Junagadh : ગિરનાર પર્વત પર ગુરુ ગોરખનાથ મંદિરમાં તોડફોડ, સંતો સમાજમાં આક્રોશ
Junagadh : જૂનાગઢના ગિરનાર પર્વત પર સ્થિત નાથ સંપ્રદાયના આસ્થાના કેન્દ્ર સમા ગુરુ ગોરખનાથ મંદિરને અજાણ્યા તત્વોએ નિશાન બનાવ્યું છે.
5,500 પગથિયાં નજીક આવેલા આ પ્રાચીન મંદિરમાં મોડી રાત્રે તોડફોડની ઘટનાથી રાજ્યભરના સંતો અને ભક્તોમાં ભારે રોષ ફેલાયો છે.

મંદિરના પૂજારી દ્વારા મીડિયાને આપવામાં આવેલી માહિતી અનુસાર, વહેલી સવારે લગભગ 4 વાગ્યાની આસપાસ ચાર અજાણ્યા શખ્સોએ આ કૃત્ય આચર્યું હતું.
આ શખ્શોએ પૂજારીના રૂમને બહારથી તાળું મારી દીધું અને ત્યારબાદ મંદિરમાં પ્રવેશ કરીને મૂર્તિઓને ખંડિત કરી તેમજ કાચ તોડી નાખ્યા. આ સિવાય પવિત્ર વસ્તુઓની પણ તોડફોડ કરીને નુકસાન પહોંચાડ્યું હતું. વહેલી સવારના ધુમ્મસના કારણે પૂજારી હુમલાખોરોના ચહેરા સ્પષ્ટપણે જોઈ શકાયા નથી.
આ ઘટના બાદ ગોરક્ષનાથ મંદિરના મહંત સોમનાથ બાપુએ આક્ષેપ કર્યો છે કે અહીંના હિન્દુ મંદિરોને અવારનવાર જૈન સંપ્રદાયના સભ્યો દ્વારા નિશાન બનાવવામાં આવ્યા છે અને આ ઘટના પણ તેના જેવી જ હોવાની શંકા વ્યક્ત કરી છે.
સંતોએ તાત્કાલિક ભાવનાથ પોલીસ સ્ટેશનમાં અરજી આપીને ગુનેગારોની ઝડપી ધરપકડ અને તેમને કડકમાં કડક સજા આપવાની માંગ કરી છે.
ઘટનાની જાણ થતાં જ જૂનાગઢ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. પોલીસ અધિક્ષક (SP) સુબોધ ઓડેદરાએ તોડફોડની ઘટનાની પુષ્ટિ કરી છે અને જણાવ્યું છે કે જિલ્લા LCB (લોકલ ક્રાઈમ બ્રાંચ) સહિત ભાવનાથ પોલીસની અનેક ટીમો દ્વારા આ કેસની તપાસ ચાલી રહી છે.
આરોપીઓની ઓળખ કરવા માટે ગિરનારની આસપાસના સીસીટીવી ફૂટેજની ઝીણવટભરી ચકાસણી અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી રહી છે.












Click it and Unblock the Notifications
