For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તાજમહેલઃ શાહજહાં અને મુમતાજ મહલનાં લગ્ન અને એ પાંચ વર્ષ

તાજમહેલઃ શાહજહાં અને મુમતાજ મહલનાં લગ્ન અને એ પાંચ વર્ષ

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News

નવરોજનો ઉત્સવ હતો. નવા વર્ષની ખુશીમાં મીનાબજારને સજાવવામાં આવ્યું હતું.

મહેલની મહિલાઓ દુકાનો સજાવીને આભૂષણ, મસાલા અને બીજી વસ્તુઓ વેચી રહી હતી જેથી એનાથી થનારી આવકમાંથી ગરીબોને મદદ કરી શકાય.

શાહજહાં અને મુમતાજ

જોકે મહિલાઓ બેનકાબ હતી તેથી માત્ર શહેનશાહ જહાંગીર કે શાહજાદા જ ત્યાં આવી શકતા હતા. શાહજાદા ખુર્રમ પણ ત્યાં આવ્યા.

એક દુકાને તેમણે એક કન્યાને કીમતી પથ્થર અને રેશમ વેચતું જોયું. નાજુક અને કોમળ હાથ વડે તે ખૂબ જ સુંદર કપડાંની ગડી વાળી રહી હતી.

એક પળ માટે બંનેની આંખો મળી. ખુર્રમનું દિલ જોરથી ધડક્યું. અવાજ સાંભળવા માટે પૂછ્યું, આ પથ્થર કેવો છે? પથ્થર ઉપાડતાં કન્યાએ કોમળ અવાજમાં કહ્યું કે, "જનાબ, આ કીમતી હીરો છે, શું આપને એની ચમકથી અંદાજ ના આવ્યો? એની કિંમત 10 હજાર રૂપિયા છે."

જ્યારે ખુર્રમ કિંમત ચૂકવવા તૈયાર થયા ત્યારે કન્યા દંગ થઈ ગઈ. તેમણે કહ્યું, "હવે જ્યારે એના પર તમારો હાથ અડ્યો છે, ત્યારે આ કિંમત તો કંઈ નથી."

કન્યાએ શરમાઈને પોતાની આંખો ઝુકાવી લીધી. ખુર્રમે કહ્યું, "બીજી મુલાકાત સુધી હું આને દિલની પાસે રાખીશ."

કન્યાએ અનુભવ્યું કે હવે આ રમત નથી રહી. એણે કાંપતા અવાજમાં પૂછ્યું, "અને એ (મુલાકાત) ક્યારે થશે?"


કૅરોલીન અર્નોલ્ડ અને મેડેલીન કોમુરાનું પુસ્તક

શાહજહાં અને મુમતાજ

ખુર્રમે ધીમા અવાજે કહ્યું, "જે દિવસે આપણાં દિલ મળશે, અને પછી હું તારાની જેમ ચમકતા અસલી હીરા તમારા પર ન્યોછાવર કરીશ."

કૅરોલીન અર્નોલ્ડ અને મેડલીન કોમુરાએ પોતાના પુસ્તક 'તાજમહલ'માં આ ઘટનાના વર્ણનમાં જણાવ્યું છે કે તે કન્યા અર્જુમંદબાનો હતાં.

એમના દાદા મિર્ઝા ગયાસ બેગ (જેમને એતમાદ-ઉદ-દૌલા એટલે કે 'શાસનનો સ્તંભ' પણ કહેવામાં આવે છે.) મુગલ સમ્રાટ અકબરના શાસનકાળમાં શાહી દરબારમાં સામેલ થયા અને પછીથી (પ્રધાન) મંત્રી બન્યા.

એમનાં ફોઈ મહર-ઉન-નિસાએ વર્ષ 1611માં બાદશાહ જહાંગીર સાથે લગ્ન કર્યાં અને નૂરજહાંના નામે મશહૂર થયાં.

મુઇન-ઉલ-આસારમાં લખ્યું છે કે પિતા અને દાદાએ અર્જુમંદની સુંદરતા, સમજ અને દૂરદર્શિતા જોઈને ઉચ્ચ સ્તરનું શિક્ષણ આપ્યું.

