કોંગ્રેસ-પાસની વધુ 1 બેઠક, કપિલ સિબ્બલ પણ રહેશે હાજર

Subscribe to Oneindia News

બુધવારે રાત્રે કોંગ્રેસ અને પાસ કોર કમિટીની અનામત અંગે મહત્વની બેઠક મળનાર છે. ત્યારે બધા રાજકીય પક્ષો, આઇબી(ઇન્ટેલિજન્સ બ્યુરો) અને સરકારની નજર આ બેઠક પછી આવનાર નિર્યણ પર રહેશે. પાસ સાથે ચર્ચા કરવા માટે દિલ્હીથી ખાસ રાજકીય નિષ્ણાંત અને કોંગ્રેસ નેતા કપિંલ સિબ્બલ પણ અમદાવાદ આવનાર છે. તેઓ ગુજરાત કોંગ્રેસના નેતાઓને સાથે રાખીને પાસ કોર કમિટી સાથે આ મુદ્દે ચર્ચા કરશે. થોડા સમય પહેલા પણ કોંગ્રેસના નેતાઓ અને પાસના કમિટી સભ્યોની બેઠક થઇ હતી, જેમાં હાર્દિક પટેલ તો હાજર નહોતા રહ્યા, પરંતુ તેમણે ત્યાર પત્રકાર પરિષદ કરી કોંગ્રેસને અનામત મુદ્દે પોતાનો પક્ષ સ્પષ્ટ કરવા માટે 7 નવેમ્બર સુધીનું અલ્ટિમેટન આપ્યું હતું.

Kapil Sibal

અનામત મુદ્દે કપિલ સિબ્બલે તૈયાર કર્યો રિપોર્ટ

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલાં કોંગ્રેસે હાર્દિક પટેલને અનામત મુદ્દે ચર્ચા કરવા આમંત્રણ આપ્યું હતું અને ત્યારબાદ પાસ કમિટીના સભ્યો સાથે કોગ્રેસે બેઠક કરી હતી. જેમાં કોગ્રેસે પાટીદારો સામેના તમામ કેસ પરત ખેંચવા, જવાબદાર પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી કરવી, મૃતકોના પરિવારજનોને રૂપિયા 35 લાખની આર્થિક સહાય કરવી તેમજ સરકારી નોકરી આપવાની માંગણીઓ સ્વીકારી હતી. જ્યારે અનામત મુદ્દે દિલ્હી ખાતે કાયદાકીય સલાહ લઇને નિર્ણય લેવાનું નક્કી કર્યું હતું. જે સંદર્ભમાં કપિલ સિબ્બલે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીને અને તેમના રાજકીય સલાહકાર અને રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલને અનામતની શક્યતા અંગે રિપોર્ટ સોપ્યો હતો. આ રિપોર્ટને આધારે જ બુધવારે પાસ અને કોંગ્રેસની મહત્વની બેઠક યોજાશે.

Hardik Patel

બેઠકમાં ભાગ નહીં લે હાર્દિક

જો કે, હાર્દિક પટેલ આ બેઠકમાં હાજર નહીં રહે તેમ પાસ કોર કમિટીના દિનેશ પટેલે વનઇન્ડિયા સાથેની વાતમાં જણાવ્યું હતું. જો કે, આ બેઠક અંગે હાર્દિક પટેલનું વલણ હકારાત્મક હોવાનુ જાણવા મળ્યું છે અને કોંગ્રેસ પણ માની રહી છે કે આ બેઠક બાદ હાર્દિક પટેલ વિધાનસભાની ચૂંટણીમાં તેમને સમર્થન જાહેર કરે તેવી શક્યતાઓ છે. ઉલ્લેખનીય છે કે, ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરે કોંગ્રેસનો ખેસ પહેરીને ભાજપને હરાવવા માટે એડીચોટીનું જોર લવાવવાની જાહેરાત કરી હતી. ત્યારે દલિત નેતા જીજ્ઞેશ મેવાણીએ પણ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરીને તેમની સાથે ભાજપ વિરૂદ્ધ પ્રચારમાં જોડાવાની જાહેરાત કરી હતી. ત્યારે જો હવે હાર્દિક પણ કોંગ્રેસ સાથે ભળી જાય તો ભાજપ માટે આ વિધાનસભાની ચૂંટણીમાં લોઢાના ચણા ચાવવા જેવી સ્થિતિ ઊભી થવાની પુરેપુરી શક્યતા છે.

English summary
Gujarat Elections 2017: Congress leaders and PAAS members to have a meeting on Wednesdat night regarding Patidar reservation.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.