મુંબઈ, 21 ફેબ્રુઆરી : જિમી શેરગિલ તથા નુસરત ભરૂચાની ફિલ્મ ડર એટ ધ મૉલ અંગે જો આપના મનમાં કેટલાક એવા સવાલો હોય કે ફિલ્મ કોણ જાણે કેવી હશે? ભય લાગશે કે કેમ? ભૂત દેખાશે કે કેમ? તો તમામ સવાલો હાસિયે મૂકી ફિલ્મ જોવા પહોંચી જાઓ. ભલે આખી ફિલ્મ આપના રુઆંટા ઊભા ન કરે, પણ ફિલ્મના કેટલાક સીન્સ જરૂર આપના મોઢામાંથી પોકાર કઢાવી નાંખશે. રાગિણી એમએમએસ ફિલ્મ દ્વારા લોકોને પોતાના શ્રેષ્ઠ ભુતાવળ દિગ્દર્શનથી ચોંકાવનાર પવન કૃપલાનીએ ડર એટ ધ મૉલમાં પણ શ્રેષ્ઠ કામ કર્યું છે. ફિલ્મના દરેક દૃશ્યમાં સસ્પેંસ ઉમેરવાની અને તેને સતત જાળવી રાખવા માટેની ઘણી મહેનત પવને કરી છે.
ડર એટ ધ મૉલ એક હૉરર ફિલ્મ છે. ફિલ્મની વાર્તા શરૂ થાય છે એમિટી મૉલથી કે જ્યાં એક પછી એક ત્રણ રહસ્યમય મોતો થાય છે અને પછી મૉલને ભુતિયુ ઠેરવી બંધ કરી દેવાય છે. એવું લાગે છે કે જાણે મૉલમાં કેટલીક અતૃપ્ત આત્માઓ છે કે જે કોઈ વાતનો બદલો લેવા માંગે છે, પણ આ તમામ વાતો પર વિશ્વાસ ન કરી મૉલ માલિક ફરીથી તેને લૉન્ચ કરે છે અને પાર્ટી દરમિયાન તેનો આખો પરિવાર મૉલમાં આવે છે. જિમી શેરગિલ મૉલમાં સિક્યુરિટી ગાર્ડ તરીકેની નોકરીએ આવે છે અને બીજો કોઈ ઉમેદવાર ન મળતા તેને નોકરીએ રાખી લેવાય છે. મૉલની રિલૉન્ચ પાર્ટી દરમિયાન જ મૉલના માલિકનું મોત થઈ જાય છે અને મૉલના બે શૅર હોલ્ડરો પોતાના બાળકો સાથે મૉલમાં ફસાઈ જાય છે. મૉલમાં બંધ આત્માઓ એક-એક કરી આ લોકોને મારવાનું શરૂ કરે છે.
આખરે આ આત્માઓ કોણ છે અને કઈ વાતનો બદલો લે છે મૉલ માલિકો સામે? જિમી શેરગિલનો શો સંબંધ છે આ આત્માઓ સાથે અને આ મૉલની શું વાર્તા છે? તમામ સવાલોના જવાબ જાણવા માટે આપે ડર એટ ધ મૉલ જોવી પડશે, પણ ફિલ્મ જોતા પહેલા એટલું જરૂર ધ્યાન રાખજો કે ફિલ્મમાં અનેક એવા દૃશ્યો છે કે જે આપના હૃદયના ધબકાર વધારી શકે છે. તો સમજી-વિચારીને જજો.

સાઉંડ ઇફેક્ટ્સ શ્રેષ્ઠ
હૉરર ફિલ્મોમાં સૌથી વધુ મહત્વનું હોય છે ફિલ્મનું સાઉંડ ઇફેક્ટ્સ. રાજ ફિલ્મનું સાઉંડ ઇફેક્ટ્સ એટલું શ્રેષ્ઠ હતું કે ફિલ્મ વગર ડાયલૉગે પણ લોકોના હૃદયના ધબકાર વધારી દેતુ હતું. ડર એટ ધ મૉલમાં પણ સાઉંડ ઇફેક્ટ્સનો શ્રેષ્ઠ પ્રયોગ કરવામાં આવ્યો છે.

બ્લૅક એન્ડ વ્હાઇટ કલર ઇફેક્ટ્સ
ડર એટ ધ મૉલ ફિલ્મમાં કલર્સ સાથે વધુ પ્રયોગ નથી કરાયાં. ફિલ્મને બ્લૅક એન્ડ વ્હાઇટ કલરમાં જ શૂટ કરાઈ છે કે જે ફિલ્મની સિનેમેટોગ્રાફીને વધુ શ્રેષ્ઠ બનાવી દે છે.

દરેક ઇંસીડેંટનું એક્સપ્લેનેશન
સામાન્યતઃ હૉરર ફિલ્મોમાં ઘણા એવા બનાવો હોય છે કે જેનો કોઈ મતલબ જ નથી હોતો, જેનો વાર્તા સાથે કોઈ મેળ નથી ખાતો, પણ ડર એટ ધ મૉલ ફિલ્મમાં જે પણ ઇંસીડેંટ્સ થયાં, તે દરેક વિશે ફિલ્મના અંતે સમજણ આપવામાં આવી છે કે જે ફિલ્મને લૉજિકલ બનાવે છે.

ઇટ્સ હૉરર નૉટ કૉમેડી
અનેક વખત હૉરર ફિલ્મો લોકો માટે કૉમેડી ફિલ્મો બની જાય છે. અનેક વાર લોકોને ભૂત ડરાવી નથી શકતું, પણ ડર એટ ધ મૉલ ફિલ્મ આપને જરૂર ડરાવશે. સાથે જ આપના ધબકારા પણ અનેક વખત વધી જશે. તેથી નબળા હૃદયના લોકોએ ફિલ્મ સમજી-વિચારીને જોવી.

સસ્પેંસ જળવાઈ રહે છે
ડર એટ ધ મૉલમાં સતત સસ્પેંસ જાળવી રખાયું છે. ફિલ્મમાં ક્યાંય એવુ ન લાગ્યું કે દર્શકો ફિલ્મના સસ્પેંસને ગેસ કરી શકશે. જોકે ફિલ્મ જોતી વખતે અનેક એવી બાબતો આપના મગજમાં આવશે અને આપ ગેસ કરવાની કોશિશ કરશો કે હવે શું થશે, પણ ફિલ્માં દરેક સીન અનપ્રિડિક્ટેબલ છે.