
અર્બુદા ક્રેડીટ સોસાયટીના ચેરમેન રાકેશ અગ્રવાલના રિમાન્ડ મંજૂર
પાલનપુરઃ અર્બુદા ક્રેડિટ સોસાયટીના ચેરમેન રાકેશ અગ્રવાલ દ્વારા ખાતેદારોના કરોડો રૂપિયાની ઉચાપત કરાઇ છે. ત્યારે ૧૭ જાન્યુઆરીથી ભૂગર્ભ જનાર કૌભાંડી ચેરમેન રાકેશે પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું છે. માઉન્ટ આબુ પોલીસે રાકેશની ધરપકડ કરી છે. જે બાદ તેને કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો. કોર્ટે તેના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
માઉન્ટઆબુની અર્બુદા ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટીએ ગુજરાતમાંથી કરોડો રૂપિયાની ઉચાપત કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. સંચાલક દ્વારા ગુજરાતના અંબાજી, પાલનપુર, મહેસાણા સહિત બનાસકાંઠા,સાબરકાંઠા, બાવળા, પાટણ ઉપરાંત મહીસાગરમાં અનેક જગ્યાએ શાખા ખોલવામાં આવી હતી. માઉન્ટ આબુની અર્બુદા ઉચાપત કેસના આરોપીનો ભાજપના પદાધિકારી સાથે સંબંધ હોવાની પણ બહાર આવ્યું છે. નોંધનીય છે કે ભાજપના જિલ્લા ઉપાધ્યક્ષ સૌરભ ગંગાડિયા સરન્ડર સમયે પણ સાથે હતા. ભાજપ કાઉન્સિલર અને રાકેશ અગ્રવાલના ભાઇ મુકેશ અગ્રવાલ પણ સાથે હાજર રહ્યાનું જાણવા મળે છે.
શું છે મુદ્દો
માઉન્ટ આબુમાં હેડ ક્વાર્ટર ધરાવતી અર્બુદા ક્રેડીટ સોસાયટીના કૌભાંડી ચેરમેન રાકેશ અગ્રવાલ અચાનક આબુ પોલીસ મથકમાં હાજર થતાં પોલીસે ધરપકડ કરી રિમાન્ડ લઇને આગળની તજવીજ હાથ ધરી છે. રાજસ્થાનના માઉન્ટ આબુમાં હેડ ક્વાર્ટર ધરાવતી અર્બુદા ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટી દ્વારા રીકરીંગ યોજના, ટૂંકી મુદ્દતની થાપણ યોજના, લાંબી મુદ્દત થાપણ યોજના સહિત ફીક્સ ડીપોઝીટો પર રોકાણ પર ગ્રાહકોને અન્ય કરતાં વધુ વ્યાજ અપાતુ હોઇ અનેક લોકોએ પોતાની કમાણી, દૈનિક આવકમાંથી થોડી ઘણી રકમની બચત કરી હતી. વધુમાં તેમણે ગુજરાત ભરમાં ઓફીસ બનાવી એજન્ટોની નિણમૂક કરી ગ્રાહકોની વિવિધ યોજનામાં રકમ જમા કરાવ્યા હતા. જોકે ચેરમેન દ્વારા રકમ પાછી આપી ન શકતા ખાતેદારોએ ફરિયાદ નોંધાવી હતી

અબુદા ક્રેડીટ સોસાયટીના એમ.ડી.રાકેશ ઉર્ફે બોબી દેવેન્દ્રકુમાર અગ્રવાલ અને ચેરમેન આશાબેન રાકેશકુમાર અગ્રવાલ સહિત ડિરેકટરો દ્વારા ગ્રાહકોની પાકતી મુદતે નાણાં ન આપી એક પછી એક શાખાઓ બંધ કરી દેતા ખાલી બનાસકાંઠાના ગ્રાહકોના રૂ. 4 કરોડ 74 લાખ જેટલી રૂપિયા ડૂબ્યા હતા. સાથે જ ગુજરાત ભર માંથી જેમની સામે ઠેર-ઠેર ઉચાપતની ફરીયાદ નોંધાઇ હતી. જેમાં ગ્રાહકોને ચૂનો લગાવીને ફરાર થઇ ગયેલા આરોપીઓને ગુજરાત અને રાજસ્થાન પોલીસે કાયદાનો ગાળીયો કસ્યો હતો. અને સીઆઇડી ક્રાઇમને તપાસ સોંપીને શાખાઓમાંથી દસ્તાવેજો જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યાંજ સોસાયટીના ચેરમેન રાકેશ ઉર્ફે બોબી દેવેન્દ્ર અગ્રવાલ માઉન્ટ આબુ પોલીસ મથકમાં હાજર થયા હતા.
કોની સામે ગુનો નોંધાયો
1.રાકેશ ઉર્ફે બોબી દેવેન્દ્ર અગ્રવાલ (ચેરમેન)
2.આશા રાકેશકુમાર અગ્રવાલ(અધ્યક્ષ)
3.નિશા રાકેશકુમાર અગ્રવાલ(સચિવ)
4.મેહર પ્રવિણસિંહ ઠાકુર(ઉપાધ્યક્ષ)
5.યોગેશ મોહનસિંગ ટાંક(જ. મેનેજર)
6.અશોક દેવીશંકર શર્મા(આસી. જ. મેનેજર)
7.સુનિલ મદનલાલ અગ્રવાલ(જ. મેનેજર)
કેટલી રૂપિયાની છેતરપીંડી
ધાનેરામાં રૂ. 1.49 કરોડ
પાલનપુરમાં રૂ.53.12 લાખ
ડીસામાં રૂ.19.39 લાખ
ભાભર રૂ.93.68 લાખ
દિયોદર રૂ.32.68 લાખ
ભીલડી રૂ.1.35 કરોડ
કુલ રૂ. 4.74 કરોડ