
દિલીપ કુમારની હાલત સ્થિર, ડોક્ટરોએ જણાવ્યુ ક્યારે આપશે ડીસ્ચાર્જ
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા દિલીપકુમારની તબિયત રવિવારે બગડી હતી. આ પછી તેને મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પ્રારંભિક તપાસમાં તેમના ફેફસામાં તકલીફ જોવા મળી હતી. આ સિવાય 98 વર્ષના હોવાને કારણે તેને વય સંબંધિત કેટલીક સમસ્યાઓ પણ છે. જોકે, હવે તેમની હાલત સંપૂર્ણ સ્થિર હોવાનું કહેવાઈ રહ્યું છે. ઉપરાંત, તેમને આગામી કેટલાક દિવસોમાં રજા આપવામાં આવશે.
ચેસ્ટના નિષ્ણાંત ડો.જલીલ પારકરે જણાવ્યું કે તેમને નોન-કોવિડ યુનિટમાં રાખવામાં આવ્યા છે. તપાસમાં બહાર આવ્યું છે કે દિલીપકુમારને દ્વિપક્ષીય પ્લુઅરલ ફ્યુઝન હતું, જેના કારણે ફેફસાંમાં પ્રવાહી ભરાઈ ગયુ છે. આ કારણે તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. ડોક્ટરની ટીમ બુધવારે તે પ્રવાહીને કેવી રીતે ડ્રેઇન કરે તે અંગે નિર્ણય લેશે. હાલમાં તેની હાલત સ્થિર હોવાનું જણાવાય છે અને ઓક્સિજનનું સ્તર પણ સ્વસ્થ થઈ ગયું છે. ડો.જલીલે આશા વ્યક્ત કરી કે આગામી ત્રણ-ચાર દિવસમાં તેમને રજા આપવામાં આવશે.
બે દિવસ પહેલા દિલીપકુમારની પત્ની સાયરા બાનુએ તેમના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટ પર એક નોંધ શેર કરી હતી. જેમાં તેમણે લોકોની પ્રાર્થના અને શુભેચ્છાઓ બદલ આભાર માન્યો. તેમણે લખ્યું છે કે મારા પતિ, મારા કોહિનૂર, અમારા દિલીપકુમાર સાહબની તબિયત સ્થિર છે અને ડોક્ટરોએ મને ખાતરી આપી છે કે જલ્દીથી તેમને રજા આપવામાં આવશે.
મૃત્યુની અફવા ઉડી હતી
આપને જણાવી દઈએ કે દિલીપકુમારની તબિયત લથડતાં કેટલાક લોકોએ સોશિયલ મીડિયા પર તેમના મૃત્યુની વાત ફેલાવી હતી. ત્યારબાદ ઘણી બોલિવૂડ હસ્તીઓ દિલીપ સાહેબના પરિવારને ફોન કર્યો હતો. બાદમાં તેના પરિવારના સભ્યોએ ખુદ મીડિયા સાથે સંપર્ક કરીને આ અફવાની સત્યતા જણાવી હતી. ત્યારથી, તેની તબિયત સતત સુધારી રહી છે.