For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હું મોદીનો માણસ છું અને તમે? - આ એડના સૂચિતાર્થ શું સમજવા?

|
Google Oneindia Gujarati News

હું મોદીનો માણસ છું અને તમે? - ભાજપની આ જાહેરાતના સૂચિતાર્થ શું સમજવા? એક મિનિટ આ મથાળું વાંચીને આગળ લેખ વાંચો એ પહેલા ગુજરાતના છેલ્લા પાંચ વર્ષના ફ્લેશબેકમાં એક ઝડપી લટાર મારવી જરૂરી છે. નરેન્દ્ર મોદીએ આ સમયગાળા દરમિયાન વિવિધ ઉત્સવો, સમિટ્સ, મિશનો યોજ્યા. બધા જ કાર્યક્રમોમાં ભાજપ કે ગુજરાત સરકાર કરતા નરેન્દ્ર મોદી જ છવાયેલા રહ્યા. આ સમયગાળામાં નરેન્દ્ર મોદી હંમેશા લોકોને વિકાસનું મોટું ફલક બતાવતા રહ્યા છે. જેનો એક છેડો ગુજરાતથી શરૂ થાય છે અને બીજો છેડો ભારત પર પુરો થાય છે. નરેન્દ્ર મોદીના વાક્યો અને શબ્દોનો ગુઢાર્થ સમજીએ તો સ્પષ્ટ થાય છે કે તેમનું અસલી ટાર્ગેટ મુખ્યમંત્રી પદ નહીં પણ પ્રધાનમંત્રી પદ છે. કેવી રીતે? તો વાંચો આ રીતે...

narendra-modi-cm

નમો એટલે કે નરેન્દ્ર મોદીનું નામ પડતા જ ગુજરાતના અંતરિયાળ ગામડાનું ટાબરિયું જ નહીં, વિશ્વની મહાસત્તાના નેતાઓ પણ કાન સળવા કરીને સાંભળે છે. ભારતીય જનતા પક્ષ (ભાજપ)ના ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને સક્રિય રાજકારણમાં આવે માત્ર 11 વર્ષ થયા છે. માત્ર 11 વર્ષની સક્રિય રાજકીય કારકિર્દી બાદ આવેલી ચૂંટણીઓમાં ભાજપની એડની ટેગ લાઇન "હું તો મોદીનો માણસ છું, અને તમે? હું પણ."ના સૂચિતાર્થો માત્ર ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012 સાથે નહીં પણ લોકસભા ચૂંટણી 2014 સાથે પણ સંપર્ક સાધે છે.

નરેન્દ્ર મોદીનું ટાર્ગેટ રાષ્ટ્રીય રાજકારણ છે
ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્ય થોડા વિકાસ કાર્યોને રાઇના પહાડની જેમ રજૂ કરી રહેલા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પોતાના દરેક ભાષણોમાં એક જ ગાણું ગાઇ રહ્યા છે કે ગુજરાતના વિકાસ થકી ભારતનો વિકાસ કરવો છે. આ શબ્દો પાછળની વાસ્તવિકતા એ છે કે નરેન્દ્ર મોદીને ગુજરાતને પગથિયું બનાવી દિલ્હીની ગાદી સુધી ઠેકડો મારવો છે. નરેન્દ્ર મોદી આથી જ ગુજરાત કોંગ્રેસના નેતાઓનું તો નામ સુધ્ધાં નથી લેતા અને વિકાસની બાબતમાં માત્ર કેન્દ્ર સરકારને ટાર્ગેટ કરવાને બદલે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓને અવારનવાર પોતાના ઝપાટામાં લેતા રહ્યા છે. જેથી વિવાદ સર્જાય અને સતત રાષ્ટ્રીય સ્તરે સમાચારોમાં ચમકતા રહેવાય.

