આમ આદમી પાર્ટીને મોટો ઝટકો, ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ અર્જૂન રાઠવાએ આપ્યુ રાજીનામુ
આમ આદમી પાર્ટીને વધુ એક મોટો ઝટકો લાગતા પાર્ટીના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ અર્જૂન રાઠવાએ મંગળવારે રાજીનામુ આપી દીધુ. છોટાઉદેપુર જિલ્લાના લોકપ્રિય આદિવાસી નેતા રાઠવાએ રાજીનામુ આપ્યા પછી જણાવ્યુ કે આપ રાજકીય રીતે ગંભીર નથી.
આમ આદમી પાર્ટીના આદિવાસી નેતા અર્જૂન રાઠવાએ પ્રદેશના ઉપાધ્યક્ષ પદ સહિત પક્ષના તમામ હોદ્દાઓ અને સભ્યપદ ઉપરથી રાજીનામુ આપી દેતા રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.

છોટા ઉદેપુરના 50 વર્ષીય શિક્ષક રાઠવાએ મંગળવારે ગુજરાત આપ પ્રમુખ ઇસુદાન ગઢવી અને રાજ્યના પ્રભારી સંદીપ પાઠકને પોતાનું રાજીનામું મોકલ્યું હતું. તેઓ 2013થી આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા હતા. ગઈ વિધાનસભા ચૂંટણીમાં છોટાઉદેપુર બેઠક ઉપરથી તેઓ આપના ઉમેદવાર પણ રહી ચૂક્યા છે.
આદિવાસી નેતા રાઠવાએ કહ્યું કે હાલ તેમની કોઈ અન્ય પાર્ટીમાં જોડાવાની કોઈ યોજના નથી. તેમણે મીડિયાને જણાવ્યું કે ગુજરાતમાં તેમના જેવા સ્થાનિક નેતાઓને પાર્ટીના મામલાઓ પર નિર્ણય લેતી વખતે સામેલ કરવામાં આવતા નથી અને તેથી જ તેમણે પાર્ટીમાંથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે.
તેમણે જણાવ્યુ કે નિર્ણય લેવાની પ્રક્રિયામાં સ્થાનિક નેતાઓને સામેલ ન કરવાને કારણે પાર્ટીને 2022 રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે, અમે ગુજરાતની 182 વિધાનસભા બેઠકોમાંથી 50 બેઠકો જીતવાની સ્થિતિમાં હતા.
રાઠવાએ ઉમેર્યુ કે ગ્રાઉન્ડ લેવલ પર આયોજનના અભાવે અમે વિધાનસભાની ચૂંટણીમાં સારો દેખાવ કરી શક્યા નથી. નોંધનીય છે કે ગયા વર્ષની વિધાનસભા ચૂંટણીમાં, આપ ગુજરાતમાં પ્રથમ વખત પાંચ બેઠકો જીતી હતી અને ભાજપ અને કોંગ્રેસ પછી રાજ્યમાં ત્રીજા સ્થાને આવી હતી.












Click it and Unblock the Notifications
