ટાટા સન્સના નવી એરલાઇન માટે સિંગાપોર એરલાઇન સાથે કરાર
મુંબઇ, 20 સપ્ટેમ્બર : ભારતમાં નવી એરલાઇન્સ શરૂ કરવા માટે ટાટા સન્સે સિંગાપોર એરલાઇન્સ સાથે હાથ મિલાવ્યો છે. આ અંગે ટાટા સન્સ તરફથી આપવામાં આવેલા નિવેદન અનુસાર નવી કંપની ફુલ સર્વિસ મોડેલ અંતર્ગત નવી દિલ્હીથી પોતાની સેવાઓનું સંચાલન કરશે. નવી કંપનીમાં ટાટા સન્સની હિસ્સેદારી 51 ટકા અને સિંગાપોર એરલાઇન્સની ભાગીદારી 49 ટકા હશે.
પ્રાપ્ત માહિતી અનુસાર નવી કંપનીના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સમાં ટાટા સન્સના બે અને સિંગાપોર એરલાઇન્સના એક નામિત સભ્ય હશે. ભારતમાં સસ્તી હવાઇ સેવા શરૂ કરવા માટે આ પહેલા પણ ટાટા સન્સ એર એશિયા સાથે ભાગીદારી કરી ચૂક્યું છે.

આ અંગે કંપનીના જણાવ્યા અનુસાર નવી એરલાઇન્સ શરૂ કરવાની પરવાનગી મેળવવા માટે ટાટા સન્સે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડમાં અરજી કરી દીધી છે. નવી કંપનીના ચેરમેન ટાટા સન્સના નામિત સભ્ય પ્રસાદ મેનન હશે.
આ અંગે સિંગાપોર એરલાઇન્સના સીઇઓ ગો ચૂન ફોંગે જણાવ્યું કે "હંમેશાથી અમારું માનવું રહ્યું છે કે ભારતમાં ઉડ્ડયન ક્ષેત્રના વિકાસની અપાર સંભાવનાઓ રહેલી છે. ટાટા સન્સ સાથે ભાગીદારી અંગે અમે હંમેશાથી ઉત્સાહિત છીએ. વર્તમાન સમય મુસાફરોને નવો વિકલ્પ આપવા માટે શ્રેષ્ઠ છે."
કંપનીએ જણાવ્યું કે નવી એરલાઇન્સની મેનેજમેન્ટ ટીમ, બ્રાન્ડિંગ અને ઉત્પાદન તથા સેવા અંગેની વિસ્તૃત જાણકારીઓ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
