
પંચમહાલઃ ગોધરામાં આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ તરીકે મનંત પટેલની નિયુક્તિ
ગોધરા તાલુકાના બોડીદરા ગામે આમ આદમી પાર્ટીના કાર્યકરોની બેઠક જિલ્લા પ્રમુખની અધ્યક્ષતામાં રાખવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લાના વિવિધ તાલુકાના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય ગોધરા તાલુકા આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખની વરણી કરવા બાબતે હતો. એ સંદર્ભમાં જિલ્લા પ્રમુખ બારિયાએ બોડીદરા ગામના કેળવણીકાર, પ્રિન્સીપાલ, પૂર્વ સરપંચ એવા મનંતભાઈ પટેલની ગોધરા તાલુકા પ્રમુખ તરીકે નિમણૂક કરી હતી. આ નિમણૂકને ઉપસ્થિત સૌ કાર્યકરોએ તાળીઓના ગડગડાટથી હર્ષભેર વધાવી લીધી હતી.
Recommended Video

જિલ્લા પ્રમુખે પુષ્પગુચ્છ આપીને શુભેચ્છા પાઠવી હતી અને તેઓ સફળ રીતે પદભાર સંભાળે અને તાલુકાનુ સંગઠન ખૂબ મોટુ અને મજબૂત બનાવે તેવી આશા વ્યક્ત કરી હતી. પ્રાસંગિક સંબોધન કરતા જિલ્લા પ્રમુખે જણાવ્યુ હતુ કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીનુ કદ વધી રહ્યુ છે ત્યારે પંચમહાલ પણ આગળ છે. જિલ્લામાં શિક્ષિત, સમજદાર અને શ્રેષ્ઠ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે એ પાર્ટી અને આપણા સૌના માટે ગૌરવની વાત છે. સતત લોક સંપર્કમાં રહી લોકોની સમસ્યા જાણવા પ્રયાસ કરવો અને તેના ઉકેલ માટે તંત્ર અને સરકારમાં રજૂઆત કરવી.
વધુમાં જિલ્લા પ્રમુખે કહ્યુ હતુ કે તાલુકાના દરેક ગામની મુલાકાત કરવી, દરેક ગામના કાર્યકરોને પણ તેમાં જોડવા અને મજબૂત અને શ્રેષ્ઠ સંગઠન તૈયાર કરવુ એમ જણાવ્યુ હતુ. આવનારી 2022ની વિધાનસભા ચૂંટણી માટે એકપણ દિવસ બગાડ્યા વિના કામ કરવુ. આ બેઠકમાં શહેરા તાલુકા પ્રમુખ અરવિંદભાઈ, જિલ્લા સહસંગઠન મંત્રી કૃણાલ ચૌહાણ અને જિલ્લા યુવા પ્રમુખ મિનેશ પટેલિયા તેમજ સૌ હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.