UKની મિત્રતા વાયબ્રન્ટ 2013માં રોકાણ આકર્ષવા મોદીને મદદરૂપ બનશે?

યુકે સરકાર વતી યુકેના ડેપ્યુટી ફોરન મિનિસ્ટરે ગુજરાત અને યુકે વચ્ચેના વ્યાપારિક સંબંધોને ગાઢ બનાવવા અને સુધારવા માટે બ્રિટન કમિશનને જણાવ્યું હતું. આ સૂચનાને પગલે ભારત સ્થિત યુકેના હાઇ કમિશ્નર જેમ્સ બેવન 22 ઑક્ટોબર, 2012, સોમવારે ગાંધીનગર આવીને નરેન્દ્ર મોદીને મળવાના છે. આ સમાચારે માત્ર નરેન્દ્ર મોદીએ જ નહીં પણ તેમના સમર્થકો, કાર્યકરો, ભાજપના ટોચથી તળિયા સુધીના સૌ સભ્યોમાં સ્ફૂર્તિનો નવો કરંટ પસાર કરી દીધો હતો.
જેમ્સ બેવન પોતાની ગુજરાત અને ગાંધીનગરમાં નરેન્દ્ર મોદી સાથેની મુલાકાતમાં રાજ્ય સાથે વ્યાપારિક સંબંધો સુધારવાના દ્વિપક્ષીય મંત્રણા કરવાના છે. જો કે વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2013માં રોકાણની દ્રષ્ટિએ જોઇએ તો વેપાર ક્ષેત્રે દ્વિપક્ષીય મિત્રતા સ્થાપવાની ઉત્સુકતા દર્શાવનાર યુકે મોદીને સૌથી વધુ રોકાણ ખેંચી લાવવામાં કેટલું મદદરૂપ બનશે તેના પર પ્રશ્નાર્થ છે.
નિષ્ણાતો અને વેપાર ક્ષેત્રના અગ્રણીઓનું માનવું છે કે બ્રિટનનું આ પગલું ગુજરાત માટે તાત્કાલિક ધોરણે ખાસ લાભ કરાવનારું સાબિત થવાની શક્યતા નહીંવત છે. કારણ કે વાયબ્રન્ટ ગુજરાત 2011માં પણ યુકેનું પ્રતિનિધિ મંડળ આવ્યું હતું, જેનાથી કોઇ નોંધપાત્ર રોકાણ કર્યું હોય તેવી વિશેષ માહિતી નથી. જો કે આ વર્ષે આવી રહેલું પ્રતિનિધિ મંડળ વધારે સકારાત્મક અભિગમ દાખવી શકે છે. મોટા રોકાણ અંગેની વાત આગળ વધી પણ શકે, છતાં વર્ષ 2013માં યુકે તરફથી ગુજરાતમાં મોટું રોકાણ થવાની કે ગુજરાતના ઉદ્યોગોને બ્રિટનમાં વિશેષ લાભ મળી જશે તેવી આશા વધારે પડતી કહેવાશે.
ગુજરાત અને યુકેનું અર્થતંત્ર જોઇએ તો મંદીની કળ હજી યુકેને વળી નથી. યુકેના અર્થતંત્રની ગાડી પાટા પર ચડી રહી છે. અગ્રણી એજન્સીઓના અહેવાલ મુજબ આવતા વર્ષે યુકેનો વૃધ્ધિદર 1.2 ટકા રહેશે અને 2014-15માં 2.4 ટકા રહેશે. તેની સામે ગુજરાતનો વૃધ્ધિદર 10.3 ટકાથી વધુ રહેવાની ધારણા કરવામાં આવી રહી છે. હાલ GDP ગ્રોથ રેટની વાત કરીએ તો ગુજરાતમાં 9.6% અને યુકેમાં -0.4% છે. GDP પર કેપિટાની વાત કરીએ તો ગુજરાતમાં $ 1,416 છે અને યુકેમાં $39,600 છે.
વાયબ્રન્ટ ગુજરાત 2013ની વેબસાઇટ પર જોઇએ તો આંતરરાષ્ટ્રીય વેપાર પ્રતિનિધિ મંડળોની મુલાકાત 11 જૂન, 2012થી જ શરૂ થઇ જવાની હતી. જેમાં કુલ 32 દેશોના પ્રતિનિધિઓ ગુજરાતની મુલાકાતે આવવાના હતા. જેમાં યુકેના પ્રતિનિધિ 17 સપ્ટેમ્બર, 2012 પછી આવવાના હોવાનું જણાવવામાં આવ્યું છે.
ગુજરાત સરકારે વિશ્વભરમાંથી રોકાણકારોને ગુજરાતમાં આવી રોકાણ કરવા આકર્ષવા માટે વાયબ્રન્ટ ગુજરાત સમિટ શરૂ કરી હતી. દર બે વર્ષે યોજાતી સમિટ આવતા વર્ષે 11થી 13 જાન્યુઆરી, 2013 દરમિયાન યોજાનારી છે. આ માટે ગુજરાત સરકારના સંબંધિત વિભાગોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે.
ગુજરાતની 6 કરોડ જનતા સાથે ગુજરાતની કંપનીઓ અને બિઝનેસ સાથે સંકળાયેલા સૌ આશા રાખી રહ્યા છે કે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012 પછી યોજાનારી છઠ્ઠી સમિટમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી રોકાણ ખેંચી લાવવાની દ્રષ્ટિએ અત્યાર સુધીની સૌથી મોટી સમિટ બનાવશે.
વાયબ્રન્ટ ગુજરાત 2013માં ગુજરાત સરકાર ઉત્પાદન, ટકાઉ વિકાસ, હેલ્થકેર - માનવ વિકાસ તરફ કાર્ય અને નવીનતા જ્ઞાન, સેવા સેકટર, પોર્ટ્સ જહાજનિર્માણ, અને સંબંધિત ઈન્ડસ્ટ્રીઝ, એગ્રીબિઝનેસ અને ફૂડ પ્રોસેસિંગ, રિન્યુએબલ એનર્જી એન્ડ ટેક્નોલોજીસ, ગુજરાત ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોફાઇલ, ગુજરાતમાં મોટા પ્રોજેક્ટ માટેની તકો જેવા મુખ્ય ક્ષેત્રો પર ધ્યાન કરવા માંગે છે. ત્યારે અર્થતંત્રમાં મંદીનો સામનો કરી રહેલું યુકે ગુજરાતને સહાય કરશે કે સહાય મેળવશે તે આગામી સમય બતાવશે.












Click it and Unblock the Notifications
