• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગાંધીનગરના લેકાવાડા ખાતે ૧૦૦ એકરમાં GTUનું નવું ઇકો-ફ્રેન્ડલી કેમ્પસ આકાર લેશે

|
Google Oneindia Gujarati News

રાજ્યની સૌથી મોટી ટેક્નોલોજીકલ યુનિવર્સિટી અને ટેક્નિકલ શિક્ષણમાં દેશ- વિદેશમાં અગ્રગણ્ય યુનિવર્સિટીમાં નામના મેળવનાર ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીને (જીટીયુ) રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગર નજીક લેકાવાડા ખાતે ૧૦૦ એકર જમીન નવા બિલ્ડીંગના બાંધકામ માટે ફાળવવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં જીટીયુના નવા કેમ્પસનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે જણાવ્યુ કે, જીટીયુના નવા કેમ્પસના નિર્માણથી દેશનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ટેક્નોલોજી ક્ષેત્રે દેશને અગ્રેસર બનાવવાના "ગ્લોબલ મિશન"નું સપનું સાકાર થશે. મંત્રીએ છેલ્લા ૧૫ વર્ષમાં જીટીયુએ મેળવેલી સિદ્ધિઓની પ્રસંશા કરી હતી અને ભારત વર્ષ ૨૦૪૭માં જ્યારે આઝાદીના ૧૦૦ વર્ષ પૂરા કરે ત્યારે સર્વ ક્ષેત્રે આગળ હોય તે માટે 'ભારત સર્વપ્રથમ'નો સંકલ્પ લેવડાવ્યો હતો.

મંત્રી શાહે વિદ્યાર્થીઓને નવી શિક્ષણ નીતિના ફાયદાઓ વિશે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એ ડોક્યુમેન્ટ માત્ર નથી, પરંતુ નાગરિકોની આકાંક્ષાઓનો અરીસો છે. નવી શિક્ષણ નીતિ માત્ર પુસ્તક નથી, પણ પુસ્તકાલય છે. આ પુસ્તકાલયનો જેટલો અભ્યાસ કરશો એટલું જ્ઞાન મળશે. નવી શિક્ષણનીતિમાં ભારતીય ભાષા, કલા અને સંસ્કૃતિને પ્રાથમિકતા આપવામાં આવી છે. મોદીજીએ ટેકનોલોજીના માધ્યમથી લોકોના જીવન ધોરણ સુધારવાનું બીડું ઝડપ્યું છે. વડાપ્રધાન મોદીએ અત્યાધુનિક ટેકનોલૉજીને શિક્ષણ સાથે જોડી લોકોના જીવનધોરણ સુધાર્યા છે. નવી શિક્ષણ નીતિમાં પ્રાદેશિક ભાષાઓને મહત્વ અપાયું છે. આજે પ્રાદેશિક ભાષામાં અભ્યાસક્રમો તૈયાર થઈ રહ્યા છે. મેડિકલ ડિગ્રીનો અભ્યાસક્રમ પણ હિન્દીમાં તૈયાર કરવામાં આવ્યો છે એમ મંત્રીએ જણાવ્યું હતું.

કેન્દ્રીય મંત્રી શાહે ભારતીય અંર્થતંત્રએ સાધેલા વિકાસ વિશે જણાવતા કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે ભારતના પ્રધાનમંત્રી બન્યા ત્યારે ભારતનું અર્થતંત્ર અગિયારમાં નંબરે હતું. તેમના પ્રયાસોથી આજે ભારત વિશ્વનું પાંચમું અર્થતંત્ર બન્યું છે. મોદીએ પણ ભારતને પાંચ ટ્રિલીયન ડોલરની અર્થતંત્ર બનાવવાનો સંકલ્પ કર્યો છે જ્યારે આ સિદ્ધિ મળશે ત્યારે ભારત વિશ્વનું ત્રીજું વર્ષ અર્થતંત્ર હશે.

