ચેન્નઈ એક્સપ્રેસ : એક મુલાકાત અને રાજે આપી લીલી ઝંડી
મુંબઈ, 1 ઑગસ્ટ : એક મુલાકાત અને માની ગયાં મનસે પ્રમુખ રાજ ઠાકરે. જાણવા મળે છે કે મનસે પ્રમુખ રાજ ઠાકરે સાથે ચેન્નઈ એક્સપ્રેસ ફિલ્મના દિગ્દર્શક રોહિત શેટ્ટીએ મુલાકાત કરી. થોડાંક કલાક ચાલેલી આ મુલાકાત બાદ રાજ ઠાકરે તરફથી કિંગ ખાનની ચેન્નઈ એક્સપ્રેસને લીલી ઝંડી મળી ગઈ છે.

નોંધનીય છે કે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)એ બુધવારે ચેન્નઈ એક્સપ્રેસને રિલીઝ ન થવા દેવાની ચેતવણી આપી હતી. રોહિત શેટ્ટી દિગ્દર્શિત આ ફિલ્મની રિલીઝ માટે મહારાષ્ટ્રના સિંગલ સ્ક્રીન થિયેટરોમાં ચાલતી મરાઠી ફિલ્મોની પ્રદર્શન અવધિમાંથી પ્રાઇમ શોની માંગણી કરાયાના સમાચારો બાદ મનસેનું ફિલ્મ એકમ નારાજ થઈ ગયુ હતું.
ખેર, હવે લાગે છે કે વિવાદ ઉકેલાઈ ગયો છે. હવે ફિલ્મ પોતાના નિર્ધારિત સમયે એટલે કે 9મી ઑગસ્ટે ઈદના રોજે જ રિલીઝ થશે. ફિલ્મમાં શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણે લીડ રોલ કરી રહ્યાં છે. નિર્માતા પોતે શાહરુખ ખાન જ છે.
આ અગાઉ મહારાષ્ટ્ર નવનિર્માણ ચિત્રપટ કર્મચારી સેનાના પ્રમુખ એમી ખોપકરે જણાવ્યુ હતું જો ચેન્નઈ એક્સપ્રેસના નિર્માતા હાલમાં ચાલતી કોઈ પણ ફિલ્મને રોકવાનો પ્રયત્ન કરશે, તો સહન નહિં કરવામાં આવે અને તેની સામે પાર્ટીના લોકો પોતાની રીતે નિપટશે.
ખોપકરે જણાવ્યું હતું કે મનસેએ તમામ સિંગલ સ્ક્રીન તેમજ અન્ય થિયેટરોને પત્ર લખી તેમને જણાવ્યું છે કે તેઓ ચેન્નઈ એક્સપ્રેસ માટે મરાઠી ફિલ્મ ‘દુનિયાદારી' ઉતારે નહિં. દુનિયાદારી 19મી જુલાઈથી મહારાષ્ટ્રના લગભગ તમામ ગેરશહેરી અને નાના શહેરોના થિયેટરોમાં હાઉસફુલ ચાલી રહી છે.ખોપકરે જણાવ્યું - જો ચેન્નઈ એક્સપ્રેસ ફિલ્મના નિર્માતા એવું કરવાનો પ્રયત્ન કરશે, તો અમે રાજ્યાના થિયેટરોમાં તે ફિલ્મ રિલીઝ નહિં થવા દઇએ. ઉપરાંત અમે ગુરુવાર સુધી તમામ જાહેરખબરો પણ હટાવી દઇશું. જોકે રોહિત શેટ્ટી અને રાજ ઠાકરે વચ્ચે થયેલી મુલાકાત બાદ હવે ચેન્નઈ એક્સપ્રેસ ફિલ્મ સમયસર રિલીઝ થઈ જશે.












Click it and Unblock the Notifications
