અનારના પાર્ટનરે કર્યું જમીન કૌભાંડ, માથું દુખ્યું આનંદીબેનનું!
આનંદીબેને તેમના આટલા વખતની રાજકીય કારકિર્દીમાં એક પ્રામાણિક નેતા છબી ઊભી કરી છે. જ્યારથી તેમને મુખ્યમંત્રીની ખુરશી સંભાળી છે ત્યારથી તેમનો પ્રયાસ તે જ રહ્યો છે કે ભૂલથી પણ કોઇ કૌભાંડમાં તેમનું કે તેમની પાર્ટીનું નામ ના જોડાય. પણ પહેલા પાટીદાર આંદોલન અને હવે તેમની દિકરીના પાર્ટનર દ્વારા કરવામાં આવેલું જમીન કૌભાંડ આનંદીબેનની મુશ્કેલીઓ વધારો કર્યો છે.
અનાર પટેલ એટલે કે આનંદીબેનની પુત્રીના કારણે આનંદીબેન મુશ્કેલીઓ આવનારા દિવસોમાં વધી શકે છે કારણ કે કોંગ્રેસે આનંદીબેન પર આરોપ લગાવ્યો છે કે ગીર અભ્યારણ્યમાં તેમણે તેમની પુત્રી અનાર પટેલને સસ્તા દરે જમીન આપી છે. વાત છે તે સમયની જ્યારે આનંદીબેન મહેસૂલ મંત્રી હતા.
તેમણે અનારની સહભાગીદારી વાળી વાઇલ્ડ વૂડ રિસોર્ટ્સ એન્ડ રિયાલિટી નામની કંપનીને સવા સો કરોડની કિંમત પર કુલ 245.63 એકરની જમીન આપી છે. આવો આક્ષેપ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જૂન મોઢવાડિયાએ પ્રેસ સમક્ષ કર્યો છે. જે બાદ કોંગ્રેસે આનંદીબેનના રાજીનામાંની માંગણી કરી છે.
વળી કોંગ્રેસે આ જમીન ખરીદનાર ઉદ્યોગપતિ સંજય ધાનક જોડે પણ ભાજપના સંબંધની વાત ઉચ્ચારી છે.
જો કે સામે પક્ષે અનાર પટેલે ખુલાસો આપતા સાફ કર્યું છે કે આ તમામ આરોપો પોકળ છે અને કોંગ્રેસ પ્રેરિત છે. તેણે પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર કહ્યું છે કે "WWRRPLમાં હું (અનાર પટેલ) ડાયરેક્ટર પણ નથી અને શેરહોલ્ડર પણ નથી. દક્ષેશભાઇ મારા બિઝનેસ પાર્ટનર છે પણ તેનો અર્થ તે નથી કે અમે બધા જ બિઝનેસમાં સાથે હોઇએ" વધુમાં તેમણે કહ્યું કે મેં હંમેશા સામાજિક નૈતિકતા અને કાયદેસર બિઝનેસ કરવામાં જ માન્યું છે. સત્યનો વિજય જરૂરથી થશે.