અમદાવાદ કોર્પોરેશન દ્વારા શાહપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને મંજૂરી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શાહપુર વિસ્તારના રમતપ્રેમીઓ માટે એક મહત્વપૂર્ણ ભેટ આપતા વર્ષો જૂના ભવાનીસિંહ ચૌહાણ પાર્ટી પ્લોટના સ્થાને નવું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવાની મંજૂરી અપાઈ છે.
આ અદ્યતન સ્પોર્ટ્સ પ્રોજેક્ટ પાછળ અંદાજે 7.31 કરોડનો જંગી ખર્ચ કરવામાં આવશે, જેના કારણે સ્થાનિક સ્તરે રહેતા યુવા ખેલાડીઓને ઘર આંગણે જ આંતરરાષ્ટ્રીય કક્ષાની રમતગમતની સુવિધાઓ પ્રાપ્ત થશે.

શાહપુરના લાલા કાકા હોલ પાસે આવેલા 2,593 ચોરસ મીટરના વિશાળ પ્લોટ પર આ નવું નજરાણું ઊભું કરવામાં આવશે, જે માટે એએમસી તંત્ર દ્વારા સત્તાવાર મંજૂરીની મહોર મારી દેવામાં આવી છે.
જર્જરિત પાર્ટી પ્લોટ અને વાહન પાર્કિંગની વધતી જતી સમસ્યાને ધ્યાનમાં રાખીને તંત્રએ જૂના માળખાને હટાવી ત્યાં ત્રણ માળનું આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવાનો મક્કમ નિર્ધાર કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
આ પ્રોજેક્ટની ડિઝાઈન અને ટેન્ડરિંગની તમામ પ્રક્રિયાઓ પૂર્ણ થઈ ચૂકી છે, તેથી આગામી સમયમાં ખૂબ જ ટૂંક સમયમાં પ્લોટ પર બાંધકામની કામગીરી પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવશે.
કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડ ફ્લોર પર અત્યાધુનિક જિમ્નેશિયમ, યોગા હોલ અને એડમિનિસ્ટ્રેટિવ ઓફિસ સહિત સ્ત્રી-પુરુષો માટે અલગ-અલગ ચેન્જિંગ રૂમ જેવી પાયાની તમામ સવલતો સુનિશ્ચિત કરવામાં આવી છે.
બિલ્ડિંગના પ્રથમ માળે ટેબલ ટેનિસ, કરાટે અને જુડો જેવી ઇન્ડોર રમતો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવશે, જ્યારે બીજા અને ત્રીજા માળે ડબલ હાઇટ ધરાવતા વિશાળ બેડમિન્ટન કોર્ટ બનાવાશે.
દરેક માળ પર ખેલાડીઓ માટે સ્વચ્છતા સાથેના વોશરૂમ્સ ઉપલબ્ધ રહેશે અને પાર્કિંગની સમસ્યા નિવારવા માટે 857 ચોરસ મીટર જેટલી જગ્યા ખાસ વાહનોના પાર્કિંગ માટે અનામત રાખવામાં આવી છે.
સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની આસપાસના વિસ્તારમાં એક સુંદર ગ્રીન ગાર્ડન પણ વિકસાવવામાં આવશે, જેથી આ સ્થળ રમતગમતની સાથે પર્યાવરણની દ્રષ્ટિએ પણ સ્થાનિકો માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બની રહેશે.
બે વર્ષમાં પૂર્ણ થનારા આ પ્રોજેક્ટથી શાહપુર અને દરિયાપુરના અંદાજે એક લાખથી વધુ યુવાનોને સીધો ફાયદો થશે અને રમતગમત ક્ષેત્રે નવી પ્રતિભાઓને આગળ આવવાની તક મળશે.












Click it and Unblock the Notifications
