કિનારા સાથે ટકરાવાની તૈયારીમાં બિપોરજોય, આગામી કેટલીક કલાકો ગુજરાત માટે ખતરનાક
અરબ સાગરમાંથી આગળ વધીને બિપોરજોય વાવાઝોડુ કચ્છના જખૌના દરિયાકિનારે પહોંચવાની તૈયારીમાં છે. લેન્ડફોલ સમયે વાવાઝોડુ મોટો વિનાશ વેરી શકે છે. તંત્ર દ્વારા આખરી ઘડીની તૈયારીઓ પુર્ણ કરાઈ છે.
વાવાઝોડુ બિપોરજોય દરિયાકાંઠાથી થોડા કિલોમીટર દૂર છે. હવામાન વિભાગ અનુસાર, બિપોરજોય વાવાઝોડુ ગુરુવારે સાંજ સુધીમાં ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકી શકે છે.

બિપોરજોયને લઈને ભારત સાથે પાકિસ્તાનના દરિયાકાંઠાના વિસ્તારો પણ હાઈ એલર્ટ પર છે. એક અઠવાડિયા સુધી અરબી સમુદ્રમાં રહ્યા બાદ બિપોરજોય આજે સાંજ સુધીમાં પાકિસ્તાનના સિંધ પ્રાંતના કેટી બંદર સાથે ટકરાઈ શકે છે.
હવામાન વિભાગ અનુસાર, ચક્રવાત બિપરજોય સાંજે 4 થી 8 વાગ્યાની વચ્ચે ગુજરાતના માંડવી અને પાકિસ્તાનના સિંધ પ્રાંતના કેટી બંદર સાથે ટકરાઈ શકે છે. ભારત અને પાકિસ્તાનમાં 150,000 થી વધુ લોકોને સંવેદનશીલ વિસ્તારોમાંથી સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.
જાણકારોની આગાહી અનુસાર, બિપોરજોય તેના માર્ગમાં આવતા ઘર અને પાકને નષ્ટ કરી શકે છે. પાકિસ્તાનની ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીએ કરાચીથી ગુજરાતના દરિયાકાંઠે 3-4 મીટર સુધીના વાવાઝોડાની ચેતવણી આપી છે.
ગુજરાતના રાહત કમિશનર આલોક પાંડેએ જણાવ્યું કે, વાવાઝોડાની ઝડપમાં ઘટાડો થયો છે પરંતુ લેન્ડફોલ સમયે તેની પવનની ઝડપ 110 કિમી પ્રતિ કલાક આસપાસ રહેવાની ધારણા છે. આનાથી તે અત્યંત જોખમી બની શકે છે.
જોખમોને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે 72,000 લોકોને જોખમી વિસ્તારોમાંથી અન્ય જગ્યાઓએ ખસેડ્યા છે. હોસ્પિટલોને એલર્ટ રહેવા માટે કહેવામાં આવ્યું છે. શાળાઓ અને સરકારી કચેરીઓને રાહત કેન્દ્ર બનાવવામાં આવ્યા છે. સરકારે લોકોને મુસાફરી ટાળવા પણ અપીલ કરી છે.












Click it and Unblock the Notifications
