‘હું કૅપ્ટન છું...’ બાપૂએ સાબિત પણ કરી આપ્યું !
અમદાવાદ, 20 ડિસેમ્બર : ‘હું કૅપ્ટન છું. હું કૅપ્ટન છું.' આ વાક્ય છે ગુજરાતના રાજકારણમાં બાપૂના હુલામણા નામે પ્રસિદ્ધ શંકરસિંહ વાઘેલાના. ગુજરાતના ચુંટણી અભિયાન દરમિયાન કોંગ્રેસ સેનાપતિ વિહોણી જ રહી અને છેલ્લે-છેલ્લે જ્યારે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કૅપ્ટન મુદ્દે પડકાર ફેંક્યો, તો બાપૂ સામે આવ્યાં અને તેમણે જાહેર કર્યું કે હું છું કોંગ્રેસનો કૅપ્ટન.

પરંતુ આજના ચુંટણી પરિણામોએ સાબિત કરી આપ્યું કે વાઘેલા સાચે જ કૅપ્ટન છે. કોંગ્રેસે વાઘેલાના હુંકાર બાદ પણ ભલે તેમને કૅપ્ટન તરીકે જાહેર ન કર્યાં, પરંતુ પ્રજાએ જે રીતે વાઘેલા સિવાયની કોંગ્રેસની આખી ફ્રંટ લાઇન સાફ કરી નાંખી, તે જોતાં સ્પષ્ટ જ છે કે વ્યક્તિકેન્દ્રી પ્રહાર કરનાર કોંગ્રેસના તમામ નેતાઓ એવા અર્જુન મોઢવાડિયા, શક્તિસિંહ ગોહિલ અને સિદ્ધાર્થ પટેલને પ્રજાએ નકાર્યાં, પરંતુ વાઘેલાનો સાથ કપડવંજે ન છોડ્યો અને આ રીતે વિધાનસભામાં હવે કોંગ્રેસના નેતૃત્વનો ભાર ન છુટકે કોંગ્રેસે વાઘેલાને જ સોંપવો પડશે.
આમ જોવા જઇએ તો આગામી તેરમી વિધાનસભામાં નિઃશંકપણે વાઘેલાને જ વિરોધ પક્ષના નેતા બનાવાય. આ રીતે વાઘેલા ભલે મુખ્યમંત્રી તરીકેના કૅપ્ટન ન બની શક્યાં હોય, પરંતુ હવે કોંગ્રેસે વિધાનસભામાં તો તેમને કૅપ્ટન તરીકે જાહેર કરવાં જ પડશે.












Click it and Unblock the Notifications
