For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અહો આશ્ચર્યમ્ : એક એવી ‘દુનિયા’, જ્યાં કોઈ મરતું નથી!

By કન્હૈયા કોષ્ટી
|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 30 ઑગસ્ટ : મનથી અનુભવાતી અને આંખોથી દેખાતી આ વિશાળ દુનિયામાં દરેક ક્ષણે કરોડો જીવો જન્મે છે અને મૃત્યુ પામે છે. જન્મનારને ખબર નથી હોતી કે તે ક્યાં આવ્યો છે અને શું કરવાનો છે, તો મૃત્યુ તરફ દોરાતો દરેક જીવ મૃત્યુ સામે ફફડાટ અનુભવે છે. જન્મ લીધા પછી અને મૃત્યુ વિશે જાણ્યા બાદ દરેક જીવ એક જ આકાંક્ષા ધરાવતો હોય છે કે જેમ બને તેમ તેનું મૃત્યુ પાછુ ઠેલાતું જાય અને તે માટે તે પ્રયત્નો પણ કરતો જ રહે છે. તે પછી અમીર હોય કે ગરીબ, બંને પોત-પોતાની સમર્થતા મુજબ મૃત્યુને પાછી ઠેલવાના પ્રયત્નો કરે છે. જોકે સર્વસ્થાપિત સત્ય એ છે કે મૃત્યુ ટળતું નથી,

પરંતુ... પરંતુ... પરંતુ... શું આ દુનિયાની અંદર જ કોઇક એવી ‘દુનિયા' છે કે જ્યાં કોઈ મરતું ન હોય? આપને લાગશે કે આ શું કહેવાઈ રહ્યું છે. દુનિયા એક જ છે અને તે ગોળ છે તથા તેમાં નિરંતર તમામ જીવો એટલે કે પ્રાણ લેનાર તમામ પ્રાણીઓ પળે-પળે મૃત્યુ તરફ આગળ વધી રહ્યાં છે. દરેક જીવ, તે પછી જાણતું હોય કે ન જાણતું હોય, પરંતુ તેનું મોત નિશ્ચિત છે, તેવું આપણે સૌ જાણીએ છીએ. અરે જીવ તો શું, સૃષ્ટિમાં મોજૂદ પ્રત્યેક જડ વસ્તુ પણ એક ન એક દિવસ રહેવાની નથી. તો એવામાં એવી તો કઈ દુનિયા છે કે જ્યાં કોઈ મરતું નથી?

ધૈર્ય... ધૈર્ય... ધૈર્ય... અહીં આપને એવી દુનિયા જરૂર બતાવવામાં આવશે, પરંતુ આવા અમરલોક વિશે જાણતા પહેલાં આપણે કેટલાંક પ્રશ્નોના જવાબો શોધી કાઢવા પડશે અને વિશ્વાસ સાથે કહુ છું કે આ પ્રશ્નોના જવાબો મેળવતાં-મેળવતાં આપણે આ અમરલોક સુધી જરૂર પહોંચી જઇશું.

સૌથી પહેલો પ્રશ્ન એ જ ઊભો થાય છે કે જેને આવા અમરલોકની શોધ હોય, તેને સૌપ્રથમ તો એ જાણવું જોઇએ કે આ દુનિયામાં મરે છે કોણ? એક સામાન્ય માણસનો જવાબ સીધું જ હશે કે દરેક માણસ મરે છે, દરેક જીવ મરે છે, દરેક પ્રાણી મરે છે, પરંતુ આવા જવાબોને સાચા જવાબ કઈ રીતે કહી શકાય? આ જવાબ સાચા નથી જ. તેને આપણે એક દાખલા દ્વારા સાબિત પણ કરી શકીએ છીએ.

માની લો કે આપને જાણવા મળે કે આપના એક મિત્ર જીવણભાઈ મૃત્યુ પામ્યાં છે. આ સમાચાર સાંભળતાં જ આપની નજર સમક્ષ જીવણભાઈ સમ્પૂર્ણપણે સાકાર થઈ આવે છે. આપ જીવણભાઈને જ્યારથી જાણતાં હોવ, ત્યારથી લઈને અત્યાર સુધીના તેમની સાથેના તમામ પ્રસંગો આપની આંખો સમક્ષ ફરી વળે છે. આપ જીવણભાઈને ઘેર પહોંચ્યાં અને જોયું કે જે જીવણભાઈ તમારી નજરો સમક્ષ સાકાર થયાં છે, તે આબેહૂબ ધરતી ઉપર પડેલાં છે. આમ છતાં મન માનવામાં તૈયાર નથી હોતું કે જીવણભાઈ જીવે છે. જે જીવણભાઈનો સાકાર સ્વરૂપ આપ આખી જિંદગી જોતા આવ્યાં અને તેની સાથે વ્યવહાર કરતાં આવ્યાં, તે તો હજીય પડ્યું છે. આમ છતાં મન કેમ નથી માનતું કે જીવણભાઈ જીવે છે.

