
નવા મંત્રીઓએ કાર્યભાર સંભાળતા પહેલા કર્યા ભગવાનના દર્શન
રાજ્યની નવી સરકારમાં મંત્રીઓને ખાતા ફાળવણી થયા બાદ કેટલાક મંત્રીઓએ કાર્યરત થતા પહેલા પોતાના મતવિસ્તારની મુલાકાત લીધી હતી તો કેટલાક મંત્રીઓએ પૂજન બાદ કાર્યભાર સંભાવ્યો હતો. રાજ્યના ગૃહરાજ્યમંત્રી તરીકેની જવાબદારી પ્રદિપસિંહ જાડેજાના શીરે આવી છે. આ જવાબદારી તેઓ અગાઉ પણ સંભાળી ચૂક્યા છે. તેની કામગીરી શરૂ કરતા પૂર્વે તેઓએ પૂજા કરી હતી. કાર્યભાર સંભાળ્યા બાદ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ફરીથી એક વાર મને આ જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે શાંતિ અને સુરક્ષા અને સલામતી જળવાય તે અમારું કતર્વ્ય છે.
રાજ્યની નવી સરકારમાં કેબીનેટ મંત્રી તરીકે ઊર્જા તેમજ નાણા પ્રધાન બનેલા સૌરભ પટેલે પોતાના મતવિસ્તારમાં આવેલા સાળંગપુર હનુમાન તેમજ BAPS સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરી ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. બોટાદના સાળંગપુર ખાતે બી.એ.પી.એસ. તેમજ હનુમાનજી મંદિરે ભગવાનના દર્શન કરી ગુજરાતની પ્રજાની વધારેૉમાં વધારે સેવા કરી શકાય તેવી પ્રાથના કરી હતી. ભરૂચના ઇશ્વરભાઈ પટેલની રાજ્યના રમતગમત, યુવક અને સાંસ્કૃતિક મંત્રી તેમજ રાજ્યકક્ષાના વાહન વ્યવહાર મંત્રી તરીકેની વરણી કરવામાં આવી હતી. કાર્યકરોએ ફટાકડા ફોડીને તેમજ પુષ્પગુચ્છ આપીને ઇશ્વરભાઈ પટેલનું સ્વાગત કર્યું હતું. તેમણે આ કાર્યભાર સોંપવા બદલ મુખ્યમંત્રી રૂપાણી તેમજ મોવડી મંડળનો આભાર માન્યો હતો.
સુરતના લોકપ્રિય ગણાતા કિશોર કાનાણી જેઓ કુમાર કાનાણીના નામે જાણીતા છે તેઓને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ઉપરાંત તબીબી શિક્ષણનો હવાલો પણ સંભાળશે. કુમાર કાનાણી મંત્રી બન્યા બાદ સુરત પરત ફરતા કાર્યકરોએ પુષ્પગુચ્છથી વધાવી લીધા હતા. તેઓ કાર્યલયે પહોંચ્યા ત્યારે એક રોડ શો પણ યોજાયો હતો.