For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

2 દાયકામાં ગુજરાતે સફળતાપૂર્વક ઊભું કર્યું મજબૂત આરોગ્ય માળખું

2 દાયકામાં ગુજરાતે સફળતાપૂર્વક ઊભું કર્યું મજબૂત આરોગ્ય માળખું

By Desk
|
Google Oneindia Gujarati News

તંદુરસ્ત અને સ્વસ્થ સમાજ એક વિકસિત રાષ્ટ્રની રચના કરી શકે છે. દેશના અને રાજ્યના વિકાસમાં તેના નાગરિકોનું આરોગ્ય ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના દીર્ઘદ્રષ્ટિપૂર્ણ નેતૃત્વમાં રાજ્યના તમામ નાગરિકોને શ્રેષ્ઠ આરોગ્ય સુવિધાઓ સરળતાથી ઉપલબ્ધ થાય તે માટે ગુજરાતમાં એક મજબૂત આરોગ્ય માળખું વિકસિત કરવામાં આવ્યું છે.

Health

ગુજરાતમાં તમામ નાગરિકોને પ્રાથમિક તેમજ ઉચ્ચ સ્તરીય આરોગ્ય સુવિધાઓ તેમના ઘરઆંગણે મળી શકે તે માટે રાજ્યમાં આરોગ્ય અને તબીબી સુવિધાઓનું એક વિશાળ નેટવર્ક ઊભું કરવામાં આવ્યું છે. ખાસ કરીને રાજ્યના ગ્રામ્ય વિસ્તારો અને શહેરી ક્ષેત્રોના ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં વસતા ગરીબ અને આર્થિક રીતે નબળા વર્ગના લોકોની આરોગ્ય સુખાકારી પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.

ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને આજે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 6.5 કરોડ ઉપરાંત ગુજરાતીઓના સ્વાસ્થ્યમાં ગુણવત્તાસભર સુધારો લાવવા કામગીરી કરીને સ્વસ્થ ગુજરાત, સમૃદ્ધ ગુજરાતના મંત્રને આત્મસાત્ કર્યો છે. તેમણે દર્શાવેલા પથ પર આગળ વધીને આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર ગુજરાતના આરોગ્ય ક્ષેત્રને વધુ સુદ્રઢ બનાવવા માટે અનેક નવા નિર્ણયો, યોજનાઓ અને પહેલો હાથ ધરી રહી છે.

આરોગ્ય ક્ષેત્રે ગુજરાતને મળી વૈશ્વિક કક્ષાની સુવિધાઓ

ગુજરાતમાં આજે યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર, ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડીસિઝ એન્ડ રિસર્ચ સેન્ટર, ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને એમ એન્ડ જે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપ્થેલ્મોલોજી જેવી પ્રસિદ્ધ હોસ્પિટલોનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેના થકી રાજ્યના તેમજ દેશના અન્ય રાજ્યના નાગરિકોને વૈશ્વિક કક્ષાની આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ થઈ રહી છે. હવે, ગુજરાતના રાજકોટમાં AIIMS જેવી અદ્યતન હોસ્પિટલનું નિર્માણ થઈ રહ્યું છે, જ્યાં નાગરિકોને 750 બેડ સાથે અત્યાધુનિક આરોગ્ય સુવિધાઓનો લાભ મળશે.

અદ્યતન હોસ્પિટલો ઉપરાંત, ગુજરાતમાં અંતરિયાળ વિસ્તારોના લોકોને ઉત્તમ આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટરો પણ ઊભા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ યોજના અંતર્ગત ગુજરાતમાં 3૦૦થી વધુ જન ઔષધિ કેન્દ્રો કાર્યરત છે. આ કેન્દ્રો ઉપર જીવન જરૂરી 1600થી વધુ દવાઓ અને 250 જેટલી સર્જિકલ વસ્તુઓ નજીવી કિંમતે મળે છે.

