આપવામાં આવ્યો છે. કાયદાકીય બાબતોને જોતા તેના પર તાત્કાલિક ફોરેક્સ રિઝર્વ પર કોઇ અસર નહીં પડે. પરંતુ ભવિષ્યમાં તેમાંથી 30થી 35 અબજ ડોલરનો વિદેશી મુદ્રા ભંડાર મળી શકે છે.
આ દરમિયાન ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં આ કાળુ ધન જેમના નામે છે તેવા 300 લોકોની વિરુદ્ધ કેસની કાર્યવાહી શરૂ કરી શકે છે. આ 300 લોકોના ખાતા જિનિવાની એચએસબીસી બેંકમાં કથિત બ્લેક મની એકાઉન્ટ્સની તપાસના સિલસિલામાં બુધવારે સુપ્રીમ કોર્ટને આપવામાં આવ્યા હતા.
અધિકારીઓએ જણાવ્યું કે ડિપોર્ટમેન્ટ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમને કહેવામાં આવ્યું છે કે તેઓ આ ઇન્કમ ટેક્સ એક્ટની બે કલમો અંતર્ગત તપાસ કરવાના પ્રથમ પગલાની છૂટ આપે. તેમણે કહ્યું કે તપાસ શરૂ કરવાની મંજુરી સેક્શન 277 (વેરિફિકેશન દરમિયાન ખોટું નિવેદન આપવા) અને 276 ડી (દસ્તાવેજો ઉપલબ્ધ નહીં કરાવવા) અંતર્ગત માંગવામાં આવી રહી છે. જેથી એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ અને સીબીઆઇ જેવી અન્ય તપાસ એજન્સીઓ સાથે માહિતીનું આદાન પ્રદાન થઇ શકે.
બીજી તરફ BOFA-ML દ્વારા એક રિસર્ચ સ્ટડીના આધારે દેશમાંથી અંદાજે 200 અબજ વિદેશી ડોલર બેંકમાં જમા થયા હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. BOFA-MLના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આનાથી અડધા નાણા પણ જમા થયા હશે તો પણ ભારતને 30થી 35 અબજ ડોલરનું વિદેશી હુંડિયામણ મળી શકે છે.