For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અહેમદ પટેલ ૧૫ રાજ્યોના CM નક્કી કરે છે, તેમને સત્તાની શી લાલસા?

|
Google Oneindia Gujarati News

shankarsinh vaghela
અમદાવાદ, 5 ડિસેમ્બર: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદને સંબોધતા શંકરસિંહ વાઘેલાએ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનું નામ લીધા વિના જ તેમના પર પ્રહાર કરતાં જણાવ્યું કે, ‘આજે ભાજપની સરકાર પાસે કે ભાજપ પાસે સમાજને તોડવાનો કોઇ મુદ્દો નથી તેથી અહેમદ પટેલનું નામ લઇને હલકી કક્ષાની રાજનીતિ કરાઇ રહી છે.

જે માણસ ૧૫ રાજ્યોના મુખ્યમંત્રીને સલાહ આપતો હોય, જે માણસના કહેવાથી ૧૫ રાજ્યોના મુખ્યમંત્રી નક્કી થતા હોય તેવા સત્તાથી દૂર રહીને કામ કરનારા માણસનું નામ લઇને આ ભાજપનાં લોકો પોતાનો ટૂંકો સ્વાર્થ સાધી રહ્યા છે. ભાજપનાં લોકો તેથી તેમનું નામ ઢસેડે છે. અહેમદ પટેલ યુપીએ વન અને યુપીએ ટુમાં ધારે તે હોદ્દો મળી શકે તેમ છે પણ તેમના માટે હોદ્દો મહત્ત્વનો નથી. અહેમદ પટેલનું નામ લેવું એ ભાજપની માનસિક વિકૃતિ છે. મારે આ ભાજપના શાસકોને કહેવું છે કે, શું સોનિયા ગાંધી તમને ગુજરાતમાં પેટ્રોલ- ડીઝલ પરથી વેટ ઘટાડવા માટે રોકે છે તમે ગુજરાતમાં વેટ ઘટાડોને ? શું રાહુલ ગાંધી તમને ગુજરાતના બેકારોને રોજગાર આપતા રોકે છે તમે બેકારોને રોજગાર આપોને ?

શંકરસિંહ વાઘેલાએ વધુમાં જણાવ્યું કે, ‘ભાજપની સરકારે ત્રણ ચૂંટણી ઢંઢેરામાં પોકળ વચનો આપ્યાં, ૫ ટકા વચનો પણ પૂરાં કર્યાં નથી. આવી સરકારને નૈતિકતાના આધારે મતદારો પાસે મત માગવાનો કોઇ અધિકાર નથી. અત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી છે, જાણે દિલ્હીની લોકસભાની ચૂંટણી હોય તેવી વાતો કરી પ્રજાને છેતરવાનો પ્રયાસ કરાઇ રહ્યો છે. દિલ્હીમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી કે ડો. મનમોહનસિંહને હિસાબ નથી આપવાનો તમારે તમારા શાસનનો હિસાબ આપવાનો છે.

ગુજરાતના મતદારને તમે કેટલો અન્યાય કર્યો છે તેનો હિસાબ આપવાનો છે. કેન્દ્રની સરકાર માટે કોઇ રાજ્ય સરકાર પ્રત્યે કોઇ ભેદભાવ હોતો નથી તે તમામ રાજ્ય સરકારો તેના માટે સરખી છે પણ લોકોને ગુમરાહ કરવા માટે એવું કહેવાય છે કે, મેડમ સોનિયા ગાંધીની નજર ગુજરાતની તિજોરી પર છે. મારે પૂછવું છે કે, શું ગુજરાતની તિજોરી દેશની તિજોરી કરતાં મોટી છે. જો ગુજરાતની તિજોરી મોટી હોય તો પછી દુષ્કાળની પરિસ્થિતિમાં તમે કેમ કેન્દ્ર પાસે ૧૪,૦૦૦ કરોડની ભીખ માગી હતી ? ગુજરાતની તિજોરીને તો તમે તળિયા ઝાટક કરી નાંખી છે. જેનો કોઇ મતલબ નથી તેવી વાતો કરવામાં આવી રહી છે. નોનઇશ્યૂને ઇશ્યૂ કરવામાં આવી રહ્યા છે. ૨૦૦૨, ૨૦૦૭ની ચૂંટણીમાં મુદ્દા ન હોય તેવી વાતોને તેમણે મુદ્દા બનાવ્યા. ૨૦૦૨ અને ૨૦૦૭ની ચૂંટણીમાં વિકાસ એ મુદ્દો હતો જ નહીં.

તેમણે વધુમાં જણાવ્યું કે, ‘ભાજપ ૪૫ લાખ મકાનો આપવાની વાતો કરે છે પણ ભાજપનાં શાસનમાં કાચા મકાનો પણ આપ્યા નથી. એમના ચૂંટણી ઢંઢેરાનાં વચનો ફોગટ ગયાં છે. ભાજપની સરકારનો પૂર્વ ગૃહમંત્રી તડિપાર હોય, તેવી સરકારનાં શાસનમાં મહિલાઓ અને બાળકો પણ સુરક્ષિત નથી. તમે એક દિવસ જાગો હું આખું વર્ષ જાગીશ તેવી વાતો કરનારાઓએ પ્રજાને ઉજાગરા કરાવ્યા છે. તેથી હવે માયાજાળ ઊભી કરી રહ્યા છે.

થ્રી-ડી સભાઓ કરીને ફિલ્મના પડદા પર પ્રજાને સંબોધવામાં આવી રહી છે જેની પાછળનો કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે, તેની પાછળ એવું સમજાય છે કે, હવે આ લોકોની પ્રજાની વચ્ચે જવાની હિંમત નથી કરી શકતા એટલે ફિલ્મના પડદાની ઉપર સભાઓ કરે છે. લોકાયુક્તની નિમણૂક ન થાય તે માટે પ્રજાના રૂપિયે સુપ્રીમ કોર્ટ સુધી લડ્યા. ભાઇ, તમને ડર ન હતો તો પછી તમે લોકાયુક્ત કેમ નિમતા નથી ? તમે ચોર નથી તો પછી કેમ ડરો છો ?

English summary
Ahmed Patel decides CM of 15 states, he has no interest to become CM of Gujarat said Shankar Sinh Vaghela.,
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X