માતાના ઉછેરે સોનામાં સુગંધ ભેળવી. જ્યારે ભણવા-ગણવાનું પૂરું થયું ત્યારે બધે જ તેની સુંદરતાની ચર્ચાઓ હતી અને ઘરેઘરમાં એમનાં જ્ઞાન અને વિનમ્રતાનો ઉલ્લેખ થતો હતો.


'પાદશાહનામા'માં ખુર્રમનાં લગ્નનો ઉલ્લેખ

શાહજહાં અને મુમતાજ

રેણુકા નાથે પોતાના પુસ્તક 'નોટેબલ મુગલ ઍન્ડ હિન્દુ વુમન ઇન ધ સિક્સટિન્થ ઍન્ડ સેવન્ટિન્થ સેન્ચુરીઝ એ.ડી.'માં લખ્યું છે કે અર્જુમંદ જ્ઞાનના ક્ષેત્રમાં આગળ હતાં અને એક પ્રતિભાશાળી અને સભ્ય મહિલા હતાં.

તેઓ અરબી અને ફારસી ભાષાનાં નિષ્ણાત હતાં અને કવિતા લખી શકતાં હતાં. વાલ્ડેમર હૅનસેન અનુસાર, તેઓ શિષ્ટતા અને સારા વ્યવહાર માટે પ્રખ્યાત હતાં.

શહેનશાહ જહાંગીરે એમના વિશે ચોક્કસ સાંભળ્યું હશે કેમ કે તેઓ પોતાના પુત્ર શહાબુદ્દીન મોહમ્મદ ખુર્રમના સૂચનથી સગાઈ માટે સરળતાથી માની ગયા હતા.

માસર-ઉલ-અમરા અનુસાર, જહાંગીરે શાલીનતા અને કુલીનતાનો આદર કરતાં અર્જુમંદબાનો સાથે ખુર્રમની સગાઈ કરી અને વિધિ અનુસાર ખુદ પોતાના હાથે વીંટી પહેરાવી.

મોહમ્મદ અમીન કઝવીનીએ 'પાદશાહનામા'માં લખ્યું છે કે જહાંગીરનાં પ્રિય પત્ની નૂરજહાંએ પોતાની ભત્રીજીની સાથે શાહજાદા ખુર્રમનાં લગ્ન નક્કી કરવામાં ખૂબ રસ લીધો.


સગાઈ અને લગ્ન વચ્ચેના ગાળામાં…

https://www.youtube.com/watch?v=CECOq55JyIo

દરબારી જ્યોતિષીઓ દ્વારા લગ્ન માટે નક્કી કરવામાં આવેલી શુભ તિથિ માટે સગાઈ પછી પાંચ વર્ષ સુધી રાહ જોવી પડી. વર્ષ 1607માં થનારી સગાઈ પછી વર્ષ 1612માં આ લગ્ન અતિભવ્યતાથી થયાં.

મુઇન-ઉલ-આસારમાં લખવામાં આવ્યું છે કે, "લગ્ન સમારોહ એતેમાદ-ઉદ-દૌલા મિર્ઝા ગયાસના ઘરે યોજાયો અને એની સાથે સંકળાયેલી બધી વિધિ પણ ત્યાં જ કરવામાં આવી. જહાંગીરે પોતે વરરાજાની પાઘડી પર મોતીઓનો હાર બાંધ્યો અને 'મહેર'ની રકમ (નિકાહ વખતે પતિ દ્વારા પત્નીને અપાતી રકમ) 5 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી. ખુર્રમની ઉંમર 20 વર્ષ 1 મહિનો અને 8 દિવસની હતી અને બેગમની ઉંમર 19 વર્ષ અને એક દિવસની હતી."

ચંદ્રપંત અનુસાર, શાહજાદા ખુર્રમે "એમને એ સમયનાં તમામ મહિલાઓમાં રંગ, રૂપ અને ચરિત્રમાં સૌથી ખાસ ગણાવ્યાં અને એમને મુમતાજ મહલની ઉપાધિ આપી."

