
દ્વારિકાના નાથ સાથે હોળી રમવા લોકો સાથે શ્વાન પણ ચાલ્યો પદયાત્રાએ
રંગોના ઉત્સવ હોળીને 'વસંતોત્સવ' નામથી પણ ઓળખવામાં આવે છે. આ રંગોત્સવ જ્યારે નજીક આવી રહ્યો છે ત્યારે સમગ્ર ભારત વર્ષમાં તેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જ્યાં હોળીને 'હુતાસણી' નામથી પણ ઓળખવામાં આવે છે ત્યાં તો આ ઉત્સવ હોળી પછી પણ ત્રણ દિવસ સુધી મનાવવામાં આવે છે જેને 'બીજો પડવો' કે 'ત્રીજો પડવો' એમ કહેવામાં આવે છે. આ દિવસોમાં પુરુષોના દાંડિયા રાસ રમવાનો રિવાજ પણ પોરબંદરમાં છે. અલગ અલગ રીત રિવાજોની જેમ દ્વારકાના નાથ સાથે હોળી રમવાનુ પણ એક અનેરુ મહત્વ સૌરાષ્ટ્રમાં છે.

હોળી રમવા પદયાત્રા કરી દ્વારકા જતા લોકો
દર વર્ષે સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી મોટી સંખ્યામાં લોકો કાળિયા ઠાકોર સાથે હોળી રમવા પદયાત્રા કરી દ્વારકા જતા હોય છે. હોળી-ધૂળેટીનો પર્વ નજીક આવી રહ્યો છે. ધૂળેટીના રંગ પર્વની ઉજવણી સાથે સર્વત્ર ઉત્સાહનો માહોલ જોવા મળે છે ત્યારે દ્વારકાના જગત મંદિરમાં બિરાજતા ભગવાન દ્વારકાધીશના મંદિરે ધૂળેટીની ભવ્ય ઉજવણી થાય છે.

જુદા જુદા પ્રાંતમાંથી પગપાળા દ્રારકા માટે નીકળે
લોકો મોટી સંખ્યામાં ઉમટી પડે છે. તેમજ પદયાત્રા કરીને પણ જતા હોય છે. દ્વારકામાં જગત મંદિરે દર વર્ષે ભવ્ય ફૂલડોલ ઉત્સવ ઉજવાય છે. દૂરદૂરથી હજારો લોકો દ્વારિકાના નાથ સાથે રંગે રમવા જાય છે. સમગ્ર સૌરાષ્ટ્રમાંથી હજારોની સંખ્યામાં ભક્તો દ્વારિકાના નાથ સાથે હોળી-ધૂળેટીની ઉજવણી કરવા દ્વારકા પહોંચે છે. તેમજ હોળીનો તહેવાર નજીક આવતા દ્વારકાના રાજાધિરાજને ફૂલની હોળી રમાડવા અને તેમની સાથે ઉજવણી કરવા માટે હજારો લોકો જુદા જુદા પ્રાંતમાંથી પગપાળા દ્રારકા માટે નીકળે છે.

પદયાત્રીઓ સાથે શ્વાન જોડાતા કૂતુહલ
જામનગરમાંથી પસાર થતા એક સંઘ સાથે એક અનેરુ કૌતુક જોવા મળ્યુ હતુ. જામનગર પાસે સમર્પણ સર્કલ પાસેથી પસાર થતા પદયાત્રીઓ સાથે એક શ્વાન પણ પદયાત્રામાં જોડાયુ છે. આ પદયાત્રીઓ સુરેન્દ્રનગરથી ચાલીને આવે છે અને દ્વારકા જઈ રહ્યા છે. જેના કારણે લોકોમાં કૂતુહલ પેદા થયુ છે.
આ પણ વાંચોઃ કોરોના વાયરસથી બચાવ જ નહિ પરંતુ ‘નમસ્તે' કરવાના બીજા પણ છે ઘણા ફાયદા