નવરાત્રી 2017: રાસ-ગરબાની રમઝટ, સુરતીઓને સંગ
ગરબાનો લોક મહોત્સવ એટલે નવરાત્રી. નવરાત્રી તહેવાર અને ગરબાએ ગુજરાતીઓને વૈશ્વિક ઓળખ અપાવી છે. ગુજરાતમાં તો આ ગૌરવવંતા તહેવારની તૈયારીઓ કંઇ કેટલાયે મહિના પહેલાથી શરૂ થઇ જાય છે. ગરબા ક્લાસથી માંડીને ચણીયા-ચોળીની ખરીદી સુધી દરેક બાબતમાં હવે લોકો પરફેક્ટ થવા ઇચ્છે છે. નવરાત્રીની શરૂઆતમાં સુરતમાં ઓછી ભીડ છતાં કેટલાક ખેલૈયાઓનો ઉમંગ જોવા લાયક હતો. ગરબા માટે તૈયાર થયેલા સુરતી ખેલૈયાઓની એક ઝલક જુઓ આ તસવીરોમાં. તમે પણ તમારી નવરાત્રીની તસવીરો અમને ઇ-મેઇલ આઇડી gujarati@oneindia.co.in પર મોકલી શકો છો.

અનેરો ઉત્સાહ
સામાન્ય રીતે આખું વર્ષ શાંત જણાતી રાત્રીઓ નવરાત્રી દરમિયાન સંગીત અને રંગોથી ઝગમગી ઉઠે છે. નવરાત્રીની શરૂઆતથી જ સુરતમાં કેટલીક જગ્યાઓએ ગરબા રમનારાઓની ભીડ જોવા મળી હતી, પરંપરાગત પોષાકમાં સજ્જ ખેલૈયાઓએ સૌના મન મોહી લીધા હતા. રંગબેરંગી ચણીયા-ચોળીમાં ગરબા રમવા આવેલ યુવતીઓના ચહેરા પર ઉત્સાહ વર્તાતો હતો.

ટ્રેન્ડી ચણીયા-ચોળી
હાલ બજારમાં અનેક પ્રકારના ચણીયા ચોળી ઉપલબ્ધ છે. નવરાત્રીમાં પહેલા જ દિવસથી યુવતીઓ જુદી-જુદી સ્ટાયલના ચણીયા ચોળીમાં નજરે પડી હતી. મિનિમમ પરંતુ ટ્રેન્ડી એક્સેસિરીઝ અને થોડા હટકે કલર કોમ્બિનેશન સાથે યુવતીઓ ચણીયા ચોળી જેવી પારંપરિક વેશભૂષામાં પણ ખૂબ સુંદર રીતે આધુનિકતાના રંગો ઉમેરે છે.

ગરબો અને ગુજરાત
ગરબો અને ગુજરાત એકમેકનો પર્યાય બની ગયા છે. ગરબા ભલે ગમે એટલા એડવાન્સ બની જાય, પરંતુ પરંપરાગત બે તાળી અને ત્રણ તાળી જેવા ગરબાઓ ક્યારેય ભૂલાતા નથી. એ જ રીતે, મોડર્ન ચણીયા ચોળીની ઝાકઝમાળ છતાં ગામઠી ચણીયા ચોળી ક્યારેય ફેશનમાંથી આઉટ નથી થતા. સુંદર ઘેરવાળા ચણીયા ચોળીમાં ગરબે ઘુમવાની મજા જ કંઇ અલગ હોય છે!

સખીનો સાથ
ગરબાના તાલે મગ્ન થઇને રમવાની મજા તો મિત્રો સાથે જ આવે ને! નવરાત્રીના 9 દિવસો દરમિયાન જો પ્રિય સખીનો સાથે મળે તો તહેવારની મજા બમણી થઇ જાય છે. ગરબા અને દાંડીયા રાસમાં મિત્રોનો સંગાથ નવરાત્રીને વાયબ્રન્ટ બનાવવા માટે પૂરતા છે.