For Quick Alerts
For Daily Alerts
રામલીલાનું નામ બદલવાની તૈયારીમાં છે એસએલબી!
મુંબઈ, 13 નવેમ્બર : દિલ્હી કોર્ટ તરફથી ભાનુશાળીની ભવ્ય ફિલ્મ રામલીલાને આખા દેશમાં પ્રતિબંધિત કર્યા બાદ હવે જાણવા મળે છે કે કદાચ ફિલ્મ નિર્માતા સંજય લીલા ભાનુશાળી પોતાની આ ફિલ્મનું નામ બદલી નાંખશે. જોકે આ બાબતની પુષ્ટિ અત્યારે નથી થઈ, પણ આમ છતાં સમય પર ફિલ્મ રિલીઝ કરવા માટે આવું કરી શકાય છે.
આ અગાઉ ફિલ્મ નિર્માતા સંજય લીલા ભાનુશાળીએ સ્પષ્ટ કર્યુ હતુ કે તેમની આવનાર ફિલ્મ રામલીલા વિલિયમ શેક્સપીયરના રોમિયો એન્ડ જુલિયેટથી પ્રેરિત છે અને તેનો ભગવાન રામની રામલીલા કે ભગવાન કૃષ્ણની રાસલીલા સાથે કોઈ સંબંધ નથી. આ ફિલ્મ દેશના કોઈ પણ વર્ગના નાગરિકોના ધર્મ, ધાર્મિક લાગણીઓ કે ધાર્મિક શ્રદ્ધાનું અપમાન કરવાના કે લાગણીઓ ઉશ્કેરવાના ઇરાદે નથી બનાવાઈ.રામલીલા ફિલ્મના નિર્માતા ઉપરાંત દિગ્દર્શક અને લેખક પણ એસએલબી જ છે. એસએલબીનું આ નિવેદન દિલ્હી કોર્ટના ચુકાદા બાદ આવ્યું છે. નોંધનીય છે કે એક અરજી ઉપર સુનાવણી કરતાં કોર્ટે રામલીલા ફિલ્મની રિલીઝ સામે પ્રતિબંધ ફરમાવ્યો છે. અરજીમાં જણાવાયુ હતું કે રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે અભિનીત રામલીલા ફિલ્મમાં સેક્સ, હિંસા તથા અશ્લીલતા પિરસવામાં આવી છે કે જેથી હિન્દુઓની ધાર્મિક લાગણીઓ દુભાય છે. અરજી કરનારે ફિલ્મનું શીર્ષક બદલવાની માંગ કરી છે.