એમનાં સગાઈ અને લગ્ન વચ્ચેનાં વર્ષો દરમિયાન ખુર્રમે વર્ષ 1610માં શાહજાદી કંધારીબેગમ (પહેલાં પત્ની) સાથે લગ્ન કર્યાં અને મુમતાજ સાથે લગ્ન કર્યાં બાદ વર્ષ 1617માં એક મુગલ દરબારીનાં પુત્રી ઇજ્જુન્નિસાબેગમ (અકબરાબાદી મહલ)ને ત્રીજાં પત્ની બનાવ્યાં. દરબારી ઇતિહાસકારો અનુસાર, બંને લગ્ન એક રાજકીય સમજૂતી હતાં.

દરબારી ઇતિહાસકાર મોતમિદ ખાને 'ઇકબાલ જહાંગીરી'માં લખ્યું છે કે, જે નિકટતા, ઊંડો પ્રેમ અને મહત્ત્વ મુમતાજ મહલ માટે હતાં તે અન્ય પત્નીઓ માટે નહોતાં.


શાહજહાંની ઉપાધિ

https://www.youtube.com/watch?v=X9YGgfykFek

એ જ રીતે, ઇતિહાસકાર ઇનાયત ખાને ટિપ્પણી કરી છે કે, "એમની બધી ખુશી આ પ્રસિદ્ધ મહિલા (મુમતાજ મહલ) પર કેંદ્રિત હતી, એટલી હદે કે અન્ય પત્નીઓ માટે એ પ્રેમનો એક હજારમો ભાગ પણ નહોતો જે મુમતાજ મહલ માટે હતો."

ઝફરનામા શાહજહાંમાં લખ્યું છે કે, "વર્ષ 1628માં 36 વર્ષની વયે શહાબુદ્દીન મોહમ્મદ ખુર્રમે શાહજહાંની ઉપાધિ ધારણ કરી અને ગાદીએ બેઠા. આસિફ ખાન (પ્રધાન) મંત્રી બન્યા. ઉત્સવ ઊજવાયો. 1 કરોડ 80 લાખ રૂપિયા રોકડા અને સામાનરૂપે તથા 4 લાખ વીઘા જમીન અને 120 ગામ દાન તથા ઇનામરૂપે અપાયાં."

એ જ રીતનો સમારોહ મુમતાજ મહલે આયોજિત કર્યો અને ઝવેરાત, સોના-ચાંદીનાં ફૂલથી શાહજહાંની નજર ઉતારી.

બાદશાહે બે લાખ અશરફી અને કેટલાક લાખ રૂપિયા મુમતાજ મહલને આપ્યા અને દશ લાખ રૂપિયા વાર્ષિક પૅન્શન નક્કી કર્યું. અને (અન્ય) બેગમોને 1 લાખ અશરફી અને 4 લાખ રૂપિયા આપવામાં આવ્યા અને વાર્ષિક 6 લાખ રૂપિયાની જાહેરાત કરવામાં આવી. મહેર શાહી મુમતાજ મહલને આપી દેવાયું. ખૂબ વધારે આવકવાળી જમીનો અને સંપત્તિ આપવામાં આવી.

જસવંતલાલ મહેતાએ લખ્યું છે કે, "શાહજહાંએ મુમતાજને 'પાદશાહ બેગમ' (મહિલા શહેનશાહ), 'મલિકા-એ-જહાં' (વિશ્વની રાણી), 'મલિકા-ઉઝ-ઝમા' (જમાનાની રાણી) અને 'મલિકા-એ-હિન્દ' (હિન્દુસ્તાનની રાણી)ની ઉપાધિઓ આપી. શાહજહાંએ એમને એવી સુખસુવિધાઓ આપી જે એમની પહેલાં અન્ય કોઈ મલિકાને નહોતી અપાઈ."


રાજકીય સત્તા

https://www.youtube.com/watch?v=blmZ7L2go9s

એમને હઝરત કહીને સંબોધવામાં આવતા હતા. અન્ય કોઈ મલિકાના નિવાસ એટલા સજાવેલા નહોતા જેટલો ખાસ મહેલ (આગ્રાના કિલ્લાનો ભાગ), જ્યાં મુમતાજ શાહજહાંની સાથે રહેતાં હતાં. એને શુદ્ધ સોના અને કિંમતી પથ્થરોથી સજાવવામાં આવ્યો હતો અને એમાં ગુલાબજળના ફુવારા હતા.

