લાર્સન એન્ડ ટુબ્રો કંપની સાથે જીટીયુએ કર્યા કરાર, વિદ્યાર્થીઓને મળશે ફાયદો

Posted By: Staff
Subscribe to Oneindia News

અમદાવાદઃ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) તરફથી ઉદ્યોગજગતની મોટી કંપની લાર્સન એન્ડ ટુબ્રો સાથે વિદ્યાર્થીઓને ઇન્ટરશીપનો લાભ મળી રહે તેના માટે કરાર કરવામાં આવ્યા છે. આ કરારની વિશેષતા એ છે કે જીટીયુના ઈતિહાસમાં પહેલીવાર એન્જીનિયરીંગની વિવિધ શાખાઓ - સિવિલ એન્જીનિયરીંગ, મિકેનિકલ એન્જીનિયરીંગ અને ઇલેક્ટ્રિકલ એન્જીનિયરીંગના વિદ્યાર્થીઓને આ યોજના હેઠળ ઈન્ટર્નશીપની તકો પૂરી પાડવામાં આવશે. ફાઈનલ અને પ્રિ-ફાઈનલ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પ્રથમ તબક્કામાં 26મી ડિસેમ્બર, 2017થી આ યોજનાનો લાભ મળશે. જીટીયુના વાઇસ ચાન્સેલર પ્રો.(ડૉ) નવીન શેઠના માર્ગદર્શન હેઠળ રજીસ્ટ્રાર બીપીન ભટ્ટ અને લાર્સન એન્ડ ટુબ્રોના પ્રતિનિધિઓએ આ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. લાર્સન એન્ડ ટુબ્રો પાવર ટ્રેનિંગ ઈન્સ્ટીટ્યુટના રાજેન પંડ્યા અને શ્રીકાન્ત જૈનાપુર આ કાર્યક્રમમાં ઉપસ્થિત હતા.

gtu

જીટીયુના ચાંદખેડા કેમ્પસ ખાતે આ કરાર કરવામાં આવ્યા હતા. લાર્સન એન્ડ ટુબ્રો કંપની એન્જીનિયરીંગના વિવિધ વિભાગો માટે ટ્રેનીંગ મોડ્યુલો બનાવશે. ઈન્ટર્નશીપ દરમિયાન વિદ્યાર્થીઓને તેમના વિભાગને લગતા ટોપીક શીખવવામાં આવશે. તે ઉપરાંત ઉદ્યોગોમાં કામ કેવી રીતે કરવું તેની જાણકારી પણ આપવામાં આવશે. વિદ્યાર્થીઓને પ્રોજેક્ટ માટે ઔદ્યોગિક એકમોની મુલાકાતે પણ લઈ જવામાં આવશે. દસ દિવસની આ ઇન્ટર્નશીપ દરમિયાન પાંચ-પાંચ દિવસના બે મોડયુલ વિદ્યાર્થીઓને શીખવવામાં આવશે. કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે દસ દિવસનો ઇન્ટર્નશીપ કાર્યક્રમ આગામી ૨૬મી ડિસેમ્બરથી એલએન્ડટી પાવર ટ્રેઇનિંગ ઇન્સ્ટિટયૂટ, વડોદરા ખાતે શરૂ થશે. જીટીયુ ઓનલાઈન રજિસ્ટ્રેશન મારફતે ઇન્ટર્નશીપમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓની વિગતો મેળવશે. ફાઈનલ અને પ્રિ-ફાઈનલ વર્ષમાં જે વિદ્યાર્થીઓને ૬. ૫ સીજીપીએ કે સીપીઆઈ પોઇન્ટ હોય તેઓને આ યોજના માટે પસંદ કરવામાં આવશે. આ યોજનામાં રજિસ્ટ્રેશન કરાવનાર વિદ્યાર્થીઓએ આ ઇન્ટર્નશિપ માટે રૂપિયા 8000 વત્તા જીએસટી ફી તરીકે ચૂકવવાના રહેશે. રસ ધરાવતા વિદ્યાર્થીઓએ ફી ઓનલાઈન ભરવાની રહેશે.


લાર્સન એન્ડ ટુબ્રો કંપની તરફથી આ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને બપોરનું ભોજન અને ચા-બિસ્કીટ આપવામાં આવશે. જે વિદ્યાર્થીઓને રહેવાની વ્યવસ્થા ન હોય તેઓને એલએન્ડટી પાવર ટ્રેઇનિંગ ઇન્સ્ટિટયૂટ ખાતે વિદ્યાર્થીદીઠ રોજના રૂપિયા 400 ફી ચૂકવીને રહેવાની વ્યવસ્થા કરી આપવામાં આવશે. વિદ્યાર્થીનીઓ માટે અલગ માળે રહેવાની વ્યવસ્થા રહેશે. જીટીયુ રજીસ્ટ્રેશન કરાવતા વિદ્યાર્થીઓને અલગ-અલગ જૂથમાં મોકલવાની વ્યવસ્થા કરશે. જે વિદ્યાર્થીઓ આ ઈન્ટર્નશીપમાં હાજરી આપે તેઓની હાજરીની વિગતો વિદ્યાર્થીઓની કોલેજને મોકલવામાં આવશે. આ ઈન્ટર્નશીપને વિદ્યાર્થીઓની કોલેજમાં પણ ક્લાસરૂમની હાજરી તરીકે ગણવામાં આવશે. દરેક વિભાગમાં બેચ દીઠ બે ફેકલ્ટી મેમ્બર રહી શકશે. બહારગામથી આવતાં ફેકલ્ટી મેમ્બરોને વડોદરામાં ફી ચૂકવીને રહેવાની વ્યવસ્થા કરી આપવામાં આવશે.

English summary
GTU Engineering students will get internship by Larsen and toubro. Read more on it here.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.