દેશના 12થી વધુ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, દિલ્હી-યુપી સહિત અનેક વિસ્તારોમાં મેઘરાજાની તોફાની બેટિંગની આગાહ
દેશના અનેક રાજ્યોમાં ચોમાસું ફરી એકવાર સક્રિય બન્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ 12 જુલાઈ માટે દિલ્હી, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર, પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ સહિત 12થી વધુ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી સાથે એલર્ટ જાહેર કર્યું છે. અનેક વિસ્તારોમાં ગાજવીજ, વીજળી પડવાની અને તેજ પવન ફૂંકાવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ દિલ્હી-એનસીઆરમાં આજે વાદળછાયું વાતાવરણ રહેશે અને હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. ઉત્તર પ્રદેશ, બિહાર, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન અને અચાનક પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે હોવાથી સ્થાનિકોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.

પૂર્વ અને મધ્ય ભારતના રાજ્યો જેમ કે ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને વિદર્ભમાં પણ આગામી દિવસોમાં સારો વરસાદ નોંધાઈ શકે છે. જ્યારે ઉત્તર-પૂર્વના આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારે વરસાદનો દોર યથાવત રહેવાની શક્યતા છે.
પશ્ચિમ ભારતના ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ, કોંકણ અને ગોવામાં પણ છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા ઓછી છે અને મુખ્યત્વે દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.
IMDએ લોકોને ખરાબ હવામાન દરમિયાન બિનજરૂરી મુસાફરી ટાળવા, વીજળીના કડાકા સમયે ખુલ્લા મેદાનોમાં ન રહેવા તેમજ સ્થાનિક પ્રશાસનની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે.












Click it and Unblock the Notifications
