કોંગ્રેસ પોતાના 57 MLA પણ સાચવી નથી શકી: નિર્મલા સીતારમણ

Written By:
Subscribe to Oneindia News

એક તરફ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ શુક્રવારથી ફરી એકવાર ગુજરાતમાં ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી, તો બીજી બાજુ ભાજપ તરફથી કેન્દ્રિય રક્ષા મંત્રી નિર્મલા સીતારમણ પણ પ્રચાર અર્થે અમદાવાદ આવી પહોંચ્યા હતા. અહીં તેમણે પત્રકાર પરિષદનું સંબોધન કર્યું હતું અને રાહુલ ગાંધી તથા કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે રાહુલના હાથમાંથી મૂર્તિ સરકી જવાની ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, 'હવે જ્યારે ચૂંટણી પ્રચારનો છેલ્લો તબક્કો શરૂ થયો છે, ત્યારે હું સૌનું ધ્યાન એ તરફ દોરવા માંગું છું કે, રાહુલ ગાંધીને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ પ્રચારના શરૂઆતના તબક્કા દરમિયાન કેટલાક સવાલો પૂછ્યા હતા અને કોંગ્રેસ કે રાહુલ ગાંધી તરફથી એ એક પણ સવાલનો જવાબ આપવમાં નથી આવ્યો.'

nirmala sitharaman

'કોંગ્રેસ પોતાના ધારાસભ્યો પણ સાચવી નથી શકી'

તેમણે આગળ કહ્યું કે, 'રાહુલ ગાંધી માત્ર નવા-નવા પ્રશ્નો કરે છે, પરંતુ એમને જ્યારે સવાલ કરવામાં આવે ત્યારે જવાબ નથી આપતા. ક્યાં તો એમને પ્રશ્નો સંભળાતા નથી અને ક્યાં તો એની તરફ ધ્યાન જ નથી આપતા. એમના પક્ષના સ્ક્રિપ્ટ રાઇટ જે લખી આપે એ આવીને વાંચી જાય છે. વિપક્ષ તરીકે એમનું કામ માત્ર પ્રશ્નો પૂછવાનું નથી, સત્તાધારી પક્ષની માફક જ વિપક્ષને પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે જવાબ આપવાની જવાબદારી વિપક્ષની પણ છે. વર્ષ 2012માં કોંગ્રેસ પાસે 182 બેઠકમાંથી માત્ર 57 બેઠક હતી. 2012માં ગુજરાતની જનતાએ એમને ત્રીજી-ચોથી વાર નકાર્યા. પાંચ વર્ષની અંદર તેમના 57 ધારાસભ્યોમાંથી આજે 43 રહી ગયા છે. આ પાંચ વર્ષમાં વિપક્ષનો રોલ એટલો મજબૂત હોવો જોઇતો હતો કે, જનતા તેમને માત્ર વિપક્ષ તરીકે નહીં, પરંતુ સરકાર બનાવવા માટે મજબૂત પાર્ટી તરીકે જુએ. પોતાના ધારસભ્યોને સાચવવા એમને ભારે પડ્યા છે, આથી જ બેંગ્લોર લઇ જવા પડ્યા. 57 ધારાસભ્યો જે ન સાચવી શક્યા, એ એક જવાબદાર વિપક્ષની ઇમેજ લોકોના મનમાં કઇ રીતે ઊભી કરી શકશે. જવાબદાર વિપક્ષ તરીકે એમણે શું કર્યું? પૂરની પરિસ્થિતિમાં ધારાસભ્યો જતા રહ્યા બેંગ્લોરના રિસોર્ટમાં રહેવા. જનતાને રઝળતી મૂકી દીધી અને હવે ચૂંટણી સમયે ખોટી વાતો ફેલાવી મત માંગે છે. આ રીત છે? જ્યારે કેન્દ્રમાં યુપીએની સરકાર હતી ત્યારે તેમણે ગઢૂલી-પાટણથી સાતલપુર જતા 32 કિમીના રોડને નેશનલ હાઇવે ન બનવા દીધો. પર્યાવરણનું કોઇ કારણ આપીને યોજના રોકી. આ છે વિપક્ષનું કામ?'

'એક મૂર્તિ પણ બરાબર પકડી નથી શકતા..'

શુક્રવારે સવારે રાહુલ ગાંધી જ્યારે પોરબંદર પહોંચ્યા ત્યારે સરદાર કે મહાત્મા ગાંધીની મૂર્તિની પ્રતિકૃતિ આપીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન એ પ્રતિકૃતિ રાહુલના હાથમાંથી પડતા બચી હતી. આ ઘટનાનો ઉલ્લેખ કરતાં નિર્મલા સીતારમણે કહ્યું કે, 'આજની જ નાનકડી ઘટના જોઇએ. જો કે એને ગંભીરતાથી ના લેવી જોઇએ, કોઇનો પણ હાથ લસરી શકે છે. માટે એને વધુ પ્રોત્સાહન નહીં આપું. પરંતુ એમને કાર્યક્રમમાં જ્યારે એક મહાપુરૂષની મૂર્તિ આપવામાં આવે છે ત્યારે બરાબર પકડવી જોઇએ, જવાબદારીની ભાવના સાથે લેવી જોઇએ. મૂર્તિ લીધી અને બાજુમાં કોઇને આપી દીધી, બસ પતી ગયું. આ ઘટના પરથી એમણે સરદાર પટેલ સાથે કરેલ વર્તન મને યાદ આવે છે. આજ સુધી કોંગ્રેસ સરદારને પૂરા મનથી સ્વીકારી નથી શકી અને એ વાત તેમના વાણી-વર્તનમાં દેખાય છે.'

English summary
Gujarat Election 2017: Finance Minister Nirmala Sitharaman addressed Press Conference at Ahmedabad.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.