કેવી રીતે બદલાય છે કોઈ પણ રાજ્યનું નામ? જાણો શું હોય છે પ્રક્રિયા?
નામ બદલવા માટે જાણીતી બીજેપી કોઈપણ સમયે શહેરોના નામ બદલી દે છે. હવે તો એવી અટકળો શરૂ થઈ છે કે કાશ્મીરનું નામ પણ બદલાઈ શકે છે.
આ અટકળો અમિત શાહના નિવેદન બાદ શરૂ થઈ છે. એક બુક વિમોચન દરમિયાન અમિત શાહે કહ્યું હતું કે કાશ્મીરનું નામ મહર્ષિ કશ્યપના નામ પરથી પડ્યુ છે. આ નિવેદન બાદ જ નામને લઈને ચર્ચા શરૂ થઈ છે.

અહીં તમને સવાલ થાય કે આખરે કોઈ રાજ્યના નામ પણ શહેરોના નામની જેમ જ બદલાઈ શકે છે કે પછી અલગ પ્રક્રિયા હોય છે? આજે અમે તમને આ તમામ સવાલોના જવાબ આપવાના છીએ.
જણાવી દઈએ કે, ભારતીય બંધારણ મુજબ દેશની સંસદને કોઈપણ રાજ્યનું નામ બદલવાનો અધિકાર છે. ભારતના બંધારણની કલમ 3 સંસદને કોઈપણ રાજ્યનું નામ બદલવાની સત્તા આપે છે. બંધારણની કલમ 3 રાજ્યના વિસ્તાર, સીમાઓ અથવા નામ બદલવાની પ્રક્રિયા નક્કી કરે છે.
કેન્દ્ર સરકારને રાજ્યનું નામ બદલવું હોય તો તેણે બંધારણના નિયમોનું પાલન કરવું પડે છે. કોઈપણ રાજ્યનું નામ બદલવાની પ્રક્રિયા વિધાનસભા અથવા સંસદથી શરૂ થાય છે. જો રાજ્ય સરકાર તેના રાજ્યનું નામ બદલવા માંગે તો સરકારે વિધાનસભામાં ઠરાવ પસાર કરવો પડે છે.
આ પછી આ પ્રસ્તાવ કેન્દ્ર સરકારને મોકલવામાં આવે છે. આ પછી કેન્દ્ર સરકાર નક્કી કરે છે કે રાજ્યનું નામ બદલાશે કે નહીં. જો કેન્દ્ર સરકાર મંજૂરી આપે તો કેન્દ્રની સૂચના પર ગૃહ મંત્રાલય, ઈન્ટેલિજન્સ બ્યુરો, સર્વે ઓફ ઈન્ડિયા, પોસ્ટલ વિભાગ અને રજિસ્ટ્રાર જનરલ સહિત અનેક એજન્સીઓ પાસેથી NOC મેળવવું ફરજિયાત છે.
જો કેન્દ્ર સરકાર કોઈપણ રાજ્યના પ્રસ્તાવને મંજૂરી આપે તો પછી પ્રક્રિયા આગળ વધે છે. રાજ્યનું નામ બદલવા માટે સરકારે બંને ગૃહોમાં બિલ પાસ કરવું પડે છે. સંસદમાં બિલ પાસ થયા બાદ જ તેને અંતિમ મંજૂરી માટે રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવે છે.
રાષ્ટ્રપતિની સંમતિ મળ્યા બાદ રાજ્યનું નામ બદલવાની સૂચના જારી કરવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયામાં ઘણા મહિનાઓ કે વર્ષોનો સમય વિતી જાય છે.
જણાવી દઈએ કે, કોઈપણ રાજ્ય અથવા જિલ્લાનું નામ બદલવા તેની પાછળનું નક્કર કારણ જણાવવું પડે છે. નામ બદલવાની પ્રક્રિયામાં છેલ્લો મોટો ફેરફાર 1953માં કરવામાં આવ્યો હતો.
તે સમયે ગૃહ મંત્રાલયના તત્કાલિન નાયબ સચિવ સરદાર ફતેહ સિંહે રાજ્ય સરકારોને પત્ર મોકલ્યો હતો. નિયમો અનુસાર રાજ્યના નામ બદલવાનો પ્રસ્તાવ રાજ્ય વિધાનસભામાં જ ઉઠાવી શકાય છે.












Click it and Unblock the Notifications