પરંપરાગત દવાઓના ક્ષેત્રમાં પણ ગુજરાત એક ડગલું આગળ વધ્યું છે. ગુજરાતના જામનગર ખાતે WHOનું વિશ્વનું સૌથી પહેલું ટ્રેડીશનલ મેડીસીન સેન્ટર શરૂ થવા જઈ રહ્યું છે. ગુજરાત આજે રાજ્યમાં મેડિકલ ટુરિઝમ વિકસિત કરવાની આગળ વધી રહ્યું છે.

નિઃશુલ્ક રસીકરણ અભિયાનથી કોરોના મહામારી સામે ભીડી બાથ

કોરોના મહામારીથી લોકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે સ્વદેશી રસીની શોધ કરવામાં આવી. આ સ્વદેશી રસી તબક્કાવાર દેશના તમામ નાગરિકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવી છે. વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ દેશમાં શરૂ કરવામાં આવેલા નિ:શુલ્ક સામૂહિક રસીકરણ અભિયાનમાં ગુજરાતે સીમાચિહ્નરૂપ કામગીરી કરી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 12.71 કરોડથી વધુ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત, 1.79 કરોડથી વધુ લોકોને પ્રિકોશન ડોઝ પણ આપવામાં આવ્યા છે. 28 લાખ 51 હજારથી વધુ બાળકોનું પણ કોરોના સંદર્ભે રસીકરણ કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત, ગુજરાતમાં 'હર ઘર દસ્તક' કાર્યક્રમ દ્વારા ઘર આંગણે રસીકરણ તેમજ 'મારું ગામ કોરોના મુક્ત ગામ' તેમજ 'મારો વોર્ડ કોરોના મુકત વોર્ડ' જેવા અભિયાનોનું સફળ અમલીકરણ કરવામાં આવ્યુ છે.

તબીબી શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે ગુજરાત સરકારની અસરકારક કામગીરી

રાજ્યના નાગરિકોને ઘરઆંગણે જે તબીબી શિક્ષણ મળી રહે તે માટે મેડિકલ ક્ષેત્રની બેઠકો વધારવામાં આવી છે. રાજ્યમાં એમબીબીએસની બેઠકોમાં 2770 અને પીજીની બેઠકોમાં 590 બેઠકોનો વધારો કરવામાં આવ્યો છે. છેલ્લા 8 વર્ષોમાં રાજ્યમાં 12 નવી મેડિકલ કોલેજોને મંજૂરી આપવામાં આવી છે.

આ ઉપરાંત, રાજયમાં તબીબી શિક્ષણ હસ્તક 6 સરકારી મેડીકલ કોલેજો, 6 શૈક્ષણિક હોસ્પિટલો, 2 સરકારી ડેન્ટલ કોલેજો અને સલંગ્ન હોસ્પિટલો, 1 એમ એન્ડ જે ઇન્સ્ટીટયુટ ઓફ ઓપ્થોલ્મોલોજી, 1 ગવર્મેન્ટ સ્પાઇન ઇન્સ્ટીટયુટ, 5 સરકારી ફીઝીયોથેરાપી કોલેજો, 8 જીએમઇઆરએસ મેડીકલ કોલેજો, 8 જીએમઇઆરએસ હોસ્પિટલો, 3 ગ્રાન્ટ ઇન એઇડ -સુપરસ્પેશ્યાલીટી હોસ્પિટલો (ઇન્સ્ટીટયુટ ઓફ કીડની ડીસીઝ એન્ડ રીસર્ચ સેન્ટર, યુ.એન.મહેતા ઇન્સ્ટીટયુટ ઓફ કાર્ડીયોલોજી અને ગુજરાત કેન્સર અને રીસર્ચ ઇન્સ્ટીટયુટ) તેમજ 8 સરકારી નર્સીંગ કોલેજો કાર્યરત છે.