નરેન્દ્ર મોદીને મન ભાજપના રાષ્ટ્રીય વરિષ્ઠ નેતાઓનું મહત્વ નથી
નરેન્દ્ર મોદી માત્ર 11 વર્ષની રાજકીય કારકિર્દીમાં વડાપ્રધાન થવાના સપનાં સેવી રહ્યા છે. સપનાં જોવામાં કોઇ વાંધો નથી, ઊંચા સપના જોવા પણ સારા છે, પણ નરેન્દ્ર મોદી સપનાં જોવામાં રાજકીય વિવેકનું ભાન ગુમાવી ચૂક્યા હોય એવું લાગી રહ્યું છે. રાષ્ટ્રીય જનસંઘમાંથી ભારતીય જનતા પક્ષની સ્થાપનાકાળના નેતાઓ અટલ બિહારી બાજપેયીજીએ તો નિવૃત્તિ લીધી છે. પણ લાલ કૃષ્ણ અડવાણી હજી રાજકારણમાં સક્રિય છે. સક્રિય અને રાષ્ટ્રીય રાજકારણના અનુભવની દ્રષ્ટિએ તેમને ભાજપમાં સૌથી વધારે અનુભવ છે. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ રહી ચૂકેલા રાજનાથ સિંહ 1974થી તેઓ જનસંઘ સાથે રાજકારણમાં કાર્યરત છે. સુષ્મા સ્વરાજની વાત કરીએ તો તેઓ 1977માં પ્રથમ લોકસભા ચૂંટણી લડ્યા હતા ત્યારથી રાજકારણમાં સક્રિય છે. આવા અનેક વરિષ્ઠ નેતાઓ ભાજપમાં હોવા છતાં માત્ર ત્રણ વિધાનસભા ચૂંટણીઓ અને રાજ્ય સ્તરના શાસનનો અનુભવ ધરાવતા મોદી પોતાને રાષ્ટ્રીય સ્તરના નેતા માનવા લાગ્યા છે.

હું તો મોદીનો માણસ છું - શું મોદી ભાજપ કરતાં મોટાં થઇ ગયા છે?
સામાન્ય રીતે ચૂંટણી પ્રચારમાં જે તે પક્ષનો પ્રચાર કરી મતદારોને તે પક્ષના મત ચિહ્નને મત આપવા માટે અપીલ કરવામાં આવતી હોય છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં પણ કોંગ્રેસની દરેક જાહેરાતોમાં પક્ષને જ મત આપવાની અપીલ કરવામાં આવી રહી છે. પણ ગુજરાત ભાજપમાં સ્થિતિ અલગ છે. આ એડમાં ગુજરાતના વિકાસનો એક માત્ર શ્રેય ભાજપને નહીં, તેની સરકારને નહીં, તેના મંત્રીઓને નહીં પણ એક માત્ર નરેન્દ્ર મોદીને આપવામાં આવ્યો છે. શા માટે? કારણ કે કદાચ નરેન્દ્ર મોદી હવે પોતાને પક્ષથી પણ મોટા કદના હોવાનું આંકી રહ્યા છે. આથી જ જાહેરાતમાં વિકાસ મોદીએ કર્યો અને એટલે જ હું મોદીનો માણસ છું એમ કહેવામાં આવે છે. નરેન્દ્ર મોદીને લાગે છે કે ગુજરાતમાં ભાજપનું જે વર્ચસ્વ છે તે એક માત્ર તેમના કારણે જ છે. મતદારો માત્ર નરેન્દ્ર મોદી માટે મત આપશે. આવી સમજ મોદી માટે ભ્રમ સાબિત થઇ શકે છે.

ગુજરાતની તમામ 182 બેઠકો પરથી ચૂંટણી લડત
તાજેતરમાં પોતાના એક ભાષણમાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે હું એક જ છું એટલે માત્ર મણિનગર મતવિસ્તારમાંથી ચૂંટણી લડી રહ્યો છું, નહિંતર ગુજરાતની તમામ 182 બેઠકો પરથી ચૂંટણી લડત. આ બાબત સૂચવે છે કે નરેન્દ્ર મોદીમાં ઓવર કોન્ફિડન્સ આવ્યો છે. તેઓ પોતાના સાથીઓ અને પ્રધાનેને પણ ભાજીમૂળા સમજે છે.

