રાહુલ ગાંધી આજે આવશે ગુજરાત, જાણો શું હશે તેમનો કાર્યક્રમ
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઇને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. માટે જ ચૂંટણી પહેલા આજે કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અમદાવાદની એક દિવસની મુલાકાતે આવશે. બપોરે બાર વાગ્યાની આસપાસ દિલ્હીથી રાહુલ ગાંધી અમદાવાદ એરપોર્ટ પર ઉતરશે અને ત્યાંથી રિવરફ્રન્ડ ખાતે સંવાદ કાર્યક્રમમાં હાજરી આપશે. સાથે જ તે ગુજરાતના વેપારીઓના પ્રતિનિધિ મંડળની પણ મુલાકાત કરશે. વધુમાં બપોર પછી તે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સાથે ચર્ચા વિચારણા કરીને, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પ્રતિનિધિને પણ મળશે. ઉલ્લેખનીય છે કે ગત વખતે જ્યારે રાહુલ ગાંધી ગુજરાત આવ્યા હતા ત્યારે તેમના કાફલા પર પથ્થરથી હુમલો થયો હતો. તે પછી આ વખતે તેમની સુરક્ષા માટે ગુજરાત સરકાર દ્વારા ચાંપતી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.
નોંધનીય છે કે આ જ મહિનામાં મોદી અને રાહુલ બન્ને ગુજરાતની મુલાકાત પર આવી રહ્યા છે. રાહુલ ગાંધી આજે અમદાવાદની મુલાકાતે છે. ત્યાં જ પીએમ મોદી પણ જાપનના વડાપ્રધાન સાથે 13મી સપ્ટેમ્બરના રોજ અમદાવાદ આવી રહ્યા છે. વધુમાં તે પછી પણ મોદી ગુજરાતની વધુ એક મુલાકાત આ જ મહિનામાં કરી રહ્યા છે. ત્યારે રાજ્યસભાની ચૂંટણી બાદ જ્યારે કોંગ્રેસ લડી લેવાના મૂડમાં દેખાઇ રહી છે ત્યારે જોવાનું તે રહે છે કે રાહુલ ગાંધી અમદાવાદ ખાતેના તેમના આ ભાષણમાં શું કહે છે.