આમ, રાજ્યમાં કુલ 48 સરકારી સંસ્થાઓ તબીબી શિક્ષણ ક્ષેત્રમાં સક્રિય રીતે વિધાર્થીઓને સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસક્રમની તાલીમ પુરી પાડવા સાથે દર્દી લક્ષી વિશિષ્ટ સેવાઓ પુરી પાડે છે.

પ્રધાનમંત્રી જન-આરોગ્ય યોજના હેઠળ 2 કરોડ 68 લાખ નાગરિકોને આરોગ્ય કવચ

આજે ગુજરાતમાં તમામ આરોગ્ય સુવિધાઓ છેવાડાના વિસ્તારો સુધી ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત આરોગ્ય મેળાની શરુઆત કરવામાં આવી છે જેમાં દેશના 6,000 જેટલાં તાલુકાઓ અને ગ્રામ્ય સ્તરે સફળતાપૂર્વક આરોગ્ય મેળાઓ યોજીને નાગરિકોને આરોગ્ય વિષયક સુવિધાઓ અને સેવાઓ સરળતાથી પહોંચાડવામાં આવી છે. આ યોજના હેઠળ 1.48 કરોડ PM-JAY MA કાર્ડ આપવામાં આવ્યા છે, જેના દ્વારા 2.68 કરોડ લોકોને 5 લાખ સુધીનું આરોગ્ય કવચ પૂરું પાડવામાં આવ્યું છે.

માતાઓ અને બાળકોના પોષણ માટે સ્વાસ્થ્ય યોજનાઓનો અમલ

તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતની મહિલાઓ અને બાળકોના સ્વાસ્થ્યની હંમેશાં દરકાર કરી હતી, અને તે સંદર્ભે અનેક યોજનાઓ અમલી બના હતી. તેમના નેતૃત્વમાં સગર્ભા માતાઓનું ડિજિટલાઈઝ્ડ સ્વાસ્થ્ય રેકર્ડ કરનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે. રાજ્ય સરકારના 20 વર્ષોના અથાક પ્રયાસોથી હોસ્પિટલમાં પ્રસૂતિની ટકાવારી આજે 99.5 ટકા પર પહોંચી છે, જેના કારણે માતા-બાળ મૃત્યુ દરમાં ધરખમ ઘટાડો થવા પામ્યો છે.

આ સાથે જ મહિલાઓની સગર્ભાવસ્થા અને બાળજન્મ પછીની ધાત્રી અવસ્થામાં માતા અને બાળ સ્વાસ્થ્ય માટે જરૂરી આરોગ્ય અને પોષણ આપતી યોજનાઓનો ગુજરાતમાં અસરકારક અમલ કરવામાં આવ્યો છે.

કસ્તૂરબા પોષણ સહાય યોજના (KPSY) અંતર્ગત સગર્ભાવસ્થામાં એનીમિયા અને કુપોષણનું પ્રમાણ ઘટાડી માતા મરણમાં ઘટાડો કરવા અત્યાર સુધીમાં કુલ 25,43,622 લાભાર્થીઓને રૂ.508.72 કરોડની સહાય આપવામાં આવી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં તાજેતરમાં ગર્ભવતી માતા અને તેના નવજાત શિશુની 1000 દિવસની સંભાળ લેતી મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના શરૂ કરવામાં આવી છે. આ સાથે જ સગર્ભા અને ધાત્રી માતાઓને પોષણક્ષમ ભોજન આપતી 'પોષણસુધા યોજના'નો વ્યાપ વધારીને તેને હવે રાજ્યના તમામ 14 આદિજાતિ જિલ્લાઓમાં અમલી બનાવવામાં આવી છે.

જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ અંતર્ગત સરકારી દવાખાનામાં પ્રસૂતિ થયેલી માતા અને બાળકને વિનામૂલ્યે સલામત ઘરે પહોંચાડતી 'ખિલખિલાટ' વાહનોની સંખ્યા 174થી વધારીને 463 કરવામાં આવી છે, જેનો લાભ 64 લાખ લાભાર્થીને મળી રહ્યો છે.