આખરે એવું તો શું જતુ રહ્યું કે હવે જીવણભાઈનું આખું શરીર સાબૂત હોવા છતાં આપણે જીવણભાઈને ‘છે' માનવા તૈયાર નથી? તો તો એનો મતલબ એ થયો કે જે જીવણભાઈને આપણે શરીર રૂપે આખી જિંદગી જોતા આવ્યાં, તે સાચા જીવણભાઈ હતાં જ નહીં! અને જો જીવણભાઈનું શરીર જીવણભાઈ નહોતું, તો પછી જીવણભાઈ કોણ હતું? આ પ્રશ્નનો જવાબ એક રીતે જોઇએ, તો બિલ્કુલ સીધુ-સાદુ ને સરળ છે. હકીકતમાં જીવણભાઈ કોઈ શરીરને નહોતું કહેવાતું. તે શરીરમાં રહેલા ચેતનને કહેવાતુ હતું.

આવો તસવીરો સાથે જાણીએ કે આખરે મરે છે કોણ?

શરીર નથી મરતું

શરીર નથી મરતું

અધ્યાત્મની ઉંચાઇએથી જોઇએ, તો એમ કહે છે કે સમગ્ર સૃષ્ટિમાં ઉત્પન્ન થવા કે નષ્ટ થવા જેવું કંઈ નથી. સામાન્ય બોલચાલમાં આપણે લોકોને સાંત્વના આપતાં હોઇએ છીએ કે શરીર મરે છે, આત્મા નહીં, પરંતુ અધ્યાત્મની ઉંચી કક્ષાએથી વિચારતાં આપણને સમજાશે કે શરીર પણ મરતું નથી. શરીર પાંચ ભૂતનું બનેલું હોય છે અને તે પોતાના નિર્માણ સાથે જ વિનાશ તરફ અગ્રેસર થવા લાગે છે. આમ શરીર જે પાંચ ભૂતોમાંથી બન્યુ હતું, તેમાં જ જઈને ભળી જાય છે. તે મરતું નથી.

આત્મા મરતો નથી

આત્મા મરતો નથી

હવે જો શરીર નથી મરતું, તો પછી મરે છે કોણ? શું તે આત્માનું મોત થાય છે કે જેના ચેતને શરીર સંચાલિત થાય છે? વેદાંતના સિદ્ધાંત અને ગીતામાં જગદ્ગુરુ શ્રી કૃષ્ણ પરમાત્ના જણાવ્યા મુજબ આત્મા ક્યારેય મરતો નથી. આત્મા કંઈ કરતો નથી કે કરાવતો નથી. તે માત્ર સાક્ષી છે. જેમ સૂર્ય માત્ર પ્રકાશ આપે છે. તેને એ વાતથી કોઈ નિસ્બત નથી કે તેના પ્રકાશ તળે કોણ પાપ કરે છે ને કોણ પુણ્ય, પરંતુ તેના પ્રકાશ વગર પાપ કે પુણ્ય સંભવ નથી. તેવી જ રીતે આત્મા કંઈ કરતો કે કરાવતો નથી, પરંતુ તેની હાજરી વગર કશુંય સંભવતું નથી. આમ આત્મા પણ મરતો નથી.

તો મન શું છે?

તો મન શું છે?

હવે બે બાબતો તો સ્પષ્ટ થઈ ગઈ કે શરીર મરતું નથી કે આત્મા પણ મરતો નથી. સવાલ હજીય ઊભો જ છે કે તો પછી મરે છે કોણ? હવે વધુ એક પરિબળ વિશે જાણીએ. આ મહત્વનું પરિબળ છે મન. આત્મા સાક્ષી છે અને શરીર માધ્યમ, પરંતુ આ માધ્યમને ક્રિયાશીલ કરે છે મન. આધુનિક શિક્ષણ પદ્ધતિમાં મન શબ્દનો ઉલ્લેખ જવલ્લે જ જોવા મળે છે, પરંતુ આપણા શાસ્ત્રો મન શબ્દ વડે ભરેલા પડ્યાં છે. આ મન જ છે કે જે આપણને કર્મ કરવા પ્રેરિત કરે છે. આપણી અંદર ઇચ્છાઓ અને વાસનાઓ ઊભી કરે છે.

મન જ તો જગત છે

મન જ તો જગત છે

શરીરની તમામ ઇન્દ્રિયોને તેના વિષયોમાં રસ ત્યારે જ હોય છે કે જ્યારે તેની સાથે મન સંલગ્ન હોય. દાખલા તરીકે આપણે કોઈના લગ્ન સમારંભમમાં મજાની વાનગીઓ આરોગતાં હોય. તે વાનગીઓમાં આપણને ખૂબ જ સ્વાદ આવતો હોય, પરંતુ અચાનક ફોન આવે કે આપનો કોઈ ખૂબ જ નજીકનો સંબંધી મૃત્યુ પામ્યો છે. આ સમાચાર મળતાં જ આપના ભોજનમાંથી સ્વાદ ઉડી જશે અને આપ ખાવાનું આટોપી લેશો. આમ જોઇએ તો આપણું જગત આપણું મન જ છે. જ્યાં મન હોય, ત્યાં જ જગત હોય છે.