તેઓ હંમેશા શાહજહાંનાં વિશ્વસનીય સાથી, વિશ્વાસપાત્ર અને સલાહકાર હતાં. તોપણ એમણે પોતાના માટે રાજકીય સત્તા ન ઇચ્છી. અકાળ મૃત્યુના કારણે મુમતાજ મહલનો મલિકા તરીકેનો સમય માત્ર ત્રણ વર્ષનો રહ્યો.

માસર-અલ-અમરા અનુસાર, મુમતાજ મહલ રાષ્ટ્રીય બાબતોમાં પણ શાહજહાંનાં સલાહકાર હતાં, પરંતુ નૂરજહાંની જેમ બાદશાહને પોતાની રીતેભાતે ચલાવવાની કોશિશ નહોતી કરી.

મુમતાજ મહલે પોતાનાં ફોઈનાં કારણે ખૂબ મુશ્કેલીઓનો સામનો કર્યો, પરંતુ શાહજહાંને એ જ સલાહ આપી કે તેઓ પોતાની અપર માતાને ખુશ રાખવામાં કચાશ ન રાખે.

તેથી શાહજહાંએ નૂરજહાંનું વાર્ષિક પૅન્શન 38 લાખ રૂપિયા નક્કી કર્યું અને માન-સન્માનમાં કશો ભેદભાવ ન આવવા દીધો. મુમતાજ મહલ નૈતિકતા માટે ખાસ જાણીતાં હતાં. દરરોજ સેંકડો વિધવાઓ અને હજારો ગરીબ લોકો એમની પાસેથી લાભ મેળવતાં હતાં.


મુમતાજ મહલની પુત્રી જહાં આરા

શાહજહાં અને મુમતાજ

લગ્નનાં 19 વરસોમાં એમને 14 બાળકો (આઠ પુત્ર અને છ પુત્રી) થયાં. એમાંથી સાતનાં મૃત્યુ જન્મ સમયે કે બાળવયે જ થઈ ગયાં.

ગર્ભવતી હોવા છતાં મુમતાજ મહલ ક્યારેક શાહજહાંની સાથે એમના પ્રારંભિક સૈન્ય અભિયાનોમાં અને પછી એમના પિતા સામેના વિદ્રોહમાં પણ સાથે ગયાં.

અનંતકુમારે 'મોન્યુમેન્ટ ઑફ લવ ઍન્ડ સિમ્બલ ઑફ મેટરનલ ડેથઃ ધ સ્ટોરી બિહાઇન્ડ ધી તાજમહેલ'માં લખ્યું છે કે મુમતાજ મહલનું મૃત્યુ 17 જૂન, 1631ના રોજ બુરહાનપુરમાં, લગભગ 30 કલાક સુધી થયેલા લેબર પેઇન પછી, પોતાના 14મા બાળકને જન્મ આપતાં સમયે વધારે લોહી વહી જવાના કારણે થયું. એમના પતિ તે સમયે દક્ષિણમાં સૈન્ય અભિયાન પર હતા.

એમના મૃતદેહને કામચલાઉ ધોરણે બુરહાનપુરના એક બગીચામાં દફનાવી દેવાયો હતો.

મુમતાજ મહલના મૃત્યુથી શાહજહાંને ખૂબ જ આઘાત લાગ્યો હતો.

વેન બેગલીનું કહેવું છે કે, શોક પછી જ્યારે સમ્રાટ શાહજહાં બહાર આવ્યા ત્યારે એમના વાળ સફેદ થઈ ગયા હતા, એમની પીઠ ઝૂકેલી હતી અને એમનો ચહેરો મૂરઝાયેલો હતો.

