
જાણો તે બે ગુજરાતીઓને જેમને મળ્યો છે આ પદ્મશ્રી એવોર્ડ
આ વખતે બે ગુજરાતીઓને પદ્મશ્રી એવોર્ડ 2017થી સન્માનિત કરવામાં આવ્યા છે. જેમાંથી એક છે બનાસકાંઠાના દિવ્યાંગ ખેડૂત ગેનાભાઇ પટેલ. જે બનાસકાંઠામાં "અનારદાદા"ના નામે ખ્યાતિ મેળવી ચૂક્યા છે. 52 વર્ષીય આ ગુજરાતી ખેડૂત, ડીસા તાલુકાના વતની છે. તેમણે 2005માં દાડમની ખેતી શરૂ કરી હતી. એક હાથ ના હોવા છતાં બનાસકાંઠાને સૂકી જમીન પર તેમણે દાડમનું અદ્ધભૂત ઉત્પાદન કરીને આગવી ઓળખ બનાવી હતી.
એટલું જ નહીં તેમણે આ માટે ઓર્ગેનિક ખાતર જેવા કે ગાયના મુત્રનો ઉપયોગ કરીને શ્રેષ્ઠ ક્વોલિટી વાળા દાડમ ઉગાવ્યા હતા જે સંપૂર્ણ પણે પેસ્ટ ફ્રી હતા. દાડમની મબલખ ખેતી કરીને તેમણે પોતે તો આર્થિક સદ્ધરતા મેળવી જ હતી, આસપાસના ખેડૂતોને પણ આ રીતે દાડમની ખેતીના ફાયદા જણાવ્યા હતા. વળી તેમને ઓર્ગેનિક ખાતરની પદ્ધતિ, મની ટેક્ટર દ્વારા ખેતી કરી, ખેતીની આગવી શેલી વિકસાવી હતી. જે માટે આજે તેમને દેશના સર્વોચ્ચ એવોર્ડ સમા પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે.

Read also: તે સાત ગુજરાતી જેમણે ગુજરાતનું નામ દેશમાં રોશન કર્યું, જાણો કોણ?
હાઇ વે મસીહા
ગુજરાતના 51 વર્ષીય ડૉક્ટર શુભ્રતો દાસ, ગુજરાતમાં "હાઇવે મસીહા"ના નામે જાણીતા છે. તેમણે પોતાની સાથે થયેલા અકસ્માત બાદ હાઇ વે પર ઇમરજન્સી સર્વિસીસની કેટલી જરૂરીયાત છે તે વાતને સમજતા લાઇફલાઇન ફાઇન્ડેશનની શરૂઆત કરી હતી. જે હાલ ગુજરાત સમતે ભારતના 4000 કિમીના હાઇવે પર પથરાયેલી છે. જેમાં મહારાષ્ટ્ર, કેરળ, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળનો પણ સમાવેશ થાય છે. તેમના ફાઉન્ડેશનની મદદથી અકસ્માતની 40 મિનિટની અંદર જ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી જાય છે.
તેમણે અત્યાર સુધીમાં 1200થી વધુ લોકોના પ્રાણ રોડ અકસ્માતમાં બચાવ્યા છે. ત્યારે તેમને પણ સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. ત્યારે ગુજરાત અને ભારતની જનતા આ બન્ને લોકોના પોત પોતાના ક્ષેત્રમાં કરેલા અભૂતપૂર્વ કામ માટે માન અનુભવે છે.