108 એમ્બ્યુલન્સ સેવાઓનું અસરકારક અમલીકરણ

મુશ્કેલ સમયમાં રાજ્યના નાગરિકોને ઇમરજન્સી આરોગ્ય સુવિધાઓ તાત્કાલિક ઉપલબ્ધ થાય તે માટે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વર્ષ 2007માં 108 એમ્બ્યુલન્સ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. 108 ટોલ ફ્રી નંબર દ્વારા ઇમરજન્સી રિસ્પોન્સ સેવાઓ 24x7 પ્રદાન કરવા રાજ્યના તમામ જિલ્લાઓમાં 108 એમ્બ્યુલન્સ સેવાનું અસરકારક રીતે અમલીકરણ કરવામાં આવી રહ્યું છે.

14 જેટલી 108 એમ્બ્યુલન્સ સાથે આ ઇમરજન્સી સેવા શરૂ કરવામાં આવી હતી અને આજે આ આંકડો 802 એમ્બ્યુલન્સ સુધી પહોંચ્યો છે, જેમાં 2 બોટ એમ્બ્યુલન્સનો પણ સમાવેશ થાય છે.

108 સેવાની વધતી લોકપ્રિયતા, વિશ્વસનીયતા અને તેની કાર્યક્ષમતાના કારણે લોકો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. રાજયમાં અકસ્માત કે આપત્તિના સમયે ઇજાગ્રસ્ત-બિમાર વ્યક્તિઓને તાત્કાલિક સારવાર પૂરી પાડતી 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા ક્ષેત્રે ગુજરાત દેશમાં અગ્રીમ સ્થાને છે.

આ ઉપરાંત, તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતેથી રૂ.1275 કરોડની વિવિધ આરોગ્યલક્ષી સુવિધાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતુ. તેમાં 850 બેડની અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ દેશની સૌથી મોટી કિડની હોસ્પિટલનું લોકાર્પણ, સિવિલ મેડિસિટીમાં ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્ટિટ્યૂટના 1-સી બ્લોક તથા યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરની નવનિર્મિત ઇમારતનું લોકાર્પણ, સોલા સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં ન્યૂ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, ભીલોડા અને અંજાર ખાતે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ તથા અસારવા સિવિલ કેમ્પસમાં મેડિકલ ગર્લ્સ હોસ્ટેલ અને રૈનબસેરાનું ખાતમુહૂર્ત જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે.

આ સાથે જ, વડાપ્રધાને રાજ્ય સરકારના 'વન ગુજરાત-વન ડાયાલિસિસ' કાર્યક્રમ અંતર્ગત કુલ 188 ડાયાલિસિસ સેન્ટર તથા રાજ્યમાં જિલ્લા મથકો પર 22 (બાવીસ) ડે કેર કિમોથેરાપી સેન્ટરનો શુભારંભ કરાવ્યો અને નવીન 188 ડાયાલિસિસ સેન્ટર સાથે ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ (GDP) અંતર્ગત રાજ્યમાં કુલ 270 નિઃશુલ્ક ડાયાલિસિસ સેન્ટરો કાર્યરત કરાવ્યા હતા.

ગુજરાતે છેલ્લા 2 દાયકામાં સફળતાપૂર્વક એક મજબૂત આરોગ્ય માળખાનું નિર્માણ કર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર આરોગ્ય ક્ષેત્રના વિકાસ માટે તેમજ નાગરિકોના આરોગ્ય અને સુખાકારીમાં વધારો કરવા માટે પ્રતિબદ્ધ છે.

English summary
Gujarat has successfully built a strong health infrastructure in 2 decades । 2 દાયકામાં ગુજરાતે સફળતાપૂર્વક ઊભું કર્યું મજબૂત આરોગ્ય માળખું
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X