ધમાકેદાર રિટર્ન મેળવવા આ 7 બાબતો ધ્યાનમાં રાખો
ભારતમાં સર્વાધિક લોકપ્રિય સ્ટોક્સને મલ્ટીબેગર સ્ટોક્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મલ્ટીબેગર સ્ટોક્સ એવા સ્ટોક્સ છે જે થોડાક જ મહિનાઓ કે વર્ષમાં ઊચું વળતર આપે છે. આ સ્ટોક્સ માપદંડો કરતા પણ આગળ વધીને સૌથી વધારે રિટર્ન્સ આપે છે. આવા સ્ટોક્સ 100, 200થી 500 ટકા સુધીનું રિટર્ન પણ આપે છે. આવા મલ્ટીબેગર સ્ટોક્સ ખરીદતા પહેલા શું ધ્યાન રાખવું જોઇએ તેની વાત અમે કરી રહ્યા છીએ...

ઇક્વિટી બેઝ ઓછો હોય તેવા સ્ટોક્સ પસંદ કરો
કોઇ પણ કંપનીના સ્ટોક્સમાં ઇક્વિટી બેઝ જેટલો ઓછો હશે, તેમાં તેજી તેટલી જ વધારે જોવા મળશે. આમ થવાને કારણે નફામાં થોડો વધારો થતાં જ તેનો ઇપીએસ વધે છે. કારણ કે ઇક્વિટી બેઝ ઓછો હોવાથી તરત જ સ્ટોક્સમાં તેજી જોવા મળે છે.

પ્રમોટર્સનું હોલ્ડિંગ વધારે હોય તેવા સ્ટોક્સ પસંદ કરો
જ્યારે પણ સ્ટોકમાં પ્રમોટર્સનું હોલ્ડિંગ વધારે હોય છે અને ઇક્વિટી બેઝ ઓછો હોય છે, ત્યારે સ્ટોકમાં ફ્રી ફ્લોટ ઘટે છે. આ કારણે સ્ટોક્સમાં થોડી પણ માંગ વધતા, તે ઊંચો જાય છે કારણ કે તેનો ફ્રી ફ્લો ઓછો છે.

ભાવિ પ્રોજેક્ટ્સ ધરાવતી હોય તેવી કંપની પસંદ કરો
જે કંપનીઓ ભવિષ્યમાં વિસ્તરણ, નવા પ્રોજેક્ટ્સ શરૂ કરવા માંગતી હોય તેવી કંપનીઓની પસંદગી કરો. આમ કરવાથી કંપની પ્રોજેક્ટ્સમાં જેમ જેમ આગળ વધશે તેમ તેમ તેના શેર્સમાં તેજી જોવા મળશે. આમ થવાથી ટૂંકા ગાળામાં લાભ વધશે.

કંપનીનું મેનેજમેન્ટ ચકાસો
જ્યારે પણ આપ સ્ટોક્સની પસંદગી કરો, ત્યારે કંપનીના મેનેજમેન્ટને અવશ્ય ધ્યાનમાં રાખો. સારું મેનેજમેન્ટ કંપનીને આગળ લઇ જવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. કંપની આગળ વધશે તો આપને અવશ્ય સારો લાભ થશે.

તેજીનો સ્વાદ ચાખી ચૂકેલા શેર્સમાં રોકાણ ના કરો
હંમેશા એવા શેર્સની પસંદગી કરો જેમાં આગામી ટૂંક સમયમાં તેજી આવવાની શક્યતા છે. કારણ કે તેજીનો સ્વાદ ચાખી ચૂકેલા શેર્સમાં તેજીની શક્યતા ઓછી રહે છે. જેના કારણે વધારે સારું વળતર મળતું નથી.

સ્ટોક્સનો અભ્યાસ જરૂરી છે
જ્યારે પણ આપ સ્ટોક્સ ખરીદવાના હોવ ત્યારે સ્ટોક્સનો અભ્યાસ અને તુલના ચોક્કસ કરો. જો આપને આ બાબતમાં જરૂર પડે તો નિષ્ણાતોની સલાહ લેતા પણ ખચકાવું જોઇએ નહીં.

લાભદાયી સેક્ટર્સ શોધો
ભારતમાં સમયાંતરે સેક્ટર્સમાં તેજીનું વલણ બદલાતું રહે છે. આ કારણે એવા સેક્ટરની પસંદગી કરો જેમાં આગામી સમયમાં સારો લાભ મળવાની શક્યતા રહેલી હોય. આમ કરવાથી આપનું વળતર વધી જશે.












Click it and Unblock the Notifications