મન પણ મરતું નથી

મન પણ મરતું નથી

હવે આપણે આવીએ મૂળ મુદ્દા ઉપર. આ મન જ છે કે જે આપણા શરીર અને આત્માને જુદા પાડે છે. તે ઇચ્છાઓ કરતું રહે છે અને આપણને લાગે છે કે આપણો આત્મા તૃપ્ત થઈ રહ્યો છે. મનની ઇચ્છાઓનો ક્યારેય અંત થતો નથી અને એક દિવસ આ શરીર જીર્ણ થઈ પંચમહાભૂતમાં વિલીન થઈ જાય છે, પરંતુ મન તો હજીય સાબૂત હોય છે. તેની અધૂરી ઇચ્છાઓ પૂર્ણ કરવા માટે તે સૂક્ષ્મ સ્વરૂપ ધારણ કરે છે. તેને સૂક્ષ્મ મન કહે છે અને જેમ શરીર સાથ છોડે કે તરત જ તે મન પોતાની અધૂરી ઇચ્છાઓ પૂર્ણ કરવા માટેની અનુરૂપ યોનિ શોધી લે છે. આમ જોઇએ તો મન પણ મરતું નથી.

મરે છે અહંકાર

મરે છે અહંકાર

તો પછી મરે છે કોણ? સવાલ હજીય ત્યાંનો ત્યાં જ ઊભો છે. તો ચાલો હવે આપને જણાવી જ દઇએ કે મરે છે કોણ. મરે છે આપણો અહંકાર. અહંકારની વ્યાખ્યાને લઈને સામાન્ય જગતમાં બહુ ભ્રાંતિઓ છે. લોકોને એમ લાગે છે કે અમને દોલતનો અહંકાર નથી, અમને હોદ્દાનો અહંકાર નથી, અમને જાતિ કે કુળનો અહંકાર નથી એટલે અમે નિરંકારી-અહંકારરહિત થઈ ગયાં. અહંકારની સાચી વ્યાખ્યા જાણવી હોય તો અહંકારનો શાબ્દિક અર્થ કરવો જ રહ્યો. અહંકાર એટલે અહમ્+કાર એટલે હું છું. એક દેહધારી પ્રાણી તરીકે સૌને એ બાબતનો અહંકાર છે જ કે હું અમુક વ્યક્તિ, અમુક નામધારી, અમુક કુળધારી, અમુક હોદ્દાધારી કે અમુક ઉપાધિધારી વ્યક્તિ છું. બસ જ્યારે પણ મૃત્યુ થાય છે ત્યારે આ અહમ્+કારનું જ મૃત્યુ થાય છે.

તે મારે, તે પહેલા આપણે મારીએ

તે મારે, તે પહેલા આપણે મારીએ

આવા મૃત્યુમાંથી ઉગરી જવા માટેનો એક જ માર્ગ છે અને તે છે આત્મજ્ઞાન. જે વ્યક્તિ આ વાત જાણી જાય છે કે તે શરીર નથી, તે શુદ્ધ આત્મા છે અને માત્ર સાક્ષી છે, તે દેહાભિમાનમાંથી મુક્ત થઈ જાય છે અને જે દેહાભિમાનમાંથી મુક્ત થઈ જાય, તે ચોક્કસ આ જ ભવમાં અને આ જ દુનિયામાં પોતાનો અમરલોક સ્થાપિત કરી શકે છે, કારણ કે તે જાણી ગયો છે કે તેનું શરીર મરતું નથી, આત્મા મરતો નથી અને મન પણ મરતો નથી. માત્ર અહંકાર જ મરે છે. જો આપણે શરીર રૂપી મૃત્યુના ભયમાંથી ઉગરવા માંગતા હોઇએ, તો આ અહંકાર એટલે કે દેહાભિમાનનો આપણે આત્મ-જ્ઞાન દ્વારા વધ કરીએ અને તે આપણને મારે, તે પહેલા આપણે તેને મારી દઇએ.

આત્મજ્ઞાનને શસ્ત્ર બનાવીએ

આત્મજ્ઞાનને શસ્ત્ર બનાવીએ

હવે રહી આત્મજ્ઞાનની વાત. આત્મજ્ઞાન વિશે ઘણું બધું કહેવાયું છે. વેદોના અંતે એટલે કે વેદાંતમાં આ વિશે ઘણું બધું કહેલું છે, તો તેને સરળતાપૂર્વક સમજાવવા માટે ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં જગદ્ગુરુ સ્વરૂપે અવતર્યાં અને ગીતા તરીકે આપણને રસ્તો બતાવ્યો જ છે. બસ જરૂર છે એક સાચા ગુરુની એટલે કે સદ્ગુરુની. તો પહોંચી જાવ સાચા ગુરુના શરણે અને પામી લો અમરલોક. (ગુરુ અર્પણ)

English summary
Today we will show you a world, where no one die. Its realy miracle. Are you ready to enter this miracle world?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X