
દયાભાભીને ત્યાં અવતરી પુત્રી, બે દિવસ રહેશે હોસ્પિટલમાં
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ફેમ ટીવી એક્ટ્રેસ દિશા વાકાણીને ત્યાં પુત્રી અવતરી છે. સિરિયલમાં દયા ભાભીને રોલ ભજવનાર દિશા વાકાણી પ્રેગનન્ટ હોવાને કારણે છેલ્લા થોડા સમયથી શોમાંથી ગાયબ હતા. 28 નવેમ્બરના રોજ મોડી સાંજે તેમણે પુત્રીને જન્મ આપ્યો હતો અને ઉપલબ્ધ માહિતી અનુસાર માતા અને પુત્રી બંનેની તબિયત સારી છે. મુંબઇની પવઇ હોસ્પિટલમાં તેમણે પુત્રીને જન્મ આપ્યો હતો અને હજુ બે દિવસ સુધી તેઓ હોસ્પિટલમાં જ રહેશે.
1 ઓક્ટોબરના રોજ જ દિશા વાકાણીનું શ્રીમંત હતું, જેમાં ટપુ સહિત સીરિયલની આખી ટીમ પહોંચી હતી અને તેના ફોટા સોશ્યલ મીડિયા પર ખૂબ વાયરલ થયા હતા. મૂળ અમદાવાદની એવી દિશા વાકાણીએ 24 નવેમ્બર 2015ના રોજ મુંબઇના સીએ મયૂર પંડ્યા સાથે લગ્ન કર્યા હતા. દિશા પ્રેગનેન્ટ થતા જ તે શોમાંથી વિદાય લેવાની હોવાની ખબરોએ જોર પકડ્યું હતું. શોમાં દિશા વાકાણીને રિપ્લેસ કરવાની વાતો ચાલી રહી હતી અને આ માટે અન્ય એક્ટ્રેસ પણ ફાઇનલ થઇ ગઇ હતી, પરંતુ શોના ફેન્સને આ રુચ્યુ નહીં અને દિશાને એક્સટેન્ડડ લીવ સાથે શોમાં કન્ટિન્યુ રાખવામાં આવી હતી.