For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઊર્જા અને ઉદ્યોગ ક્ષેત્રે ગુજરાત નં-1 છે અને હંમેશાં રહેશેઃ સૌરભ પટેલ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

narendra-modi-gujarat-cm
ગાંધીનગર, 13 માર્ચ: ઊર્જા અને ઉદ્યોગ ક્ષેત્રે ગુજરાત રાજ્ય નંબર-વન છે અને રહેશે. અનેક નીતિઓ અને દીર્ઘદ્રટિને કારણે ગુજરાત અન્ય રાજ્યો કરતાં આ ક્ષેત્રમાં પાંચ થી દસ વર્ષ આગળ છે. ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી સૌરભ પટેલે જણાવ્યું હતું કે, અત્યારે ગુજરાતની સ્થાપિત વીજ ઉત્પાદન ક્ષમતા ૧૬,૮૦૮ મેગાવોટ છે. વર્ષ ર૦૧ર-૧૩ના બાકીના સમયમાં તેમાં ૧૪પ૧ મે.વો. ઉમેરાશે. વર્ષ ર૦૧૩-૧૪માં બીજા ૧,૯૮૬ મેગાવોટ અને વર્ષ ર૦૧૪-૧પમાં પ૦૦ મેગાવોટ વીજ ક્ષમતા ઉમેરાતાં વર્ષ ર૦૧પમાં ગુજરાતની સ્થાપિત વીજ ઉત્પાદન ક્ષમતા પરંપરાગત સ્ત્રોતથી ૨૧,૧૦૬ મેગાવોટ થઇ જશે. અન્ય ૪,૮૭૩ મેગાવોટ બિનપરંપરાગત ઊર્જાની પણ ગણતરી કરીએ તો ગુજરાત રપ,૯૭૯ મેગાવોટની વીજ ઉત્પાદન ક્ષમતા ધરાવતું દેશનું અગ્રેસર રાજ્ય બનશે.

રાજ્ય વિધાનસભા ગૃહમાં ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગની અંદાજપત્રીય માંગણીઓ પરની ચર્ચાનો જવાબ આપતાં મંત્રી સૌરભ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે ખેડૂતોને વાર્ષિક એક લાખ નવા વીજ જોડાણો આપવાનો લક્ષ્યાંક રાખ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, નાણાંકીય વર્ષ ૧૯૯૬-૯૭માં રાજ્યમાં માત્ર રર,૭૦૬ ખેડૂતોને વીજજોડાણો આપવામાં આવ્યા હતા. જયારે તેની સામે ગત નાણાંકીય વર્ષમાં ૭૦ હજાર ખેડૂતોને વીજ જોડાણો આપ્યા હતાં. આટલાથી આ રાજ્ય સરકાર અટકી નથી. ચાલુ નાણાંકીય વર્ષ ર૦૧ર-૧૩માં ખેડૂતોને એક લાખ વીજ જોડાણ આપવાના લક્ષ્યાંક સામે ૯૪,૦૦૦ વીજ જોડાણો અત્યાર સુધીમાં અપાઇ ગયા છે.

રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને અપાતી સબસીડી અંગે બોલતાં તેમણે જણાવ્યું હતું કે, દર વર્ષે સબસીડીની રકમમાં રૂા. ૩૦૦ થી ૪૦૦ કરોડનો વધારો થતો હોવા છતાં ગુજરાત સરકાર ખેડૂતોને સબસીડી આપે છે. કેન્દ્ર સરકારની નીતિ અને કોલસાના વધતા જતા ભાવોને કારણે વીજ ઉત્પાદન ખર્ચ વધતો જાય છે. જે ગ્રાહકો પાસેથી ફયુઅલ કોસ્ટ તરીકે વસુલાય છે. હાલમાં તે રૂા. ૧.૧૮ પ્રતિ યુનિટ છે. પરંતુ ખેડૂતો વતી તે બોજ સરકાર ઉપાડે છે અને ખેડૂતોને સસ્તી વીજળી આપી રહેલ છે. સબસીડીની રકમમાં વધારો થાય છે. ગુજરાત ભાવવધારો વેઠીને પણ પ્રતિ યુનિટ રૂા. ૧.૧૮ પૈસા લેખે ખેડૂતોને વીજળી આપી રહી છે.