શાહે ઉમેર્યું કે, આ નવું તૈયાર થનાર કેમ્પસ ગ્રીન રેટીંગ ફોર ઈન્ટીગ્રેટેડ હેબિટેટ એસેસમેન્ટ અનુસાર સંપૂર્ણ ગ્રીન બિલ્ડિંગની થીમ પર બનાવવામાં આવશે. જેમાં ૧૭થી વધુ ભવનોની સ્થાપના કરવામાં આવશે. જેમાં સ્કૂલ ઑફ એન્જિનિયરીંગ, ફાર્મસી, મેનેજમેન્ટ ઉપરાંત એડમીન બિલ્ડિંગ, પરીક્ષા ભવન અને ડેટા સેન્ટર, ગર્લ્સ અને બોય્ઝ હોસ્ટેલ, અદ્યતન સેન્ટર લાઈબ્રેરી, કુલપતિ અને કુલસચીવના બંગ્લોઝ, ક્લાસ-2 અને 3 કેટેગરીના સ્ટાફ ક્વાર્ટર, કાફેટેરીયા, ફાર્મસીની રીસર્ચ સંબંધિત એનિમલ હાઉસનો સમાવેશ થશે. આ ઉપરાંત તમામ કર્મચારીઓની સુવિધા માટે એટીએમ અને પોસ્ટ ઓફિસની સુવિધા પણ પૂરી પાડવામાં આવશે.

જીટીયુના નવા કેમ્પસની વિશેષતાઓ કહેતા તેમણે ઉમેર્યું કે, વિવિધ ભવનો પર ૧૮ હજાર ચોરસ મીટરના ક્ષેત્રફળ પર સોલાર પેનલ લગાવીને સમગ્ર કેમ્પસ સોલર લાઈટથી સંચાલિત કરાશે. જેનાથી પુન:પ્રાપ્ય ઉર્જા સ્ત્રોતનો ઉપયોગ સવિશેષ પ્રમાણમાં કરીને ગ્રીન હાઉસ ઈફેક્ટ્સ અને અન્ય પ્રકૃત્તિને નુકસાનકારક પ્રવૃત્તિ પર લગામ લગાવી શકાશે. આ સમગ્ર કેમ્પસનું બાંધકામ એક જ સમયમાં બાંધવામા આવશે. વધુમાં વિદ્યાર્થીઓની સાંસ્કૃતિક પ્રવૃત્તિને વેગ મળે તે માટે અદ્યતન ઓડિટોરીયમ અને સ્પોર્ટ્સ સ્ટેડિયમ બનાવવામાં આવશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના નવા વિશાળ સંકુલના નિર્માણથી વડાપ્રધાન નરેન્દ્રભાઈએ રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓ માટે આપેલું ગ્લોબલ વિઝન સાકાર થશે. જી.ટી.યુ. રાજ્યના યુવાનોને બેસ્ટ એજ્યુકેશનલ ફેસિલિટિઝ અન્ડ વન અમ્બ્રેલા આપતી યુનિવર્સિટી છે. રાજ્યના વિવિધ ટેકનિકલ એજ્યુકેશનલ ઈન્સ્ટિટ્યુટ્સને એક પ્લેટફોર્મ પર લાવવાનું લક્ષ્ય નરેન્દ્રભાઈ મોદીએ જી.ટી.યુ.ની રચના કરી પાર પાડ્યું છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીએ કહ્યું કે જી.ટી.યુ.ના નવા કેમ્પસનું નરેન્દ્રભાઈ મોદીએ સેવેલું સ્વપ્ન આદરણીય અમિતભાઈની ઉપસ્થિતિમાં સાકાર થવા જઈ રહ્યું છે. સ્થાપના પછીનાં પંદર વર્ષમાં જી.ટી.યુ.એ અનેક સિદ્ધિઓ મેળવી છે. સફળતાના અસંખ્ય શિખરો સર કર્યાં છે.

તેમણે ઉમેર્યું કે, ગુજરાતની સ્થાપના બાદ 35 વર્ષ સુધી રાજ્યમાં માત્ર 7 યુનિવર્સિટી હતી. ગુજરાતના યુવાનોને એન્જિનિયરિંગ કે મેડિકલ ડિગ્રી માટે ઊંચી ફી-ડોનેશન આપીને બીજાં રાજ્યોમાં ભણવા જવું પડતું. આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ પરિસ્થિતિને પલટાવી રાજ્યમાં સેક્ટર-સ્પેસિફિક અને મોટી સંખ્યામાં યુનિવર્સિટીઝ ઊભી કરવાનો માર્ગ મોકળો કર્યો, જેના પરિણામે આજે ગુજરાતમાં 102 જેટલી યુનિવર્સિટીઝ યુવાઓના કારકિર્દી ઘડતરમાં કાર્યરત બની છે.

