3 લાખની કિંમતના ફાસ્ટટ્રેક બ્રાંડની ડુપ્લીકેટ સ્કુલ બેગનો જથ્થો જપ્ત થયો
છેલ્લાં ધણા સમયથી બ્રાંડેડ વસ્તુઓના નામે નકલી વસ્તુઓનો મોટાપાયે વેચાણ ચાલે છે અને દરરોજ કરોડો રૂપિયાનો માલ સતત વેચાણ થઇ રહ્યો છે. ત્યારે શનિવારે કાલુપુર પોલીસ રીલીફ રોડ પર આવેલી હાજા પટેલની પોળમાં આવેલી ન્યુ મહાદેવ ટ્રેડીંગ નામની દુકાનમાંથી ફાસ્ટટ્રેક કંપનીની 450 જેટલી નકલી સ્કુલ બેગનો જથ્થો જપ્ત કર્યો હતો. ફરિયાદી મનીષ પટેલ રિધ્ધી સોસાયટી ઘાટલોડીયા ખાતે રહે છે અને દિલ્હીમાં પ્રોટેક્ટ આઇપી સોલ્યુશનમાં રિજીનલ મેનેજર તરીકે કામ કરે છે. જેમાં તેમને વિવિધ કંપનીઓની કોપી રાઇટ અને ટ્રેડના રક્ષણ કરવાનું કામ કરે છે. તેમની કંપની પાસે ટાઇટન ફાસ્ટટ્રેક કંપનીનું કામ પણ કંપની પાસે હતુ.
ત્યારે તેમની કંપનીના ઇન્વેસ્ટીગેશન ઓફીસર અમીકેત પટેલને બાતમી મળી હતી કે કાલુપુર રીલીફ રોડ હાજા પટેલની પોળમાં આવેલી ન્યુ મહાદેવ ટ્રેડીંગ કંપની નામની દુકાનમાં ટાઇટન ફાસ્ટટ્રેકની પ્રોડક્ટની બનાવટી વસ્તુઓ ખુબ મોટા પાયે વેચવામાં આવે છે. જેના આધારે મનીષ પટેલે કાલુપુર પોલીસને જાણ કરી હતી અને પોલીસે તેમની ફરિયાદને આધારે દુકાનમાં દરોડો પાડ્યો હતો અને તપાસ કરતા દુકાનમાંથી ટાઇટન ફાસ્ટટ્રેકની બ્રાંડના બનાવટી સ્કુલ બેગનો મોટો જથ્થો મળી આવ્યો હતો. જેમાં 450 જેટલી બેગ હતી અને તેની કિંમત અંદાજે ત્રણ લાખ જેટલી હતી.
આ અંગે પોલીસે દુકાનના માલિક નરેશ દાસવાણી રહે. મારૂતિ રો હાઉસ સરદારનગરની પુછપરછ કરતા તેણે જણાવ્યું હતુ કે આ જથ્થો તે વેચાણ માટે લાવ્યો હતો. જેથી પોલીસ તેના વિરૂધ્ધ કોપીરાઇટ એક્ટની કલમ 51 અને 63 મુજબ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસ અધિકારીઓનું કહેવુ છે કે નરેશ દાસવાણી શહેરના અન્ય વિસ્તારમાં પણ સ્કુલ બેગ વેચતા હતા અને આગામી વેકેશન બાદ તે આ સ્કુલ બેગનો જથ્થો અલગ અલગ વિસ્તારમાં આપવાનો હતો. ઉલ્લેખનીય છે કે શહેરમાં દર વર્ષે પોલીસ કરોડોનો ડુપ્લીકેટ માલ જપ્ત કરે છે અને તેના વેચાણને નિયત્રિત નથી કરી શકતા. તે બાબત પણ નોંધનીય છે.