એની મૅરી શ્મિલે 'ધ ગ્રેટ મુગલ ઍમ્પાયરઃ હિસ્ટરી, આર્ટ ઍન્ડ કલ્ચર'માં લખ્યું છે કે મુમતાજ મહલની સૌથી મોટી પુત્રી જહાં આરાબેગમે ધીરે-ધીરે પોતાના પિતાને દુઃખમાંથી બહાર કાઢ્યા અને દરબારમાં પોતાનાં માતાની જગ્યા લઈ લીધી.


ઔરંગઝેબના હાથમાં સલ્તનત

https://www.youtube.com/watch?v=QtHkTWYJyxI

ડિસેમ્બર 1631માં, એમના મૃતદેહને એમના પુત્ર શાહ શુજા, મલિકાની દાસી, અંગત ચિકિત્સક અને એમનાં પુત્રીઓ જહાં આરાબેગમ અને ગોહર આરાબેગમનાં શિક્ષિકા સતી-ઉન-નિસાબેગમ તથા સન્માનિત દરબારી વઝીર ખાનની સાથે આગ્રા લાવવામાં આવ્યો હતો.

ત્યાં એમને યમુના નદીના કિનારે એક નાનકડી ઇમારતમાં દફનાવવામાં આવ્યો. જાન્યુઆરી 1632માં કબરની જગ્યા પર તાજમહેલનું નિર્માણ શરૂ થયું.

આ એક એવું કામ હતું જેને પૂરું કરવામાં 22 વર્ષ થવાનાં હતાં. અંગ્રેજી કવિ સર એડવિન અર્નોલ્ડે એ વિશે કહ્યું છે કે, "તે વાસ્તુકલાનો એક ટુકડો નથી, જેવી કે બીજી ઇમારતો છે, બલકે એક શહેનશાહના પ્રેમની ગૌરવપૂર્ણ અનુભૂતિ છે જે જીવિત પથ્થરોમાં ઊભરે છે."

જાઇલ્સ ટિલ્ટસન અનુસાર એની સુંદરતાને મુમતાજ મહલની સુંદરતાના રૂપક તરીકે પણ સમજી શકાય છે અને આ સંબંધના કારણે ઘણા બધા લોકો તાજમહેલને 'સ્ત્રી કે ફેમિનિન' કહે છે.

શાહજહાં તાજમહેલમાં વ્યસ્ત હતા ત્યારે વર્ષ 1658માં એમના પુત્ર ઔરંગઝેબે પોતાના ત્રણ ભાઈઓને મારીને સલ્તનતનું શાસન એમની પાસેથી છીનવી લીધું અને વર્ષ 1666માં એમનું મૃત્યુ થયું ત્યાં સુધી એમને આગ્રાના કિલ્લામાં કેદ રાખ્યા.

શાહજહાંએ પોતાના જીવનના અંતિમ દિવસો કોઈને પણ મળ્યા વિના 'મુસમ્મન બુર્જ' (આગરાના કિલ્લામાં આવેલું એક સ્થળ) પરથી તાજમહેલને જોતાં-જોતાં વિતાવ્યા.

એમનું અવસાન થયું ત્યારે એમને મુમતાજ મહલની પાસે દફનાવવામાં આવ્યા.

બ્રિટિશ લેખક રુડયાર્ડ કિપલિંગે તાજમહેલની પોતાની પહેલી મુલાકાતનું વર્ણન કંઈક આ રીતે કર્યું છેઃ 'તાજે સેંકડો નવાં રૂપ ધર્યાં. દરેક પરિપૂર્ણ અને દરેક વિવરણથી મુક્ત. આ આઇવરી ગેટ હતો જેના દ્વારાથી બધાં સારાં સપનાં આવે છે.'

બંગાળના કવિ રવીન્દ્રનાથ ટાગોર પણ આ જ રીતે મોહિત થયા હતા, 'માત્ર આ એક આંસુના બુંદને, આ તાજમહેલને, સમયના ગાલ પર સદા કાળ માટે ચમકવા દો. આ શાહજહાંનાં પોતાની મહેબૂબા મુમતાજ મહલના ગમમાં વહાવાતાં આંસુ છે.'



https://www.youtube.com/watch?v=1XAAape2xIk

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
Taj Mahal: The marriage of Shah Jahan and Mumtaz Mahal and its five years
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X