Gujarat Weather: અમદાવાદ, સૌરાષ્ટ્ર સહિત ઘણા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી
Gujarat Weather: હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં આજથી આગામી 7 દિવસ સુધી ઘણા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. અમદાવાદમાં આગામી 24 કલાકમાં હળવા વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં સામાન્ય વરસાદ થઈ શકે છે. વળી, ઉત્તર ગુજરાતમાં અમદાવાદ, દાહોદ, મહિસાગરમાં છૂટોછવાયો વરસાદ થઈ શકે છે.

આઈએમડી મુજબ સૌરાષ્ટ્રમાં અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં સામાન્ય વરસાદ જોવા મળી શકે છે. કચ્છમાં વરસાદની હાલમાં સંભાવના નથી. રાજ્યમાં હાલમાં વરસાદની કોઈ સિસ્ટમ સક્રિય નથી. માછીમારો માટે પણ કોઈ ચેતવણી આપવામાં આવી નથી.
તમને જણાવી દઈએ કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે ગુજરાતમાં આગામી 24 કલાકમાં વરસાદી ઝાપટા શરુ થશે. 17 ઓગસ્ટથી મઘા નક્ષત્ર બેસતુ હોવાથી વરસાદનુ અનુમાન છે. મઘા નક્ષત્ર વરસશે તો 21 ઓક્ટોબર સુધી વરસાદ થવાની સંભાવના છે.
તેમણે વધુમાં જણાવ્યુ કે ઓગસ્ટના અંતિમ દિવસોમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ થશે. સરદાર સરોવર બંધમાં પાણીની આવક થશે. 5 ઓક્ટોબરે ગુજરાતના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાશે. વળી, તેમણે 18થી 20 દરમિયાન વાવાઝોડાની સંભાવના વ્યક્ત કરી છે.
નોંધનીય છે કે રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ ચાલુ સિઝનનો કુલ સરેરાશ વરસાદ 80.89 ટકા નોંધાયો છે. જેમાં કચ્છમાં સૌથી વધુ 136.06 ટકા, સૌરાષ્ટ્રમાં 109.72 ટકા, ઉત્તર ગુજરાતમાં 67.25 ટકા, દક્ષિણ ગુજરાતમાં 71.67 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 64.98 ટકા વરસાદ થયો છે.












Click it and Unblock the Notifications
