મહિલાઓની મૂંઝવણ સમજી તેનો ઉપાય શોધનાર સાચો હિરો

Written By:
Subscribe to Oneindia News

ભારતમાં હજુ પણ મહિલાઓનો માસિક ધર્મ એક એવો વિષય છે, જે અંગે વાત કરતાં લોકો ખચકાય છે. પરંતુ ઉત્તર પ્રદેશના મહેશ ખંડેલવાલ એક એવા વ્યક્તિ છે, જેમણે આ અંગેનો છોછ છોડી મહિલાઓની મૂંઝવણ સમજી અને તેને દૂર કરવાનો પ્રયત્ન પણ કર્યો. તેમણે જાતે મહિલાઓ માટેના સેનિટ્રી પેડ્સ બનાવ્યા, જે સસ્તા તો છે જ, સાથે ઇકો-ફ્રેન્ડલી પણ છે.

unsung hero mahesh khandelwal

મહિલા IAS એ જણાવી હતી મુશ્કેલી

મહેશ ખંડેલવાલ મૂળ વૈજ્ઞાનિક છે અને હાલ એન્ત્રાપ્રિન્યોર પણ છે. મથુરાના આઇએએસ અધિકારી ચંદ્રલેખાએ એક વખત મહેશને ગામડાઓમાં રહેતી મહિલાઓ અને ગરીબ મહિલાઓને વેઠવી પડતી મુસીબતો અંગે જણાવ્યું હતું, ખાસ કરીને માસિકના દિવસો દરમિયાન તેમણે કેવી-કેવી મુસીબતો વેઠવી પડે છે એ અંગે માહિતી આપી હતી. મહેશ ખંડેલવાલે ત્યારે જ આ સમસ્યાનો ઉકેલ શોધવાનું નક્કી કરી લીધું હતું.

WE સેનિટ્રી પેડ્સ

તેમણે આ વિષય અંગેનો છોછ છોડી, મહિલાઓ અને ખાસ કરીને ગરીબ મહિલાઓની દુવિધાને ધ્યાનમાં રાખીને સેનિટ્રી પેડ્સ બનાવવાનું બીડું ઉપાડ્યું હતું. તેમણે WE(વી) સેનિટ્રી નેપ્કિન્સ બનાવ્યા, જેની કિંમત બજારમાં મળતા સેનિટ્રી નેપ્કિનની સરખામણી ઘણી ઓછી છે.

સસ્તા, હાનિરહિત અને ઇકો-ફ્રેન્ડલી

અત્યારે બજારમાં જે સેનિટ્રી નેપ્કિન્સ ઉપલબ્ધ છે, તેમાં પોલિમર ખૂબ વધુ માત્રામાં(1.5 ગ્રામથી 2 ગ્રામ) હોય છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઇ શકે છે. જ્યારે WE નેપ્કિનમાં માત્ર 0.7 ગ્રામ જ પોલિમર વપરાય છે. આ સેનિટ્રી નેપ્કિન્સ લાઇટ વેટ છે. અન્ય નેપ્કિન્સ 6 કલાક સુધી વાપરી શકાય છે, જ્યારે આ નેપ્કિન્સ 12 કલાક ચાલે છે અને 6 પેડ્સના પેકેટની કિંમત છે માત્ર રૂ.10. આ ઇકો-ફ્રેન્ડલી પેડ્સ ગામડાની મહિલાઓ દ્વારા તૈયાર કરવામાં આવે છે.

બનાવ્યું ખાસ મશીન

તેમણે ખાસ એક સેનિટ્રી નેપ્કિન મેકિંગ મશીન બનાવ્યું છે, જેનાથી ઓછી કિંમતે અને સારી ગુણવત્તાવાળા પેડ્સ બનાવી શકાય. આ મશીનની કિંમત છે માત્ર રૂ.1 લાખ. આ મશીન દ્વારા 10 મહિલાઓ એક દિવસમાં સેનિટ્રી નેપ્કિનના 2000 પેકેટ્સ બનાવી શકે છે. આ ટેક્નોલોજીના બે ફાયદા છે, એક તો મહિલાઓને સસ્તી કિંમતે સેનિટ્રી પેડ્સ મળી રહે છે અને ગરીબ મહિલાઓને રોજગાર મળે છે. આ કામ દ્વારા દરેક મહિલા ખૂબ સરળતાથી મહિને 5થી 6 હજારની કમાણી કરી શકે છે. મહેશ ખંડેલવાલ અને તેમની કંપની મહિલાઓને કામ આપતા પહેલાં તેમને WE ટેક્નોલોજી ટ્રેનિંગ સેન્ટરમાં ટ્રેનિંગ આપે છે. આ ટ્રેનિંગ સેન્ટરના યુનિટ વૃંદાવન, વાત્સલ્ય ગ્રામ - મથુરા અને વડોદરામાં આવેલા છે.

સાચા નાયક

મહેશ ખંડેલવાલ દ્વારા ચાલુ કરવામાં આવેલ આ એક ઝૂંબેશ છે. આ વિષય પર અભ્યાસ કરતાં પહેલાં તેમને મહિલાના શરીર અંગે કે માસિક ધર્મ અંગે પ્રાથમિક માહિતી સિવાય કોઇ જાણકારી નહોતી. માસિક ધર્મના વિષય પ્રત્યેનો અણગમો અને છોછ છોડી, મહિલાઓની મૂંઝવણ સમજનાર અને તેનો યોગ્ય ઉકેલ શોધનાર મહેશ ખંડેલવાલ આજના જમાનાના ભારતના સાચા નાયક છે.

English summary
Meet Mahesh Khandelwal, a scientist who broke a strict taboo in India and designed affordable sanitary napkins.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.