નો રિપિટ થીયરીનું રિપિટેશન શા માટે નહીં?
જો ખરેખર નરેન્દ્ર મોદી પોતાને પક્ષ અને રાષ્ટ્રીય તેમ જ ભાજપના વરિષ્ઠ નેતાઓ કરતા પણ મોટા કદના નેતા સમજી રહ્યા છે તો શા માટે બેઠકો પર ઉમેદવારોના નામ નક્કી કરતા સમયે તેમણે પોતાની પ્રિય નો રિપિટ થીયરીનું રિપિટેશન ના કર્યું? શક્ય છે નરેન્દ્ર મોદીના મનમાં ભય હોય કે જે બોલાઇ ગયું છે તે વધારે પડતું બોલાઇ ગયું છે. બોલાયેલું પાછું ખેંચી શકાય એ નથી. છલાંગ મારવામાં પગ લપસી જશે તો ચાલવાના તો શું ઉભા થવાના ફાંફા પડી જશે. આ કારણે સલામતીનો વચલો માર્ગ અપનાવી તેમણે રિપિટ થીયરી અપનાવી છે.

રાષ્ટ્રીય રાજકારણ અને પીએમ પદ જાદુના ખેલ નથી
નરેન્દ્ર મોદીનું માનવું છે કે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012માં ગુજરાતમાં બહુમતી મળશે તો ચૂંટણી એકલાના ખભે લડી હોવાનું ગણાવી ક્ષમતાવાન રાજકારણી તરીકે રાષ્ટ્રીય સ્તરે એન્ટ્રી મેળવવાનું સરળ બની જશે. પણ રાષ્ટ્રીય રાજકારણ અને પીએમ પદ જાદુના ખેલ નથી. કારણ કે ગુજરાત અને ભારતના રાજકારણમાં જમીન આસમાનનો ફેર છે. નરેન્દ્ર મોદીના નામે મતો પડતા હોવાની વાતમાં કેટલી હવા છે તે 20 ડિસેમ્બરે ખબર પડી જશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી સતત ત્રીજી વખત જીતવા માટે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ તેમની ચૂંટણી પ્રચારની વ્યુહ રચના 2002 અને 2007થી તદ્દન વિપરિત રીતે અપનાવી છે. 2002માં તેમનો મુદ્દો મિયાં મુશર્રફ હતો, જયારે 2007માં કોંગ્રેસે તેમને 'મૌત કા સૌદાગર' કહયા પછી તેમનો પ્રચારનો ફોકસ ઉકત મુદ્દો બની ગયો હતો. આ મુદ્દો તેમણે આ વખતી ચૂંટણીમાં મોદીએ ભ્રષ્ટાચાર અને મોંઘવારીને મુદ્દા બનાવી કોંગ્રેસને આડે હાથ લેવાની રમત રમી છે. આ વખતે કોંગ્રેસના નેતાઓ બોલવામાં ખાસ સાવધાની રાખી રહ્યા છે ત્યારે નરેન્દ્ર મોદીએ સામે ચાલીને 'મૌત કા સૌદાગર'નો મુદ્દો ફરી ઉખેડ્યો છે અને મતદારોને ભાવનાત્મક રીતે આકર્ષવાની ચાલ અપનાવી છે.

આ વખતના ચૂંટણી પ્રચાર પર નજર કરીએ તો ભાજપને હાઇલાઇટ કરવાનો બદલે સર્વત્ર મોદી જ મોદી છવાયેલા છે. આ વર્ષે મોદી માસ્ક તો નથી પણ મોદી પ્રોડક્ટ્સ તો ઉપલબ્ધ છે. આ વખતે 3D ટેકનોલોજીથી જાહેરસભાઓ યોજી જનતા પર વિશિષ્ટ પ્રભાવ પાડવાની કોશિષ કરી છે. નરેન્દ્ર મોદીની ધારણા છે કે બે તૃતીયાંશ બહુમતી મળવાને બદલે જો 125 બેઠકો પણ મળી જાય તો લોકસભા ઇલેકશન 2014માં વડાપ્રધાન પદ માટે તેમનું પ્રોજેકશન યોગ્ય ગણાશે.

English summary
I am Modi's man, and you?, what is the hidden meaning of this ad?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X