ગુજરાત ATSની રાજસ્થાનમાં મોટી કાર્યવાહી, ગેરકાયદેસર ડ્રગ્સની ફેક્ટરી ઝડપી
નશીલા પદાર્થોના વધતા જતા દૂષણને ડામવા માટે ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS) સતત સક્રિય છે, જે અંતર્ગત તાજેતરમાં રાજસ્થાનના ભિવાડીમાં એક ઓપરેશન હાથ ધરીને ગેરકાયદેસર ડ્રગ્સ મેન્યુફેક્ચરિંગ યુનિટ ઝડપી પાડવામાં આવ્યું છે.
ગુજરાત ATS ને મળેલી ગુપ્ત માહિતીના આધારે 28 ડિસેમ્બર 2025 ના રોજ ભિવાડીના કહાની ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં આવેલી એપીએલ ફાર્મા નામની કંપની પર દરોડા પાડવામાં આવ્યા હતા.

આ કાર્યવાહીમાં ભિવાડી એસઓજી અને જયપુર પોલીસની પણ મદદ લેવામાં આવી હતી. તપાસ દરમિયાન ફેક્ટરીમાંથી કોઈપણ લાયસન્સ વગર તૈયાર કરવામાં આવેલો 22 કિલો જેટલો સાયકોટ્રોપિક પદાર્થ અને અલ્પ્રાઝોલમ ડ્રગ્સ બનાવવા માટે વપરાતા રસાયણોનો મોટો જથ્થો મળી આવ્યો હતો, જેને પોલીસે તાત્કાલિક અસરથી જપ્ત કરી લીધો છે.
આ કેસમાં પોલીસે ઘટનાસ્થળેથી ત્રણ શખ્સોની ધરપકડ કરી છે, જેમની ઓળખ અંશુલ શાસ્ત્રી, અખિલેશ મૌર્ય અને કૃષ્ણા યાદવ તરીકે થઈ છે અને આ ત્રણેય આરોપીઓ મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.
પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ ફેક્ટરીમાં પ્રતિબંધિત ડ્રગ્સનું ઉત્પાદન કરી તેને વિવિધ રાજ્યોમાં સપ્લાય કરવામાં આવતું હતું. હાલમાં જપ્ત કરાયેલા કેમિકલ અને નશીલા પદાર્થોને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા છે.
ગુજરાત ATS દ્વારા આ સમગ્ર ડ્રગ્સ નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે ઊંડી તપાસ શરૂ કરવામાં આવી છે અને આગામી સમયમાં આ રેકેટમાં જોડાયેલા અન્ય મોટા માથાઓની ધરપકડ થાય તેવી પણ શક્યતા છે. હાલમાં તમામ આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