મુખ્યમંત્રીએ ગુજરાત સ્ટાર્ટ-અપ રેન્કિંગમાં સતત ત્રણ વર્ષથી પ્રથમ ક્રમાંક મેળવતું હોવાનો ઉલ્લેખ કરી રાજ્યના યુવાનોમાં અભિપ્રેત ઈનોવેશન અને સ્ટાર્ટઅપ કરવાની વૃત્તિને બિરદાવી હતી. જી.ટી.યુ. ઈનોવેશન અને સ્ટાર્ટઅપ માટે યુવાનોને ઉત્તમ પ્લેટફોર્મ પૂરું પાડતી હોવાનો મત તેમણે વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઈના માર્ગદર્શનને લીધે ગુજરાતની વિકાસયાત્રા કોઈ પણ કપરી પરિસ્થિતિમાં અટકી નથી. ગુજરાત વિકાસનું રોલમોડેલ બન્યું છે. ગુજરાતના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર સતત સેવારત છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

જી.ટી.યુ.ના વિદ્યાર્થીઓ ઈનોવેશન અને ટેક્નોલોજી દ્વારા આત્મનિર્ભર ગુજરાતનું નિર્માણ કરી આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવામાં અગ્રેસર રહેશે એવો વિશ્વાસ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો.

જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે, ગુજરાતમાં પણ વિશ્વની સર્વશ્રેષ્ઠ ટેક્નિકલ યુનિવર્સિટી બનાવવાના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના લક્ષ્યને સાકાર કરવા માટે જીટીયુ કટિબદ્ધ છે. જીટીયુના નવા બિલ્ડીંગનું બાંધકામ આગામી બે વર્ષની સમય મર્યાદામાં પરિપૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે. રાજ્ય સરકાર દ્વારા આ ભવનના બાંધકામ માટે રૂ.૨૭૫ કરોડની ગ્રાન્ટ જીટીયુને આપવામાં આવી છે. નવીન આકાર પામનાર આ કેમ્પસ ગ્રીન બિલ્ડિંગની થીમ પર બનાવવામાં આવનાર છે જેમાં અંદાજીત ૫ હજારથી વધુ વૃક્ષોથી આચ્છાદિત હશે. જેમાં લિમડો, પીપળો, વડ, બોરસલી, ગુલમહોર, આંબલી જેવા વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. આ ઉપરાંત બે હજાર સ્ક્વેર મીટરના ક્ષેત્રફળમાં આયુર્વેદીક ઔષધી પ્લાન્ટ પણ વાવવામાં આવશે. જેમાં અરડૂસી, અશ્વગંધા, આમળા, ગીલોય અને જાંબુ જેવા ઔષધીય છોડનું પણ વાવેતર કરવામાં આવશે. ૧૦૦ ટકા શુદ્ધ અને પ્રદૂષણમુક્ત પ્રાકૃતિક વાતાવરણ મળી રહે તે માટે કોમન પાર્કિંગ રખાવીને સમગ્ર કેમ્પસમાં પરિવહન માટે ૨.૫૦ કિમીનો સાયકલ ટ્રેક બનાવવામાં આવશે.

આ પ્રસંગે શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી, રાજ્ય શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર તેમજ ઉદ્યોગ રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્મા સહિતના મહાનુભાવો ઉપરાંત શિક્ષણ વિભાગના અગ્ર સચિવ એસ.જે.હૈદર, જીટીયુના રજિસ્ટ્રાર ડી.એન.ખેર વિવિધ યુનિવર્સિટીના કુલપતિઓ, શિક્ષણવિદો, પ્રાધ્યાપકો તેમજ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

English summary
GTU's new eco-friendly campus will take shape on 100 acres at Lekawada, Gandhinagar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X