For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગ્રંથમાં ગ્રંથીઓ બદલવાની શક્તિ છે : નરેન્દ્ર મોદી

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 5 એપ્રિલ : "ગ્રંથી જીવનને ગૂંચવે છે. ગ્રંથીમાંથી મુક્ત થવું મુશ્કેલ હોય છે, પરંતુ ગ્રંથ ગ્રંથીમાંથી મુક્તિ અપાવી શકે. પૂર્વગ્રહથી મુક્ત બની ઉપગ્રહની ઊંચાઇ પામવા પુસ્તક સરળ માર્ગદર્શક હોય છે." મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સચિવાલય, ગાંધીનગરમાં માહિતી કમિશનરની કચેરી દ્વારા સંચાલિત નવપલ્લવિત સચિવાલય મધ્યસ્થ ગ્રંથાલયનો શુભારંભ કરતાં આવો પ્રતિભાવ આપ્યો હતો.

તેમણે પુસ્તકાલયના નવા રંગ-રૂપ માટે અભિનંદન પાઠવતાં પુસ્તકાલયને 'હજારો મિત્રોના મિલન' સાથે સરખાવ્યું હતું. સચિવાલયના બ્લોક નંબર 11ના બીજા માળે ખુલ્લા મુકાયેલા આ પુસ્તકાલયમાં 5,238 અંગ્રેજી ભાષાના પુસ્તકો, 4,144 ગુજરાતી પુસ્તકો, 608 હિન્દી પુસ્તકો ઉપરાંત ભારતના લગભગ તમામ રાજ્યોના, તમામ ભાષાઓના જાણીતા અને ખૂબ પ્રસિદ્ધિ પામેલા પુસ્તકોનો પણ સમાવેશ થાય છે.

narendra-modi-at-central-library

અન્ય ભાષાના પુસ્તકોમાં મરાઠી સાહિત્ય, સિંધી, નેપાળી, રાજસ્થાની, ડોંગરી, ઉર્દુ, કોંકણી, ઉડીયા, કન્નડ, કાશ્મિરી, બંગાળી, આસામી, મૈથિલી, મલાયલમ, તમીલ, પંજાબ અને તેલુગુ ભાષાના મળીને કુલ 11,000થી વધુ પુસ્તકો અત્યારના તબક્કે વસાવવામાં આવ્યા છે. સચિવાલય અને રાજ્ય સરકારની અન્ય કચેરીઓના વડાઓ અને કર્મચારીઓ માટે આ અત્યંત મહત્વની રેફરન્સ લાયબ્રેરી બની રહેશે.

આ ગ્રંથાલય અત્યંત આધુનિક ટેકનોલોજીથી સુસજ્જ છે. રેડિયો ફ્રિકવન્સી આઇડેન્ટીફીકેશનવાળી મેનેજમેન્ટ સિસ્ટમ આધારિત આ પુસ્તકાલયમાં વાચક સભ્યોને સ્માર્ટ કાર્ડ આપવામાં આવશે. આ સ્માર્ટકાર્ડ દ્વારા જ સભ્યો ગ્રંથાલયમાં પ્રવેશ મેળવી શકશે. પોતાને જોઇતું પુસ્તક શોધી, પોતાના નામે જાતે જ મેળવી શકશે. પુસ્તકની સ્લીપ પણ કિઓસ્ક મારફતે જ મળી જશે. આ પ્રક્રિયા બાદ પુસ્તકને ગ્રંથાલયની બહાર લઇ જઇ શકાશે. પુસ્તક પરત કરવા માટે પણ ગ્રંથાલયના દરવાજાની બહાર ઓટોમેટેડ બૂક ડ્રોપ બોકસ રાખવામાં આવ્યું છે. ગ્રંથાલયમાં પ્રવેશ કર્યા વિના, ગ્રંથાલયના સમય પછી પણ વાચક સભ્ય પોતાનું પુસ્તક પરત જમા કરાવી શકશે અને તેની પહોંચ મેળવી શકશે.

ગ્રંથાલયમાં બેસીને સંદર્ભગ્રંથો/પુસ્તકોના અભ્યાસ માટે સુંદર બેઠક વ્યવસ્થા પણ ઉભી કરાઇ છે. અહીં 15 જેટલા કોમ્પ્યુટર વાચકો માટે અલાયદા રાખવામાં આવ્યા છે જેમાં ઇન્ટરનેટ સવલત રાખવામાં આવી છે. જેથી કોઇપણ વાચક અભ્યાસુ તેનો સંશોધન અને સંદર્ભ માટે ઉપયોગ કરી શકશે.

અહીં પૂ. મહાત્મા ગાંધીજી અને પૂ. સરદાર વલ્લભભાઈ પટેલના જીવન અને સિદ્ધાંતોને લગતા પુસ્તકો, સંદર્ભગ્રંથો વગેરેનો ખાસ અલાયદો વિભાગ પણ રાખવામાં આવ્યો છે. ગુજરાત અને દેશના વિવિધ ભાગોના કલા, સંસ્કૃતિ અને લોકજીવન અંગેના પુસ્તકો પણ રાખવામાં આવ્યા છે. અહીં, ગ્રામવિકાસ, આર્થિકનીતિ, સમાજકલ્યાણ, મહિલા વિકાસ, વ્યક્તિવિકાસ, ગુડગવર્નન્સ, પર્યાવરણ, તત્ત્વજ્ઞાન વગેરે વિષયો સહિત દેશ અને દુનિયાના મહાનુભાવોના જીવન-ચરિત્રો પણ છે. રાજ્ય તેમજ દેશની સાહિત્ય અકાદમી પ્રકાશિત અને એવોર્ડ પ્રાપ્ત અનેક પુસ્તકો મુકવામાં આવ્યા છે.

રાજ્ય સરકારના વિકાસકામો અને તેના નિર્ણયો લેવાની પ્રક્રિયામાં મદદરૂપ થાય એવા અનેક પુસ્તકો લાયબ્રેરીમાં મુકવામાં આવ્યા છે. તેની સાથે સાથે નવા પ્રકાશિત થતાં અને દેશ અને દુનિયાના જાણીતા પ્રકાશન ગૃહો દ્વારા પ્રકાશિત થતા પુસ્તકો, મેગેઝીન, ઇ-મેગેઝીન, ઓડીયો બુકસ વગેરે વસાવી તેમાં વધુ સંદર્ભ પુસ્તકોનો સતત ઉમેરો કરી વાંચન સમૃદ્ધ એવી અધતન વૈશ્વિક ધોરણોવાળી લાયબ્રેરી તૈયાર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે મુખ્ય સચિવ વરેશ સિંહા, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ કે. કૈલાસનાથન, માહિતી કમિશનર વી. થિરૂપુગાઝ, રાજ્યના વરિષ્ઠ સનદી અધિકારીઓ અને માહિતી ખાતાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પુસ્તકાલયમાં સભ્યપદ માટેની પ્રક્રિયા આગામી સપ્તાહથી શરૂ થશે.

English summary
Book have power to change mindsets : Narendra Modi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X