મંગળ ગ્રહ જેવી કચ્છની જમીનના સંશોધનથી શું મળશે? ભૂસ્તરશાસ્ત્રીએ કહી મહત્વની વાત
મંગળ ગ્રહની સપાટી પર મળતુ જેરોસાઈટ ખનીજ કચ્છમાં આશાપુરાના સ્થાનક માતાના મઢમાં મળી આવ્યુ છે. જેથી સાબિત થયુ છે કે આ જમીન મંગળ ગ્રહ જેવી જ છે. જેના પગલે હવે દેશની નામાંકિત સંસ્થાઓના વૈજ્ઞાનિકો આ વિષય પર વધુ સંશોધન હાથ ધરશે. વૈજ્ઞાનિકોએ એવો પણ દાવો કર્યો છે કે બેસાલ્ટ ટેરેનમાં પૃથ્વી પર માતાનો મઢ એકમાત્ર એવુ સ્થળ છે જ્યાંથી જેરોસાઈટ મળી આવ્યુ છે.

માતાના મઢ વિસ્તારમાં જેરોસાઈટ મળી આવતા દેશની વૈજ્ઞાનિક સંસ્થાઓ આઈટી ખડગપુર, સ્પેસ એપ્લીકેશન રિસર્ચ સેન્ટર એટલે કે ઈસરો અને નેશનલ જિયોફિઝિકલ રિસર્ચ ઈન્સ્ટીટ્યુટ, હૈદરાબાદ આ વિષય પર સંયુક્ત અભ્યાસ હાથ ધરશે. આ સંશોધનથી તેઓ મંગળ ગ્રહ પર પાણીનુ અસ્તિત્વ અને સદીઓ પહેલા વાતાવરણમાં ફેરફારના કારણે મંગળ ગ્રહ પર શું બદલાવ થયા તેના સંશોધન માટે કામ લાગશે.
આ વિશે ભૂસ્તર શાસ્ત્રી સુભાષ ભંડારીએ ખૂબ જ મહત્વની વાત કરી. તેમણે જણાવ્યુ કે, 'મંગળ પર અત્યારે આપણને પાણી નથી મળી રહ્યુ પરંતુ તેના અભ્યાસીઓ રોવર જે અમને ત્યાંથી ઈમેજ મોકલે છે તેના પરથી હાઈડ્રોસ સલ્ફેટ વિશે માહિતી મળે છે. હવે જે જેરોસાઈટ કચ્છમાં મળ્યુ છે તે પણ એક હાઈડ્રોસ સલ્ફેટ જ છે. જેનો હવે આપણે અહીં ડાયરેક્ટ સ્ટડી કરી શકીએ છીએ અલગ ટેકનિકથી કે તે કઈ રીતે બન્યુ છે. વળી, તેની સરખામણી કરીને અમે મંગળ ગ્રહ પર પાણીની સંભાવના તેમજ ત્યાંની જમીન કઈ રીતે બની તે વિશે વધુ વિશ્લેષણાત્મક સંશોધન કરીને જણાવી શકીએ છીએ.'
આ પણ વાંચોઃ વાહ! દીકરીને કરિયાવરમાં 2200 પુસ્તકો આપનાર પિતા વર્લ્ડ રેકૉર્ડ ઈન્ડિયાથી સમ્માનિત