ગુજરાત અનુસૂચિત જાતિ માટે સ્વરોજગારની સુવર્ણ તક, ઓછાં વ્યાજે સરકાર આપશે લોન
રાજ્યના અનુસૂચિત જાતિના નાગરિકોને આત્મનિર્ભર બનાવવા ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ (GSCDC) દ્વારા વિવિધ ચાર મહત્ત્વપૂર્ણ યોજનાઓ શરૂ કરવામાં આવી છે.
આ યોજનાઓ હેઠળ અનુસૂચિત જાતિના લાભાર્થીઓ પોતાનો વ્યવસાય શરૂ કરવા અથવા વાહન ખરીદવા માટે ખૂબ જ ઓછા વ્યાજ દરે નાણાકીય સહાય મેળવી શકે છે.

આ યોજનાઓનો લાભ લેવા ઇચ્છુક નાગરિકો ૨૩ જુલાઈ ૨૦૨૫ થી ૧૭ ઓગસ્ટ ૨૦૨૫ સુધીમાં નિગમની અધિકૃત વેબસાઇટ www.sje.gujarat.gov.in/gscdc પર ઑનલાઇન અરજી કરી શકે છે. સમય મર્યાદાનું ધ્યાન રાખીને વહેલી તકે અરજી કરવી હિતાવહ છે.
સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા ૨૦૨૫-૨૬ માટે નીચે મુજબ ચાર મુખ્ય યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે.
સ્વરોજગારલક્ષી યોજના
- આ યોજના હેઠળ લાભાર્થીઓને ₹ ૨ લાખ સુધીનું ધિરાણ પૂરું પાડવામાં આવે છે.
- મહિલાઓ માટે માત્ર ૧% અને પુરુષો માટે ૨% વ્યાજ દર નક્કી કરાયો છે.
- આ લોનની ચુકવણી ૬૦ માસિક હપ્તામાં કરવાની રહેશે.
થ્રી વ્હીલર યોજના
- આ યોજના થકી ₹ ૩ લાખ સુધીનું ધિરાણ મેળવી શકાય છે.
- વ્યાજ દર ૩% રહેશે.
મારુતિ સુઝુકી ઈકો યોજના
- આ યોજના હેઠળ ₹ ૬.૫૦ લાખ સુધીની લોન ઉપલબ્ધ છે.
- આમાં પણ વ્યાજ દર ૩% રહેશે.
ટ્રેક્ટર અને યાંત્રિક સાધનો માટેની યોજના
- ખેતી અને અન્ય વ્યવસાયો માટે ₹ ૭.૫૦ લાખ સુધીનું ધિરાણ મળશે.
- આ યોજનામાં પણ ૩% વ્યાજ દર લાગુ પડશે.
- વાહન સંબંધિત ઉપરોક્ત ત્રણેય યોજનાઓમાં ધિરાણની રકમ ૯૬ માસિક હપ્તામાં પરત કરવાની રહેશે.
યોજનાનો લાભ કોણ લઈ શકે?
- આ યોજનાઓનો લાભ લેવા માટે કેટલીક મહત્ત્વપૂર્ણ પાત્રતા શરતો નીચે મુજબ છે:
- અરજદારના કુટુંબની કુલ વાર્ષિક આવક ₹ ૬ લાખ કે તેથી ઓછી હોવી ફરજિયાત છે.
- અરજદારની ઉંમર ઓછામાં ઓછી ૧૮ વર્ષ અને વધુમાં વધુ ૫૦ વર્ષ હોવી જોઈએ.
અગાઉ ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ, કોઈપણ સરકારી/અર્ધ-સરકારી કચેરી કે બેંક પાસેથી વાહન ખરીદવા કે અન્ય વ્યવસાય માટે લોન લીધેલી હોય તેવા અરજદારો કે તેમના કુટુંબના સભ્યો આ યોજના માટે પાત્ર રહેશે નહીં.
ક્યાં અરજી કરશો?
આ યોજનાનો લાભ લેવા ઇચ્છુક નાગરિકો સંબંધિત ગ્રામ પંચાયતો ખાતે આવેલા ઈ-ગ્રામ કેન્દ્રો પરથી જરૂરી દસ્તાવેજો સાથે ઑનલાઇન અરજી કરી શકશે. યોજના સંબંધિત વધુ વિગતવાર માહિતી અને અન્ય પ્રશ્નો માટે, ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમની વેબસાઇટની મુલાકાત લેવાની ભલામણ કરવામાં આવે છે.
આ યોજનાઓ અનુસૂચિત જાતિના નાગરિકો માટે આર્થિક ઉન્નતિ અને સ્વરોજગાર માટે એક ઉત્તમ તક પૂરી પાડે છે. આ તકનો લાભ લઈને આપ પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકો છો.












Click it and Unblock the Notifications
