અમદાવાદમાં કોંગ્રેસના મ્યુનિ. કાઉન્સિલર પર હુમલો
અમદાવાદ, 5 નવેંબરઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કાઉન્સિલર બદરૂદ્દિન શેખ પર રવિવારે રાત્રે તલવારથી હુમલો થયો હતો. આ હુમલો એ સમયે થયો જ્યારે તેઓ એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા જુહાપુરા ગયા હતાં. ઇજાગ્રસ્ત બદરૂદ્દિન શેખે આ હુમલો ભાજપના કાર્યકર અને માથાભારે શખ્સ હનિફ ગોટીલાલ દ્વારા કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું છે. પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
ઘટના અંગે મળેલી માહિતી અનુસાર રવિવારે રાત્રે નવ વાગ્યાના અરસાની આસપાસ બદરૂદ્દિન શેખ તેમના એક મિત્ર સાથે જુહાપુરા ખાતે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા પહોંચ્યા હતા. પાર્ટી પ્લોટની બહાર કાર પાર્ક કરતી વખતે એક યુવકે તેમની પાસે આવ્યો હતો અને 'તુ કોંગ્રેસ કા બડા આગેવાન હો ગયા હે?' તેમ કહીં યુવાને તેમના માથે તલવારથી હુમલો કર્યો હતો. બનાવની જાણ થતાં ટોળું એકત્ર થઇ જતાં હુમલાખોરો ભાગી નીકળ્યાં હતા. ઇજાગ્રસ્ત બદરૂદ્દિનને સારવાર અર્થે વી એસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા.
ઇજા પામેલા બદરૂદ્દિન શેખે એવો આક્ષેપ કર્યો છે કે તેમના પર હુમલો ભાજપના કાર્યકર અને સ્થાનિક માથાભારે શખ્સ હનિફ ગોટીલાલ અને તેના પુત્ર શોએબે હુમલો કર્યો છે. હુમલાની જાણ થતાં મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો હોસ્પિટલ પાસે એકત્ર થઇ ગયા હતા અને બનાવ પાછળ રાજકીય, જમીન વિવાદ કે કોઇ જૂની અદાવત છે? તે અંગે ચર્ચાઓ કરવા લાગ્યા હતા. પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.












Click it and Unblock the Notifications
