મુંબઈ, 18 ડિસેમ્બર : 3 ઈડિયટ્સ બાદ ફરી એક વાર રાજકુમાર હીરાણી, વિધુ વિનોદ ચોપરા તથા આમિર ખાનની તિકડી બૉક્સ ઑફિસે ધમલ મચાવવા આવી રહી છે. ફિલ્મનું નામ સૌ જાણે જ છે પીકે. જોકે દરેક વખતની જેમ આ વખતે પણ આમિર ખાન પોતાની ફિલ્મની વાર્તા તેમજ તેના સસ્પેંસને જાળવી રાખવા માટે શક્ય દરેક પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ ક્યાંકને ક્યાંકથી ફિલ્મ સાથે જોડાયેલી કેટલીક ખાસ બાબતો સામે આવી જ ગઈ છે.
પીકે ફિલ્મમાં આમિર ખાન, અનુષ્કા શર્મા, સુશાંત સિંહ રાજપૂત તથા સંજય દત્ત મુખ્ય ભૂમિકાઓમાં છે. ફિલ્મની વાર્તા અંગે વિવિધ પ્રકારની અટકળો સેવાઈ રહી છે, પરંતુ તેમાંનું સાચુ શું છે? તે જાણવા માટે બસ વધુ એક દિવસનો ઇંતેજાર. હાલ તો બૉલીવુડ ક્રિટિક્સનું માનવું છે કે પીકે વર્ષ 2014ની શ્રેષ્ઠ ફિલ્મોમાંની એક રહેશે. પહેલું કારણ છે આમિર ખાનનું ફિલ્મમાં હોવું અને બીજુ કારણ છે આમિર-રાજકુમાર-વિધુની તિકડી.
હાલ તો જાણીએ કે પીકે આખરે છે શું ? આમિર ખાનના જણાવ્યા મુજબ પીકે જે પાત્ર છે, તે ઑટિસ્ટિક નથી. તે એક ખૂબ જ સામાન્ય માણસ છે કે જે પોતાની પાંપણો પણ નથી ઝપકાવતો. સ્વાભાવિક છે કે તે આ દુનિયાનો તો નથી જ. તે આવ્યો છે કોઇક બીજા ગ્રહથી અને કદાચ કોઇકની શોધમાં છે.
રાજકુમાર હીરાણીએ જણાવ્યું કે તેમની ફિલ્મ પીકે ગૉડ તેમજ ગૉડમૅન પર એક કટાક્ષ છે. સરવાળે ફિલ્મ કઈ બાબત પર આધારિત છે, તે તો આપ સમજી જ ગયાં હશો. હાલ ફિલ્મના પોસ્ટર અને ટ્રેલર ખૂબ જ ઇમ્પ્રેસિવ નજરે પડે છે. ફિલ્મનું સંગીત જોકે કંઈ ખાસ મહત્વનું નથી. ડાયલૉગ્સ ચોક્કસ મજાના છે. તો જોવાનું રહેશે કે આવતીકાલે 19મી ડિસેમ્બરે રિલીઝ થતી ફિલ્મ પીકે વડે આમિર ખાન પોતાના દર્શકો માટે શું લઈને આવી રહ્યાં છે.