ઊર્જા રાજ્ય મંત્રી સૌરભ પટેલે ઉમેર્યું કે, છેલ્લા ૪૦ વર્ષમાં ઘરવપરાશ, ઉદ્યોગ અને ખેડૂતો તેમજ અન્ય માટે વીજવપરાશના ફીડરો કોમન રહેતા હતા. આજે શ્રેષ્ઠ વીજ વ્યવસ્થાપનના કારણે રાજ્ય સરકારે કૃષિ, ઘરવપરાશ અને ઉદ્યોગોના ફીડરો સબસ્ટેશનમાં અલગ કર્યા છે. ખેડૂતોને પૂરતા પ્રમાણમાં આજે જોઇએ એટલી ગુણવત્તાસભર વીજળી સરકાર આપી રહી છે. સબ સ્ટેશનોમાં ખેતી, ઘરવપરાશ અને ઉદ્યોગો માટે વપરાતા વીજળીના ફીડરો અલગ રાખીને સંપૂર્ણ વ્યવસ્થા કોમ્પ્યુટરાઇઝડ કરી દેવાઇ છે. દરરોજ ૭ કરોડ યુનિટથી વધુ સરેરાશ વીજ યુનિટ ખેડૂતોને પૂરાં પાડવામાં આવે છે.

રાજ્ય સરકારે ડાર્કઝોન ઉઠાવી લેવાનો મહત્વાકાંક્ષી નિર્ણય કર્યો છે. જેના પરિણામ સ્વરૂપ આ વિસ્તારમાં ૧૦,૧૧૩ જેટલા વીજકનેકશનો ખેડૂતોને આપવામાં આવ્યા છે. આદિવાસી વિસ્તારમાં ૧૯૮૦-૧૯૯પના ૧પ વર્ષમાં માત્ર ૧૩,૦૦૦ જેટલા જ વીજકનેકશનો અપાયા હતા. જયારે છેલ્લા ૧૩ વર્ષમાં પ્રવર્તમાન સરકારે એક લાખ જેટલા કનેકશનો પૂરા પાડયા છે.

સૌરભ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે વીજ વ્યવસ્થાપનમાં પ્લાંટ લોડ ફેકટરને પણ મહત્વ આપ્યું છે. જેના કારણે વીજ એકમોની મહત્તમ ક્ષમતાનો ઉપયોગ થઇ શકે. તેમણે જણાવ્યું હતું કે, ગાંધીનગર વીજ એકમમાં ૯પ ટકા પ્લાંટ લોડ ફેકટરને ૯૭ ટકા સુધી લઇ જવાયો છે. આ જ રીતે વણાંકબોરી વીજ મથકમાં પ્લાંટ લોડ ફેકટર ૭પ ટકાથી ૮૪ ટકા અને ૯ર ટકા થી ૯૮ ટકા સુધી લઇ જવાયો છે. સૌરભ પટેલે જણાવ્યું હતું કે, ગેસના અભાવે આપણા વીજ એકમોનું ૮૮ ટકા જેટલું ઉત્પાદન ઠપ્પ છે. આમ છતાં આપણે પ્રજા ઉપર વીજળી કાપનું ભારણ પડવા દીધું નથી. આ ગુજરાતનું શ્રેષ્ઠ વીજ વ્યવસ્થાપન છે, શ્રેષ્ઠ આયોજન છે.

સૌરભ પટેલે વીજ ખરીદીની ગુજરાત રાજ્યની પદ્ધતિને દેશભરમાં નમૂનેદાર ગણાવી ઉમેર્યું હતું કે, કેન્દ્ર સરકારની નીતિ મુજબ કેન્દ્ર સરકારે જ દરેક રાજ્યોને લાંબાગાળાના આયોજનથી વીજળી મેળવવાનું જણાવ્યું છે અને એટલે જ ગુજરાતે પાવર પર્ચેઝ કરાર અંતર્ગત લાંબાગાળાના અને સસ્તા દરે વીજળી ખરીદી છે. સૌરભ પટેલે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્ર રાજ્યે જે વીજળી રૂા. ૩.ર૮ અને રૂા. ૩.રપના પ્રતિ યુનિટના દરે અને રાજસ્થાને રૂા. ૩.ર૪ના પ્રતિ યુનિટે જે વીજળી ખરીદી હતી, તે જ ખાનગી કંપની પાસેથી ગુજરાતે પાવર પર્ચેઝ કરાર અંતર્ગત રૂા. ર.૩પ અને રૂા. ર.૮૯ જેટલા નીચા ભાવે વીજળી ખરીદી છે. સૌરભ પટેલે જણાવ્યું હતું કે, આવનારા દિવસોમાં વીજળીની અછત એ મુખ્ય મુદ્દો નહીં હોય, પરંતુ પાણી એ મુખ્ય પ્રશ્ન હશે. તેમણે સહુ ખેડૂતોને ખેતી માટે ટપક પદ્ધતિ અપનાવવાનો અનુરોધ કર્યો હતો.

English summary
Gujarat will always stay no 1 in solar and industries sector says Saurabh Patel in assembly.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X