અનામત અંગે પાસ અને કોંગ્રેસ જાણે: કપિલ સિબ્બલ

Written By:
Subscribe to Oneindia News

શુક્રવારે પાસ કોર કમિટિના સભ્યો કોંગ્રેસ સાથે અનામત મુદ્દે આખરી બેઠક કરવા માટે દિલ્હી ગયા હતા. આખો દિવસ રાહ જોયા છતાં, બેઠક ન થતા પાસ કન્વીનર દિનેશ બાંભણિયાએ કોંગ્રેસને 24 કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું. ત્યાર બાદ શનિવારે સવારે હાર્દિક પટેલે કહ્યું હતું કે, કોઇ ગેરસમજને કારણે આમ થયું છે. આજે અમારા પાસ કોર કમિટિના સભ્યો કોંગ્રેસ સાથે મુલાકાત કરવા વડોદરા જનાર છે અને ત્યાં અંતિમ નિર્ણય લેવાશે. પરંતુ એવું કંઇ થયું નહીં. કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલ શનિવારે બપોરે વડોદરા આવી પહોંચ્યા હતા, તેમની સાથે પાસની બેઠક થાય એવી સંભાવનાઓ હતી.

kapil sibal

'પાસના અલ્ટિમેટમ વિશે મને જાણ નથી'

વડોદરા પહોંચેલ કપિલ સિબ્બલે પહેલા જ જણાવ્યું હતું કે, તેઓ વડોદરા પ્રચાર કરવા આવ્યા છે અને પાસ સાથેની બેઠક અંગે કંઇ નક્કી નથી. પાસ કોર કમિટિના સભ્યો પણ વડોદરા પહોંચ્યા હતા, પરંતુ તેમની કપિલ સિબ્બલ સાથે મુલાકાત થઇ નહોતી. વળી, કપિલ સિબ્બલે એમ પણ જણાવ્યું હતું કે, પાસના અલ્ટિમેટમ વિશે મને કંઇ ખબર નથી. અનામત અંગે પાસ અને કોંગ્રેસ જાણે. મેં મારું કર્તવ્ય નિભાવ્યું, અનામત અંગે બંધારણીય સૂચન આપી દીધું. આ સમગ્ર ઘટના બાદ હવે પાસ અને હાર્દિક પટેલ શું પગલું લે છે, એ જોવાનું રહે છે.

જ્યારે પાસ કોર કમિટિ પહોંચી દિલ્હી...

ઉલ્લેખનીય છે કે, દિનેશ બાંભણિયા સહિતના પાસ કોર કમિટિના સભ્યો શુક્રવારે સવારથી જ દિલ્હી પહોંચી ગયા હતા. અહીં સાંજ સુધી રાહ જોયા છતાં પણ તેમની કોંગ્રેસ સાથે બેઠક થઇ નહોતી. ત્યાર બાદ દિનેશ બાંભણિયાએ કોંગ્રેસને અલ્ટિમેટમ આપતા જણાવ્યું હતું કે, કોંગ્રેસે બેઠકના નામે મજાક કરી છે. સવારથી કોંગ્રેસ કાર્યાલય પર બેસાડી રાખ્યા પરંતુ મુલાકાત ન કરી. છેક સાંજે ભરતસિંહ સોલંકી અને અશોક ગેહલોત અમને મળ્યા અને જણાવ્યું કે, હાઇકમાન્ડ આગળ રજૂઆત કર્યા બાદ તમને મળીશું. પરંતુ તેઓ અમને મળવા જ ન આવ્યા અને ભરતસિંહ સોલંકી ફ્લાઇટ પકડી અમદાવાદ પરત ફરી ગયા. આ અમારું અપમાન છે. કોંગ્રેસને અનામત મુદ્દે 24 કલાકનું અલ્ટિમેટમ આપીએ છીએ, સ્ટેન્ડ ક્લિયર કરે નહીં તો રાજ્યમાં ભાજપની માફક કોંગ્રેસનો પણ વિરોધ થશે.

શું કહ્યું ભરતસિંહ સોલંકી અને અશોક ગેહલોતે?

પાસના અલ્ટિમેટમ બાદ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી શુક્રવારે રાત્રે જ્યારે અમદાવાદ પરત ફર્યા ત્યારે તેમણે મીડિયાને માત્ર એટલું જ કહ્યું હતું કે, પાટીદારો માટે તેમને માન છે. પાસ સાથેની બેઠક કે અલ્ટિમેટમ અંગે તેમણે મૌન સાધ્યુ હતું. તો ચૂંટણી પ્રભારી અશોક ગેહલોતે આ અંગે જણાવ્યું હતું કે, પાસ સાથેની વાતચીતની જવાબદારી ભરતસિંહ અને સિદ્ધાર્થ પટેલને સોંપવામાં આવી છે. પાસના કન્વીનરોનો દિલ્હી કોણે બોલાવ્યા, ક્યારે આવ્યા એ મને ખબર નથી. પાસના કન્વીનરો અને હાર્દિક પટેલનું હું અને સમગ્ર કોંગ્રેસ પક્ષ સન્માન કરે છે. ભરતસિંહ સોલંકી વ્યસ્ત હતા, આથી કોમ્યુનિકેશન ગેપ થયો હશે.

English summary
Gujarat Election 2017: Congress leader Kapil Sibal says, he has no idea about PAAS ultimatum.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.